VADODARA : 28 વર્ષ બાદ તોપ ફોડીને ભગવાનને સલામી અપાશે, સાધનોનું પૂજન કરાયું
VADODARA : વડોદરા (VADODARA) ના એમ.જી.રોડ પર આવેલા પ્રાચીન રણછોડજી મંદિરમાં 28 વર્ષ પહેલા દેવ દિવાળી નિમિત્તે નીકળતા વરઘોડામાં તોપ ફોડીને ભગવાન રણછોડજીને સલામી આપવાની પરંપરા હતી. વર્ષ 1996 માં તોપના ધડાકા વખતે તણખા ઝરતા બે ત્રણ ભક્તો દાઝી ગયા હતા. જે બાદ પોલીસના નેગેટિવ રિપોર્ટના કારણે તોપ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. આ મામલે મંદિરના પૂજારી જનાર્દન દવે કોર્ટમાં પહોંચ્યા હતા અને છેલ્લા 28 વર્ષથી તેઓ તોપ પર લાગેલો પ્રતિબંધ ઉઠાવીને 150 વર્ષ જૂની પરંપરા ફરીથી શરૂ કરવા માટે જંગ લડી રહ્યા હતા. જેને ચુકાદો તેમની તરફેણમાં આવતા હવે તોપ ફોડી શકાશે. તે પહેલા તાજેતરમાં તેમના દ્વારા તોપના સાધનોનું પૂજન કરવામાં આવ્યું હતું.
ધડાકાઓ બાદ રણછોડજી મંદિરની આ તોપ સુરક્ષિત હોવાનું પ્રાથમિક તારણ
જાન્યુઆરી - 2024 માં વડોદરાના નવલખી મેદાન પર રાજાશાહી વખતના દ્રશ્યો તાજા થયા હતા. પિત્તળની તોપને મેદાનની વચ્ચે ગોઠવવામાં આવી હતી અને પછી તેમાં દારૂગોળો ભરીને ધડાકો કરવામાં આવ્યો હતો. તોપનો આ ધડાકો તોપ સુરક્ષિત છે કે નહી તે સાબિત કરવા માટે વહિવટી તંત્રના પદાધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યા હતા. ધડાકાઓ બાદ રણછોડજી મંદિરની આ તોપ સુરક્ષિત હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યુ હતું. જે બાદ આ મામલાનો ચુકાદો મંદિરના પૂજારીની તરફેણમાં આવ્યો છે.
વદ અગિયારસે આ તોપની સલામી ઠાકોરજીને આપવામાં આવશે
અગ્રણીએ મીડિયાને જણાવ્યું કે, 28 વર્ષ, 2 મહિના અને 22 દિવસે નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં રણછોડરાયને તોપને જે સલામી આપવામાં આવતી હતી, તે હવે વાર્ષિક પરંપરા અનુસાર શરૂ થશે. ગઇ કાલે ચુકાદો આવ્યો છે. આજે તોપનું મહારાજ દ્વારા પૂજન કરવામાં આવ્યું છે. તેમણે ચપ્પલ વગર ફરવાની ટેક લીધી હતી. હજી કારતક મહિનો પૂર્ણ થયો નથી. સુદ અગિયારસે વરઘોડો નિકળ્યો હતો. વદ અગિયારસે આ તોપની સલામી ઠાકોરજીને આપવામાં આવશે. આ વર્ષથી આ સિલસિલો ચાલુ થશે. કોર્ટ દ્વારા મદદરૂપ થવા બદલ ઠાકોરજી આશિર્વાદ આપે તેવી પ્રાર્થના.
આ પણ વાંચો -- VADODARA : GPS શાળા દ્વારા શિયાળું જેકેટ વેચવાનું શરૂ, સંચાલકોને સિઝનલ વેપારમાં રસ પડ્યો..!