VADODARA : ઉભરાતી ગટરને પગલે વેપારીઓનો ધંધો-રોજગાર જોખમમાં મુકાયો
VADODARA : વડોદરા (VADODARA) ના મંગળબજારના બાજવાડામાં આવેલી વાસણની દુકાનોના વેપારીઓ વિતેલા એક મહિનાથી વધુ સમયથી પરેશાન છે. તેમના બજારના ઉભા પટ્ટામાં ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાના કારણે દુર્ગંઘ મારતા પાણી બહાર આવી રહ્યા છે. જેના કારણે હવે તેમના વેપાર-રોજગાર પર મોટી અસર પડી રહી છે. ગ્રાહક ખરીદી કરવા માટે આવવાની જગ્યાએ મોઢું દબાવીને ત્યાંથી જતા રહે છે, તેવું વેપારીઓનું કહેવું છે. આ મામલે પાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરોને જાણ કરવામાં આવતા તેઓ કોઇ નક્કર નિકાલ લાવી શક્યા નથી. જેથી હવે વેપારીઓ આ મામલાનો જલ્દી અને કાયમી ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે.
કોર્પોરેટરો, વોર્ડ ઓફીસરો કોઇને કંઇ પડી નથી
વેપારીઓ સર્વેએ જણાવ્યું કે, આ બાજવાડાનો વાસણ બજારનો વિસ્તાર છે. વાસણ બજારના ઉભા પટ્ટા પર ડ્રેનેજ લાઇન ચોકઅપ થઇ છે. આ અંગે ચારેય કોર્પોરેટરોને જાણ કરવામાં આવી છે. દોઢ મહિનાથી અમે હેરાન-પરેશાન થઇ રહ્યા છે. અમે અંગે વોર્ડ ઓફીસરને પણ મળ્યા, તેઓ આવીને જતા રહે છે, તેમનું એક જ રટણ છે થઇ જશે થઇ જશે. પણ આનો કોઇ નિકાલ આવતો નથી. કોર્પોરેટરો, વોર્ડ ઓફીસરો કોઇને કંઇ પડી નથી. આવી આવીને જોઇ જાય છે.
અહિંયા રોગચાળો ફેલાઇ શકે છે
વધુમાં જણાવ્યું કે, અધિકારીઓ લીટા પાડીને જતા રહે છે. સમસ્યાનો નિકાલ આવતો નથી. અમે હેરાન પરેશાન છીએ. ધંધો કેવી રીતે કરવો તેને લઇને કંઇ સમજ પડતી નથી. ઘરાકો મોઢું દબાવીને આગળ જતા રહે છે. કોઇ અહિંયા ઉભા રહેવા તૈયાર નથી. અહિંયા રોગચાળો ફેલાઇ શકે છે. અમે છેલ્લા 20 દિવસથી ધંધો જ નથી કરતા. આખો દિવસ સફાઇ જ કર્યા કરીએ છીએ. થોડુંક કામ કરીને ફોટા પાડીને બધા જતા રહે છે. રજુઆત કરીએ તો કહે છે કે, આવી જશે, થઇ જશે.
અમારી સમસ્યા તેમની તેમ જ છે
આખરમાં જણાવ્યું કે, પાલિકામાંથી આવે છે, સળિયા નાંખે છે, કામ થતું નથી અને જતા રહે છે. તેઓ જેટીંગ મશીન લાવતા નથી. કોઇ કામ કરતું નથી. ઓનલાઇન અને રૂબરૂ જઇને ફરિયાદ કરીએ છીએ. રોજ પાણી નિકળે છે. અગાઉ અમને કહ્યું હતું કે, રોકડનાથ પાસેના પાણીનો નિકાલ થશે એટલે આ પાણીની સમસ્યા સોલ્વ થઇ જશે. પરંતુ હવે તો ત્યાંનું પાણી પણ નિકળી ગયું છે. છતાં અમારી સમસ્યા તેમની તેમ જ છે.
આ પણ વાંચો -- VADODARA : રાહત પેકેજ માટે 31, ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે, વાંચો વિગતવાર