VADODARA : ગેરકાયદેસર દબાણો પર તવાઇ, દુધવાળા મહોલ્લામાં DCP ની હાજરીમાં સફાયો
VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની ચાકુના ઘા ઝીંકીને હત્યાની ઘટના બાદ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. વિતેલા બે દિવસથી ચાલતી દબાણોના સફાયાની કામગીરી આજે પણ યથાવત રહી હતી. આજે શહેરના સંવેદનશીલ ગણાતા દુધવાળા મહોલ્લામાં ડીસીપીની હાજરીમાં દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે. એક તબક્કે સ્થાનિકો દ્વારા પોતાના લારી-ગલ્લા બચાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસ અને પાલિકાની ટીમો દ્વારા મક્કમતા પૂર્વક દબાણો હટાવવાનું કામ જારી રાખ્યું હતું.
જાતે જ ગલીઓમાં જઇ જઇને પરિસ્થિતીનો તાગ મેળવ્યો
વિતેલા ત્રણ દિવસથી વડોદરાના વિવિધ વિસ્તારોમાં દબાણો દુર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. નાગરવાડા, મચ્છીપીઠ, તાંદલજા, ફતેપુતા બાદ આજે વડોદરાના વહીવટી વોર્ડ નં - 13 માં આવતા દુધવાળા મહોલ્લા તથા આજુબાજુના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા છે. દુધવાળા મહોલ્લો સંવેદનશીલ હોવાથી પોલીસની વિવિધ ટીમો પહેલાથી જ તૈનાત થઇ ગઇ હતી. અને ખુદ ડીસીપી લીના પાટીલ સમગ્ર ઓપરેશન સમયે સ્થળ પર હાજર રહ્યા હતા. તેમણે જાતે જ ગલીઓમાં જઇ જઇને પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. અને કામગીરી વેગવંતી બનાવી હતી.
આ કાર્યવાહી સતત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચાલુ રહેશે
DCP લીના પાટીલએ મીડિયાને જણાવ્યું કે, આજે સવારથી પાલિકા અને પોલીસની ટીમો હાજર છે. શહેરના દુધવાળા મહોલ્લામાં જે આંતરિક ગલીઓમાં જે ગેરકાયદેસર લારીઓ લાગે છે, તે બધાયને હટાવવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં પાલિકા અને પોલીસની વિવિધ ટીમો ચાલી રહી છે. ટ્રાફીકના પ્રશ્નો, અને અસામાજીક તત્વોને જોર મળતું હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી સતત ચાલુ રહેશે. આ કાર્યવાહી સતત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચાલુ રહેશે. હાલ, વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશન તથા ઝોન - 3 એલસીબી ની ટીમો તૈનાત છે.
બીજી ટીમ ચાર દરવાજા અને મંગળબજારમાં કાર્યરત
પાલિકાના સક્ષમ અધિકારીએ જણાવ્યું કે, આ એક રૂટીન પ્રક્રિયા છે. વહીવટી વોર્ડ નં - 13 માં સમાવિષ્ટ દુધવાળા મહોલ્લામાં ગેરકાયદેસર દબાણોને દુર કરવાની કાર્યવાહી ચાલુ છે. અમારી કામગીરી ચાલી રહી છે. અને બીજી ટીમ ચાર દરવાજા અને મંગળબજારમાં કાર્યરત છે. ત્યાં પણ સાથે સાથે કાર્યવાહી ચાલુ છે. શરૂઆતના કલાકોમાં જ પાંચ ટ્રક ભરીને સામાન જપ્ત કરી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : 28 વર્ષ બાદ તોપ ફોડીને ભગવાનને સલામી અપાશે, સાધનોનું પૂજન કરાયું