VADODARA : કૃષ્ણભક્તોના મનની વાત સાંસદે મુકી, રેલવે મેનેજરને અનેક મુદ્દે રજુઆત
VADODARA : તાજેતરમાં અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તથા વડોદરા ડિવિઝનના અન્ય ઉચ્ચ રેલ અધિકારીઓની ઉપસ્થિતિમાં મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના સાંસદોની નીતિવિષયક આયોજન સંબંધિત બાબતોને સાંકળતી એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં શહેર જિલ્લાના રહીશોની જરૂરિયાત તેમજ વિકાસલક્ષી આયોજન સંદર્ભે શહેરના ડો. હેમાંગ જોષીએ મહત્વના સૂચનો કરી તેના અમલીકરણની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.
વંદે ભારત ટ્રેનને વડોદરા સુધી લંબાવવી જોઈએ
રેલ મંત્રાલય દ્વારા વિતેલા દિવસોમાં અત્યંત સુવિધાકારી, આરામદાયી તથા ઝડપી નવી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ આ સુપર ફાસ્ટ ટ્રેન રેલ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. રેલ પ્રવાસીઓ આ ટ્રેનમાં મુસાફરી કરવા ઉત્સુક છે. બેઠકમાં સાંસદ ડો. હેમાંગ જોષીએ શહેરના કૃષ્ણભક્ત યાત્રીઓને દ્વારકાધીશના દર્શનની સુવિધા મળે તે હેતુસર અમદાવાદથી ઓખા વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને વડોદરા સુધી લંબાવવી જોઈએ તેવો મત વ્યક્ત કરી રેલ અધિકારીઓને આ દિશામાં પ્રયાસ કરી તેનું આયોજન કરવા જણાવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી વડોદરાથી શીરડી તરફ નિયમિત તેમજ પ્રસંગોપાત જનારા યાત્રાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જણાવી સાંસદ ડો. હેમાંગ જોષીએ વડોદરાથી શીરડી જવા નવી અત્યાધુનિક વંદે ભારત ટ્રેન શરૂ કરવા માટે પણ રેલ અધિકારીઓને સૂચન કર્યું હતું.
સંપાદિત જમીનનું સત્વરે વળતર મળી રહે
સાંસદોની બેઠકમાં રેલવે તંત્ર દ્વારા વિકાસલક્ષી આયોજનના ભાગરૂપે અનગઢ અને સિંધરોટ વિસ્તારના ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે, હજી સુધી આ ખેડૂતોને તેમની સંપાદિત જમીનનું વળતર મળ્યું નથી તેમ જણાવી ખેડૂતોને તેમની સંપાદિત જમીનનું સત્વરે વળતર મળી રહે તે બાબતની કાર્યવાહી કરવા પણ સાંસદે અધિકારીઓને સૂચન કર્યું હતું.
વડોદરા ગોધરા વચ્ચે ટ્રેનને અલીન્દ્રા સ્ટોપેજ આપો
કોરોનાના સમયગાળા પહેલા વડોદરાથી ગોધરા વચ્ચે દોડતી ટ્રેનને અલીન્દ્રા ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. પરંતુ કોરોના બાદ આ સ્ટોપેજની સુવિધા ફરી શરૂ કરવામાં આવી ન હતી. જેના પગલે વડોદરા ગોધરા વચ્ચે રોજગારી હેતુ રોજિંદા ધોરણે અપડાઉન કરતા કર્મચારીઓ સહિત અન્ય કામદારોને હાલાકી વેઠી પડી રહી છે તેમ જણાવી સાંસદે વડોદરાથી ગોધરા વચ્ચે દોડતી ટ્રેનને અલીન્દ્રા સ્ટોપેજ આપવા મહત્વનું સૂચન કર્યું હતું. સાંસદે વડોદરાથી ગોરખપુર વચ્ચે દોડતી ટ્રેનને છપરા સુધી લંબાવવા પણ રેલ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
અનગઢ ઓવરબ્રિજની બાજુમાં સર્વિસ રોડની તાતી જરૂરિયાત
મધ્ય અને ઉત્તર ગુજરાતના સાંસદો તથા રેલ અધિકારીઓની બેઠકમાં વડોદરા જિલ્લાના મહત્વના તેમજ મોકાના એવા અનગઢ ગામે બનાવવામાં આવેલા ઓવરબ્રિજને કારણે સ્થાનિક ગ્રામજનોની હાલત વધુ કફોડી બની છે. અનગઢ ખાતે ઓવરબ્રિજ બનાવ્યા બાદ સર્વિસ રોડ અપાયો નથી. અનગઢ તેમજ આસપાસના ગ્રામજનોની જરૂરિયાત તેમજ તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને ઓવરબ્રિજની બાજુમાં સવિસ રોડ બનાવવો જરૂરી હોવાનો મત વ્યક્ત કરી સાંસદે રેલ અધિકારીઓને સર્વિસ રોડનું આયોજન કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ પણ વાંચો -- VADODARA : LVP થી SSG હોસ્પિટલ સુધી મહારાણીની મૌન રેલી યોજાઇ