VADODARA : હિટ એન્ડ રન કેસનો આરોપી એક દિવસના રિમાન્ડ પર
VADODARA : વડોદરાના કારેલીબાગમાં હોલીકા દહનની રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક કારે ત્રણ ટુ વ્હીલર વાહનોને અડફેટે લેતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે અડધો ડઝન લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં આરોપી રક્ષિત ચોરસિયા સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું છે. હિટ એન્ડ રન કેસના આરોપીના કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મળ્યા છે. આજે સવારે આરોપી રક્ષિતને એસએસજી હોસ્પિટલ ખાસે ચેકીંગ અર્થે લાવવામાં આવ્યો હતો. (HIT AND RUN CASE ACCUSED ON POLICE REMAND - VADODARA). રક્ષિતને દુખાવાની ફરિયાદ થતા તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હોવાનું તેણે મીડિયા સમક્ષ જણાવ્યું છે.
આરોપી સામે સાપરાધ માનવવધનો ગુનો દાખલ કર્યો
ધૂળેટીની પૂર્વ રાત્રીએ વડોદરાના કારેલીબાગના આમ્રપાલી કોમપ્લેક્ષ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કાર ચાલકે ત્રણ ટુ વ્હીલરને અડફેટે લીધા હતા. આ ઘટનામાં પોલીસે કાર ચાલક રક્ષિત ચોરસિયા અને તેના મિત્ર પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી લીધી હતી. ઘટનાને પગલે રાજ્યભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ઘટના બાદ પોલીસે આરોપી રક્ષિત સામે સાપરાધ માનવવધનો ગુનો દાખલ કર્યો હોવાનું ડીસીપીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. ઘટના બાદ બંને આરોપીઓને ગણતરીના સમયમાં પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવાની શક્યતા
હિટ એન્ડ રન કેસમાં કાર ચલાવનાર મુખ્ય આરોપી રક્ષિત ચોરસિયાના પોલીસને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ મેળવ્યા બાદ તેને ચેકઅપ માટે પોલીસ વાહનમાં એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરે તેવું પણ સુત્રોએ જણાવ્યું છે. આ ઘટનામાં અકસ્માત સર્જનાર કાર સહિતના વાહનો પોલીસે પહેલાથી જ જપ્ત કરી લીધા છે. હવે આ મામલે તપાસમાં શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે. વિતેલા 24 કલાકમાં પોલીસે સઘન ચેકીંગ કરીને ડ્રીંક એન્ડ ડ્રાઇવના 23 કેસ કર્યા હતા જ્યારે નંબર વગરના અને શંકાસ્પદ જણાયેલા 50 વાહનો મળી આવ્યા હતા. નશો કરેલા 3 શખ્સ પોલીસ ચેકીંગમાં મળ્યા હતા.
આ પણ વાંચો --- VADODARA : હિટ એન્ડ રન કેસના આરોપી સામે માનવવધનો ગુનો દાખલ