VADODARA : હાઇ-વે પર અકસ્માતમાં ટ્રક ચાલક ફસાયો, પતરૂ કાપીને રેસ્ક્યૂ
VADODARA : વડોદરા (VADODARA) ના તરસાલી પાસેથી પસાર થતા હાઇવે પર સુરત તરફ જવાના રસ્તે બે ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ટ્રકમાં પાછળથી ધડાકાભેર ભટકાનાર ટ્રકનો ચાલક તેની સીટ પર જ દબાઇ ગયો હોવાનો કોલ મળતા ફાયરના જવાનો દોડ્યા હતા. અને પતરૂ કાપીને ચાલકને રેસ્ક્યૂ કર્યો છે. આ ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્ત ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. અને ફસાયેલા ચાલકનો જોઇને સૌ કોઇના જીવ તાળવે ચોંટ્યા હતા.
ટ્રકનો ભાગ ચાલક પર આવી ગયો
વડોદરા પાસેથી પસાર થતા હાઇવે પર તરસાલી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આજે સવારે સર્જાયેલી દુર્ઘટનામાં પાછળથી ધડાકાભેર ભટકાયેલા ટ્રકનો ચાલક ડ્રાઇવર સીટ પર જ ફસાઇ ગયો હતો. ટ્રકનો આગળનો ભાગ તેના પર આવી જતા, તેવી પરિસ્થિતીમાં તેનું બચીને નીકળવું મુશ્કેલ બન્યું હતું. આખરે આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.
108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો
ફાયર સુત્રોના જણાવ્યા પ્રમાણે, પહેલા હાથ વડે ફસાયેલા ચાલકને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કટર વડે પતરું કાપીને ચાલકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ચાલકને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. ટ્રક અકસ્માતમાં ફસાયેલા ચાલકને સારવાર અર્થે મોકલી આપવામાં આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. ચાલકને રેસ્ક્યૂ કરવામાં અડધો કલાક જેટલો સમય લાગ્યો હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.
આ પણ વાંચો -- VADODARA : સ્માર્ટ સિટીની વ્યથા, 26 લાખની વસ્તી સામે માત્ર 8 ફૂડ ઇન્સ્પેક્ટર