VADODARA : લગ્નસરા ટાણે ત્રણ સ્થળોએ GST વિભાગનો સર્વે
VADODARA : દેવ દિવાળી બાગ લગ્નસરાની મોસમ ખીલી છે. પ્રસંગો માટેની ખરીદી કરવા માટે લોકોની માર્કેટમાં ભારે ચહલ પહલ જોવા મળી રહી છે. તેવામાં વડોદરા શહેર (VADODARA CITY) માં ત્રણ સ્થળોએ જીએસટી વિભાગ દ્વારા સર્વે (GST SURVEY) ની કામગીરી હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્રણેય જગ્યાઓ લગ્ન તથા અન્ય પ્રસંગ સંબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરે છે.
ણ શોરૂમ પર જીએસટી વિભાગની ટીમોએ દરોડા પાડ્યા
વડોદરાના જુના સિટી વિસ્તારમાં ખરીદી કરવા માટે સારા વિકલ્પો ઉપલબ્ધ હોય છે. હાલ લગ્નસરા ચાલતો હોવાથી માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે. જ્વેલરી, કપડાં સહિતની વસ્તુઓ માટે દુકાનોમાં ભારે ભીડ જોવા મળે છે. ત્યારે ગત મોડી સાંજે વડોદરાના સુલતાનપુરા, ઘડિયાળી પોળ તથા રાવપુરામાં આવેલા ત્રણ શોરૂમ પર જીએસટી વિભાગની ટીમોએ દરોડા પાડ્યા હતા. અને સરવેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સિટી વિસ્તારમાં આવેલી જુની દુકાનોના અન્ય આઉટલેટ પોશ વિસ્તારમાં હોવાથી ત્યાં સુધી પણ તપાસનો રેલો પહોચવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી
આ શોરૂમમાં હેવી કપડાં અને જ્વેલરીનું મોટુ કલેક્શન હોય છે. જીએસટી વિભાગની ટીમો દ્વારા માલ ખરીદી-વેચાણના હિસાબોના ચોપડા ફંફોસ્યા હતા. અને જરૂર પડ્યે વેપારીની પુછપરછ પણ કરી હતી. તહેવારની મોસમ ખીલી છે, ત્યારે જીએસટી વિભાગ દ્વારા અચાનક કાર્યવાહી કરવામાં આવતા વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે. જીએસટી વિભાગની કાર્યવાહીને પગલે ગ્રાહકો માટે શો રૂમ બંધ કરવો પડ્યો હતો. અધિકારીઓ દ્વારા શંકાના આધારે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસના અંતે મોટી કરચોરી પકડાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
આ પણ વાંચો -- VADODARA : અગ્રણી ભંવરલાલ ગૌડ બોગસ ખેડૂત નીકળ્યા, ફરિયાદ નોંધાઇ