VADODARA : ગણેશજીની આગમન યાત્રામાં બે યુવક મંડળ વચ્ચે ધીંગાણું
VADODARA : મોડી રાત્રે વડોદરા (VADODARA) ના ગોત્રી વિસ્તારમાં ગણેશજીની આગમન યાત્રામાં ધીંગાણું થયું હોવાનું સામે આવ્યું છે. આ મામલે એક ગણેશ મંડળ દ્વારા અન્ય ગણેશ મંડળને નીચુ દેખાડવા માટે ડીજે પર ઉશ્કેરણીજનક ગીતો વગાડીને, તથા ટી શર્ટ કાઢીને નાચવા માંડ્યા હતા. આમ કરવા જતા રોકતા મામલો બિચક્યો હતો. અને 8 જણાએ ભેગા મળીને અન્ય યુવક મંડળના યુવકોને માર માર્યો હતો. સમગ્ર મામલે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
બાપ તો બાપ રહેગા અને સિંહ તો સિંહ જ કહેવાય તેવા ગીતો વાગતા
ગોત્રી પોલીસ મથકમાં વિજય રાજુભાઇ શર્મા (રહે. અયોધ્યા નગર, ગોકુળ નગર, ગોત્રી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ અયોધ્યા કા રાજા યુવક મંડળના સભ્યો જોડે પંડાલ આગળ સ્થાપનની તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે રાત્રે 12 - 30 કલાકે ગોકુળનગરના ચિંતામણી કિંગ યુવક મંડળના ગણતપિના શોભાયાત્રા તેમના પંડાલ આગળથી નિકળી હતી. તે વખતે ડીજેમાં બાપ તો બાપ રહેગા અને સિંહ તો સિંહ જ કહેવાય તેવા ગીતો વાગતા હતા.
હાથનું કડું કપાળ પર મારી દીધું
તેવામાં માઇકમાં બોલાયું કે, સબ લોક દેખ રહે હૈ, ઔર કુછ કર નહી પા રહે હૈ, ઓપન ચેલેન્જ હૈ જો કરના હૈ વો આ જાઓ... જે બાદ તેઓ અયોધ્યા કા રાજા યુવક મંડળના યુવક મંડળા દ્વારા આવા ગીતો નહી વગાડવા માટે કહેતા, સામે વાળા યુવકો ટી શર્ટ કાઢીને ડીજેમાં નાચ્યા હતા. દરમિયાન બંને જુથના યુવકો વચ્ચે ઝપાઝપી થઇ હતી. તેવામાં વિજય શર્મા પાસે યુવકોએ આવીને હાથનું કડું કપાળ પર મારી દીધું હતું. જેથી લોહી નિકળવાનું શરૂ થયું હતું. બાદમાં બુમાબુમ થતા અન્ય છોડાવવા દોડી આવ્યા હતા. તેમને પણ ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ ઝઘડો અયોધ્યા કા રાજા યુવક મંડળના ગણપતિને નીચા દેખાડવા માટે કરવામાં આવ્યો હતો.
8 સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ
આખરે ઉપરોક્ત મામલે તેજસ સોનેરા, મિહીર સોનેરા, સુનિલ કોલેકર, ગણેશ ચિત્તે (તમામ રહે. ગોકુળનગર, વડોદરા), અક્ષિતરાજ તથા ભરત ઉર્ફે મધિયો મકવાણા (બંને રહે. ચંદ્રમૌલેશ્વર, વડોદરા), શ્લોક દિપલ શાહ (રહે. સંસ્કાર નગર, વડોદરા) અને પુનમ માળી (પાર્વતિનગર, વડોદરા) મળીને 8 સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : દારૂનો જથ્થો ભાવનગર પહોંચે તે પહેલા જ ખેલ પડી ગયો