VADODARA : ક્રેડિટ કાર્ડ અન્ય આપતા પહેલા 100 વખત વિચારજો, જાણી લો આ કિસ્સો
VADODARA : આપણે આપણા પરિચીત લોકોની મદદ માટે ખચકાતા નથી. અને સરળતાથી હા પાડી દઇએ છીએ. પરંતુ ક્યારેક આ પ્રકારની લાગણી છેતરપીંડિમાં પરિવર્તિત થઇ જતી હોય છે. આવો જ એક કિસ્સો વડોદરા (VADODARA) માં બ્યુટી પાર્લર ચલાવતી મહિલા સાથે સામે આવ્યો છે. મહિલાએ તેમની સામે રહેતા યુવકની દિકરીની બર્થડે પર ગિફ્ટ આપવાની હોવાથી તેને મોબાઇલ લઇ આપ્યો હતો. જેના પ્રતિદિન લેખે રૂ. 5 હજાર તરીકે ચુકવણી કરવાનું નક્કી થયું હતું. પરંતુ મોબાઇલ ફોન મેળવ્યા બાદ યુવકનું વર્તન એકદમ વિપરીત થઇ ગયું હતું. આખરે ઉપરોક્ત મામલે સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ફોન લેવાના પૈસા રોજ રૂ. 5 હજાર લેખે ચુકવી આપીશ
વડોદરાના સિટી પોલીસ મથકમાં મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ શહેરના કલાદર્શન વિસ્તારમાં બ્યુટી પાર્લર ચલાવે છે. તેમની સામે રહેતા એઝાઝ ઉર્ફે અગ્ગો રમણભાઇ શેખ (રહે. યાકુતપુરા, દરબાન ફળિયું, વડોદરા) થી તેઓ પરિચિત છે. ઓક્ટોબર માસમાં એઝાઝ તેમની પાસે આવ્યો અને જણાવ્યું કે, મારી દિકરીનો બર્થ ડે છે. તેને ફોન ગિફ્ટમાં આપવાનો છે. હું તમને મોબાઇલ ફોન લેવાના પૈસા રોજ રૂ. 5 હજાર લેખે ચુકવી આપીશ. બાદમાં તેની વાત પર ભરોસો આવતા મહિલાએ તેના ક્રેકિડ કાર્ડ વડે મોબાઇલ શોપમાંથી રૂ. 1.80 લાખનો મોબાઇલ ખરીદીને આપ્યો હતો.
એઝાઝે ફોન અન્યને વેચી માર્યો
જો કે, મોબાઇલ ખરીદ્યા બાદ એઝાઝ તેના જણાવ્યા પ્રમાણે મહિલાને પૈસાની ચૂકવણી કરતો ન્હતો. એક સમય બાદ તો તેણે મહિલાનો ફોન પણ ઉંચકવાનું બંધ કરી દીધું હતું. બાદમાં મહિલાને જાણ થઇ કે એઝાઝે ફોન અન્યને વેચી માર્યો છે. આખરે મહિલા જોડે છેતરપીંડિ થઇ હોવાનું ધ્યાને આવતા તેમણે સિટી પોલીસ મથકમાં એઝાઝ ઉર્ફે અગ્ગો રમણભાઇ શેખ (રહે. યાકુતપુરા, દરબાન ફળિયું, વડોદરા) સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : થીએટરમાં કુશન પર મુકેલા પોપકોર્ન ટબમાં મોઢું મારવા ઉંદર પહોંચ્યો