VADODARA : શહેરમાં 1,723 મોટા તથા અસંખ્ય નાની શ્રીજીની મૂર્તિઓની સ્થાપના, વિસર્જન માટે 8 કૃત્રિમ તળાવ
VADODARA : વડોદરા પોલીસ (VADODARA POLICE) દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, શહેરમાં 1,723 મોટા સહિત અસંખ્ય નાની ગણેશજીની મૂર્તિઓની આ વર્ષે સ્થાપના કરવામાં આવી છે. આ વર્ષે શ્રીજીની મૂર્તિઓની વિસર્જન માટે 8 કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે. ગત વર્ષે પાલિકા દ્વારા પાંચ મોટા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા. જેમાં નાની-મોટી મળીને 11 હજારથી વધુ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તે પૈકી હરણી-સમા લિંક રોડ પર તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવમાં સૌથી વધુ મૂર્તિઓનું વિસર્જન થઇ શક્યું હતું.
8 કૃત્રિમ તળાવોની યાદી
યાદીમાં જણાવ્યા અનુસાર, આ વર્ષે ત્રણ નવા કૃત્રિમ તળાવોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેના કારણે શ્રીજી ભક્તો નવલખી કૃત્રિમ તળાવ, કુબેલેશ્વર કૃત્રિમ તળાવ, હરણી સમા લિંક રોડ કૃત્રિમ તળાવ, દશામાં કૃત્રિમ તળાવ, ખોડીયારનગર કૃત્રિમ તળાવ, લેપ્રસી ગ્રાઉન્ડ કૃત્રિમ તળાવ, ભાયલી કૃત્રિમ તળાવ, અને માંજલપુર સ્મશાન પાસેનો કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી શકશે.
નિયત કરવામાં આવેલા કૃત્રિમ તળાવમાં જ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન
વડોદરા શહેર પોલીસ દ્વારા જણાવાયું છે કે, ગણેશજીના વિસર્જન ટાણે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તથા ટ્રાફીકના અડચણની સ્થિતી ના સર્જાય તે માટે નિયત કરવામાં આવેલા કૃત્રિમ તળાવમાં જ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવું જોઇએ. અને તેમના નિયત કરેલા રૂટ પરથી જ અવર-જવર કરવી જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : ભાજપનો જૂથવાદ સપાટી પર લાવતી ડિજીટલ પત્રિકા વાયરલ