VADODARA : અમદાવાદ અને સુરતના સફાઇ સેવકોની ટીમ શહેરમાં કામે લાગી
VADODARA : વડોદરા (VADODARA) પૂરની સ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે સ્વચ્છતા પર યુદ્ધના ધોરણે કામ થાય તે માટે અમદાવાદ અને સુરત પાલિકાની સફાઇ સેવકોની ટીમો મશીનરી સાથે વડોદરા આવી પહોંચી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ઇન્દ્રપુરી અતિથીગૃહ ખાતે ટીમોને એકત્ર કરવામાં આવી રહી છે. અને ત્યાર બાદ તેમના કામની વહેંચણી કરવામાં આવનાર છે. વડોદરામાં પૂરના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે. આ પાણી ઉતરે તેવામાં યુદ્ધના ધોરણે સફાઇ કાર્ય થાય તે માટે બે શહેરોની ટીમો વડોદરા માટે મહત્વની સાબિત થશે.
શહેરને પૂરમાંથી ઉગારવા માટેનું કેલ્ક્યૂલેટેડ રીસ્ક લીધું હતું
વડોદરા છેલ્લા ત્રણ દિવસથી પૂરની સ્થિતીમાંથી પસાર થઇ રહ્યું છે. તાજેતરમાં સત્તાધીશો દ્વારા આજવા સરોવરના દરવાજા બંધ કરીને શહેરને પૂરમાંથી ઉગારવા માટેનું કેલ્ક્યૂલેટેડ રીસ્ક લીધું હતું. જે હાલ ફળીભૂત થતું જોવા મળી રહ્યું છે. આજે સવારથી જ વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટી રહ્યું છે. જે બાદ પાણી ભરાયેલા વિસ્તારોમાંથી પણ પાણી ઓસરવાના શરૂ થઇ ગયા છે. જેને પગલે જે તે વિસ્તારોમાંથી પાણી સાથે આવેલી ગંદકી દુર કરવા માટે અમદાવાદ અને સુરત પાલિકાની ટીમો વડોદરા આવી પહોંચી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના 100 સફાઈ કર્મચારી, બે અધિકારી, 10 જે.સી.બી અને અન્ય વાહનો વડોદરા આવી પહોંચ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ અને સુરતમાંથી સ્પેશિયલ ટીમ ફાળવી
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે, પૂરના પાણી ઓસરી રહ્યા છે. આજવા ડેમના દરવાજા બંધ કરવાના કારણે શહેરમાંથી પાણી ઓસરી રહ્યા છે. કિનારાના વિસ્તારોમાં પાણી છે. તે પાણી ઓસરી જશે. હવે અમારો ટાર્ગેટ છે કે, શહેરની ઝડપથી સાફસફાઇ કરી, અને સ્વચ્છ બનાવવાનું છે. પુનસ્થાપન સાથે લોકોના સ્વાસ્થ્યની જાળવણી પણ છે. જ્યાં જ્યાં પાણી ભરાયેલું છે ત્યાં ત્યાં ફૂડ વિતરણની કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ અને સુરતમાંથી સ્પેશિયલ ટીમ ફાળવી છે. આપણી પાલિકાની સફાઇ ટીમ સાથે મળીને શહેરને ઝડપથી ચોખ્ખું અને સ્વચ્છ કરવામાં આવશે. વોર્ડ પ્રમાણે, ડમ્પર, જેસીબી મશીન, ટ્રેક્ટર, સુપર સકર મશીન પણ ફાળવવામાં આવ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : ફાયર સ્ટેશનમાં પડેલી દોઢ ડઝન જેટલી બોટ પૂર સમયે પડી રહી !