VADODARA : ઘાસ વિક્રેતાઓના દબાણો દુર કર્યાના બીજા દિવસે સ્થિતી યથાવત
VADODARA : ગતરોજ વડોદરા (VADODARA) ના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ઇદગાહ મેદાન પાસે પેઢીઓથી ઘાસ વેચી આ જગ્યા પર દબાણ ઊભું કરનાર વિક્રેતાઓનો મુદ્દામાલ જપ્ત કરીને દબાણ પાલિકા તંત્રએ દૂર કર્યું હતું. પાલિકા (VADODARA - VMC) પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 8 હજાર કિલો જેટલું કિલો ઘાસ જપ્ત કરવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારે આજે બીજા દિવસે ઘાસ વિક્રેતાઓ સવારથી જ સ્થળ પર જોવા મળી રહ્યા છે. જેને કારણે આવનાર સમયમાં પાલિકાએ વધુ એક વખત કાર્યવાહી કરવી પડે તેવું દેખાઇ રહ્યું છે.
પોલીસની હાજરીમાં આ દબાણો દુર કરવામાં આવ્યા
વડોદરના વિહાર ટોકીઝથી ગાજરાવાડી ગણપતિ મંદિર જવાના મુખ્ય માર્ગ પર નવીન રસ્તો બનાવવાના કામને સ્થાઇ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે બાદ ગમે ત્યારે અહીં રસ્તો બનાવવાની કામગીરી શરૂ થઈ શકે તેમ છે. પરંતુ ઇદગાહ મેદાન પાસે પેઢીઓથી કેટલીક મહિલાઓ ગાયને ઘાસ નાંખીવાનો વ્યવસાય કરતી હોવાથી અહીં ખૂબ મોટી માત્રામાં રખડતા ઢોર આવી જતા હતા. અને પારાવાર ગંદકી તથા વાહન ચાલકો, રાહદારીઓને પસાર થવામાં તકલીફ પડતી હતી. જેને ધ્યાનમાં લઇ છેલ્લા છ મહિનાથી પાલિકા તંત્ર દ્વારા અહીં ઘાસનું વેચાણ કરનારાઓને મૌખિક રીતે જગ્યા ખાલી કરવા માટે જણાવ્યું હતું. આખરે ગતરોજ પોલીસની હાજરીમાં આ દબાણો દુર કરવામાં આવ્યા હતા.
મહિલાઓ ઘાસ વેચવા મક્કમ
આ ઘટનાને પગલે પેઢીઓથી ઘાસનું વેચાણ કરીને ધંધો કરતી મહિલાઓ રોષે ભરાઇ હતી. જો કે, આજે સવારે મહિલાઓ દબાણ દુર કરવામાં આવેલી જગ્યાએ પરત જોવા મળી હતી. અને ઘાસ વેચાણનું કાર્ય તેમણે શરૂ કરી દીધું હતું. આમ, પાલિકા દ્વારા દબાણો દુર કરવામાં આવ્યા બાદ પણ મહિલાઓ ઘાસ વેચવા માટે તે જ સ્થળે મક્કમ હોવાનું સામે આવ્યું હતું. હવે પાલિકા તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : બાળકો ઉઠાવવાની આશંકાએ ફરતી ટોળકી પોલીસ હવાલે