VADODARA : વિવિધ જાતના આંબા થકી ખેડૂત બન્યા "લખપતિ"
- અલવાના વિક્રમસિંહ ચૌહાણે વિવિધ જાતના આંબાનો પ્રાકૃતિક ખેત પદ્ધતિથી કર્યો ઉછેર
- અંદાજે રૂપિયા પાંચ લાખની કેરી અને અઢી લાખના ચીકુનું ઉત્પાદન મેળવ્યું
- જીવામૃત વાપરવાથી કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી અને ફળમાં પણ વૃદ્ધિ થાય છે
- અલગ વેરાઈટીમાં થાઈલેન્ડની આંબલી પણ ઉગાડી
VADODARA : વડોદરા (VADODARA) પાસે વાઘોડિયા (VAGHIDIA) તાલુકાના અલવાના ખેડૂત વિક્રમસિંહ મફતસિંહ ચૌહાણ પોતાની ૧૨ વીઘા જમીનમાં વિવિધ જાતના આંબાનો પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉછેર કર્યો છે. જેમાં કેસર, લંગડો, રાજાપુરી, દશેરી, તોતાપુરી, હાફૂસ, આમ્રપાલીની જાતનો સમાવેશ થાય છે. તેમને અલગ વેરાઈટીમાં થાઈલેન્ડની આંબલી પણ ઉગાડી છે. તેમના ખેતરમાં ૨૫૦ આંબાના તથા ૨૫૦ ચીકુના છોડ છે.
એક પણ દાણો યુરિયા કે સલ્ફરનો નાખ્યો નથી
છેલ્લા પાંચ વર્ષથી વિક્રમસિંહ ચૌહાણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. વિક્રમસિંહ ચૌહાણ જણાવ્યું કે, જીવામૃત, છાણીયું ખાતર, અળસિયાનું ખાતર તથા દિવેલી ખોળ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને આંબા મોટા કરવામાં આવ્યા છે. આજ દિન સુધી એક પણ દાણો યુરિયા કે સલ્ફરનો નાખ્યો નથી.
કાળી જમીન હોવાથી બાગાયત ખેતીને વધુ અનુકુળ હોય
તેમણે ઉમેર્યું કે છેલ્લા વર્ષે અંદાજે રૂપિયા પાંચ લાખની કેરી અને અઢી લાખના ચીકુનું ઉત્પાદન મળ્યું છે.તેની સામે માત્ર રૂ.૫૦ હજાર જેટલો ખર્ચ થયો છે. આંબાની કલમ વલસાડ તથા તલાલાથી લાવવામાં આવી છે. આ કલમનો ભાવ ૧૫૦ થી ૨૦૦ રૂપિયા જેટલો હોય છે. વર્ષ દરમિયાન આંબા અને ચીકુ સિવાય તુવેર, દિવેલા, મગની ખેતી કરું છું. કાળી જમીન હોવાથી બાગાયત ખેતીને વધુ અનુકુળ હોય છે.
બજારમાં વેચાણ કરવામાં આવ્યા
તેમના ખેતરની કેસર કેરી ૧૨૦ રૂપિયે કિલો, લંગડો ૧૦૦ રૂપિયે કિલો, રાજાપુરી ૬૦ રૂપિયે કિલો, દશેરી ૧૦૦ રૂપિયે કિલો, તોતાપુરી ૮૦ રૂપિયે કિલો, હાફુસ ૧૫૦ રૂપિયે કિલો, આમ્રપાલી ૧૦૦ રૂપિયે કિલો, સબજા ૧૦૦ રૂપિયે કિલો અને ચીકુ ૮૦ રૂપિયે કિલોના ભાવે બજારમાં વેચાણ કરવામાં આવ્યા છે.
જીવામૃતનો છંટકાવ કરવો
તેઓ કહે છે કે આંબાના ઉછેર કરવા માટે યોગ્ય સમયે પાણી, જીવામૃત અને ઘનજીવામૃત આપો તો રોગથી લઈને દરેક ઉત્પાદનમાં ફરક પડે છે. જીવામૃત વાપરવાથી કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી. અને સાથે ફળમાં પણ વૃદ્ધિ થાય છે. ફ્લાવરિંગ પણ સારામાં સારું આવતું હોય છે. અને જો ઝાડ ઉપર જીવાત બેસી હોય તો તેના ઉપર પણ જીવામૃતનો છંટકાવ કરવો જોઈએ.
પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે,જેને પરિણામે ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. વિક્રમસિંહ ચૌહાણે વિવિધ જાતના આંબાનો પ્રાકૃતિક ખેત પદ્ધતિથી કર્યો ઉછેર કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે.
આ પણ વાંચો -- VADODARA : નવાપુરામાં પાણીની સમસ્યા ઉકેલવા ડે. મેયર દોડી આવ્યા