VADODARA : પતિએ સગર્ભા પત્નીને લોખંડની કોસ મારતા દમ તોડ્યો
VADODARA : વડોદરા (VADODARA) પાસે સાવલીના ડેસર તાલુકાના જુના સિહોરા ગામે રહેતા પતિ વનરાજસિંહ નરવતસિહ પરમારે તેની પત્ની કિંજલબેન વનરાજસિંહ પરમાર ને અગમ્ય કારણોસર ઝઘડો થતા, ઉશ્કેરાટમાં માથામાં લોખંડની કોસ મારી હત્યા કરી હતી. જે બાદ પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવવા પામ્યું છે. પત્નીને ચાર માસનો ગર્ભ હોવાનું પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
પતિએ જાતે બુમો પાડી લોકોને જણાવ્યું
30, જુલાઇના રોજ રાત્રે 10 વાગ્યે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિ વનરાજસિંહ પરમારે આવેશમાં આવી જઈને પત્ની કિંજલ ના માથાના ભાગે લોખંડની પરાઈ (કોસ) મારતા લોહી લુહાણ થઈ રસોડામાં પટકાઈ હતી. અને ઘટના સ્થળે જ તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. હત્યા કર્યા બાદ પતિ વનરાજસિંહ પરમારે જાતે બૂમો પાડીને જુના શિહોરા ના વાડી વિસ્તાર મા રહેતા પાડોશીઓને જાણ કરી હતી કે, મારી પત્ની સાથે મારે ઝઘડો થતા મેં કોસ માથામાં મારી તેને મોતને ઘાટ ઉતારી છે. જે બાદ વાડી વિસ્તારમાં રહેતા લોકો રાત્રે ભેગા થયા હતા.
માતા-પિતાએ દિકરીનો મૃતદેહ જોયો
દરમિયાન કેટલાક સગા સંબંધીઓ દ્વારા કિંજલ ના પિયર ગોધરા તાલુકાના નાકરેજી ગામે રહેતા માતા-પિતાને જાણ કરાઈ હતી. મોડી રાત્રે માતા કાંતાબેન ચૌહાણ અને પિતા વિક્રમસિંહ ચૌહાણ ભાઈ વિપુલ સિહ ચૌહાણ સહિત સગા-વ્હાલાઓ દોડી આવ્યા હતા. તેના ઘરમાં જઈને જોયું ત્યારે લોહી લુહાણ હાલતમાં વ્હાલ સોઇ દીકરીનો મૃતદેહ પડ્યો હતો.
ફરિયાદ બાદ આરોપીની અટકાયત
વિક્રમસિંહ ચૌહાણે ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, છ વર્ષ પહેલા તેના લગ્ન ડેસર ના જુના શિહોરામાં કરાયા હતા. લગ્ન થયા બાદ એકાદ વર્ષ મારા જમાઈ વનરાજસિંહે મારી દીકરીને સારી રીતે રાખી હતી. તે પછી વારંવાર ઝઘડા કરતો હતો. એક મહિના પહેલા દીકરી મારા ઘરે આવી હતી, ત્યારે ઘરના સભ્યોને કહેતી હતી કે મારો પતિ વનરાજ મારી સાથે અવારનવાર નાના મોટા ઝઘડા કરી મને માર મારે છે. તેથી હવે મારે ત્યાં જવું નથી. ત્યારે દીકરીને માતા પિતા અને ઘરના સભ્યો એ સમજાવી કે થોડા સમયમાં બધું સારું થઈ જશે, તેવું જણાવી તેને પરત તેના ઘરે સાસરે મોકલી આપતા હતા. પરંતુ તાજેતરમાં તેની સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈને કિંજલ ને માથામાં લોખંડની પરાઈ મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. મારી દીકરીને ચારેક માસની પ્રેગનેન્સી હતી. ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી હતી. હાલ આરોપીની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : તસ્કરો પોલીસ પર ભારી, જાહેર માર્ગ નજીકની જ્વેલરી શોપમાં હાથફેરો