VADODARA : પોતાની ટ્રાવેલ એજન્સી શરૂ થાય તેટલી ગાડીઓ લોકોને ઠગીને ભેગી કરી
VADODARA : 9 ઓગસ્ટ, 2024 ના રોજ આરોપી વસીમ નોબારા સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) માં કાર ઠગાઇની ફરિયાદ આપવામાં આવી હતી. જેની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળ ધપાવવામાં આવી હતી. આરોપીએ ફરિયાદી પાસેથી ઓગસ્ટ, 2023 થી કાર માસીક ભાડેથી મેળવીને ભાડુ રેગ્યુલર ચુકવશે તેવો પાક્કો ભરોસો આપ્યો હતો. બાદમાં બે ત્રણ મહિના સુધી ભાડુ પણ ચુકવ્યું હતું. ત્યાર બાદ તેણે ભાડા પેટે નિકળતા રૂ. 36 લાખ નહીં ચુકવી તેમજ રૂ. 8 લાખની કાર તથા અન્યની રૂ. 15 લાખની કિંમતની કાર પરત નહીં આપીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.
ઠગાઇ વડોદરા, જુનાગઢ, ભાવનગર અને આણંદમાં કરવામાં આવી
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને પકડી પાડી તેની પાસેથી ઠગાઇ કરીને મેળવેલા વાહનો પરત મેળવવાની દિશામાં તપાસ હાથ ધરી હતી. આરોપીની પુછપરછમાં તેણે રૂ. 81 લાખની કિંમતની 14 લક્ઝુરીયર કારની ઠગાઈ કરી હોવાનું શોધી કાઢવામાં આવ્યું હતું. આ વાહનોની ઠગાઇ વડોદરા, જુનાગઢ, ભાવનગર અને આણંદમાં કરવામાં આવી હતી.
ફોર્ચ્યુનર કારની ઉઠાંતરી પણ કરાઇ
ત્રણ-ચાર લાખ રૂપિયા લઇને જુદા જુદા વ્યક્તિઓને ત્યાં આ કારોને ગીરવે મુકવામાં આવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા 14 કારને રીકવર કરવામાં આવી છે. દરમિયાન આરોપી વસીમ નોબરા દ્વારા ફોર્ચ્યુનર કારની ઉઠાંતરીનો ગુનો પણ આચરવામાં આવ્યો હોવાનું સપાટી પર આવ્યું હતું. જેથી તે દિશામાં પણ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે.
અગાઉ મારામારી અને ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી
આરોપી વસીમ નોબારા (રહે. ભોજ, પરબડી ફળીયું, પાદરા) આર્થિક ફાયદા માટે નાગરિકોને ભોળવીને કાર માસીક ભાડા પર મેળવી લેતો હતો. ત્યાર બાદ ચોક્કસ સમય સુધી ભાડું આપ્યા બાદ તે આ કારને મુળ માલિકની જાણ બહાર સગેવગે કરી દેતો હતો. આરોપી સામે જેપી રોડ પોલીસ મથકમાં મારામારી અને ઠગાઇની ફરિયાદ નોંધવામાં આવી છે. આમ, પોતાની ટ્રાવેલ એજન્સી શરૂ કરી શકાય તેટલી મોટી સંખ્યામાં ઠગાઇના આરોપી પાસેથી ગાડીઓ મળી આવી છે.
આ પણ વાંચો -- VADODARA : ગેસ બીલના બાકી નાણાંના નામે ઠગવા ટોળકી સક્રિય