VADODARA : વિશ્વામિત્રી કિનારે BJP કોર્પોરેટરના મકાનનું દબાણ સ્વૈચ્છિક દુર કરવાના સંકેત
VADODARA : વડોદરા (VADODARA) ના સમા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના કિનારે ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનો વૈભવી મહેલ આવેલો છે. આ મહેલના નિર્માણમાં વિશ્વામિત્રી નદીના પટમાં દબાણ કર્યું હોવાનું સૌ કોઇ જાણે છે. તાજેતરમાં ભાજપ શહેર પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા વિશ્વામિત્રી નદી કાંઠાના દબાણો દુર કરવા અંગે કડક નિવેદન આપવામાં આવ્યું હતું. તે બાદ કાર્યવાહીના ડરે ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા દ્વારા ખુદ દબાણો દુર કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તેમના મકાનની વિશ્વામિત્રી કિનારા તરફના બાંધકામમાં તોડફોડ ચાલી રહી છે.
કોઇના પણ દબાણો હશે, તેને દુર કરાશે
વડોદરા ઐતિહાસીક માનવસર્જિત પૂરની સ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. વડોદરામાં પૂર પાછળના કારણો પૈકી એક વિશ્વામિત્રી નદીના કિનારા પર થયેલા દબાણો છે. આ પૂરના કારણે ભાજપના નેતાઓને લોકોએ અનેક વખત ખરીખોટી સંભળાવી છે. ત્યાર બાદ તાજેતરમાં શહેર ભાજપ પ્રમુખ તથા અન્ય નેતાઓ દ્વારા સીકોનનો રીપોર્ટ આવ્યા બાદ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે, અને કોઇના પણ દબાણો હશે, તેને દુર કરવા માટેનું કડક નિવેદન આપ્યું હતું. આ નિવેદનની અસર હવે જોવા મળી રહી હોય તેમ લાગી રહ્યું છે.
વિશ્વામિત્રી નદી તરફના ભાગમાં તોડફોડ શરૂ કરવામાં આવી
વડોદરાના વહીવટી વોર્ડ નં 3 ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા દ્વારા સમા વિસ્તારમાં આવેલા ચેતક બ્રિજ વિશ્વામિત્રી નદીના કિનારે વૈભવી મહેલ બનાવવામાં આવ્યો છે. આ મહેલનો કેટલોક ભાગ વિશ્વામિત્રી નદીમાં દબાણ હોવાનું સૌ કોઇ જાણે છે. પરંતુ તેમની સામે આજદિન સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે પૂર બાદ વડોદરાની મુલાકાતે આવેલા કોંગ્રેસના સિનિયર આગેવાન અમિત ચાવડા દ્વારા પણ કોર્પોરેટરને દબાણો અંગેની વાત વધુ એક વખત સપાટી પર લાવવામાં આવી હતી. ત્યારે આજે સવારથી જ ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાના સમા વિસ્તારમાં આવેલા નિવાસ સ્થાનમાં વિશ્વામિત્રી નદી તરફના ભાગમાં તોડફોડ શરૂ કરવામાં આવી છે. જેનો વીડિયો હાલ સપાટી પર આવવા પામ્યો છે.
નદી પરના દબાણો સ્વયંભૂ દુર થાય તે તમામ માટે હિતાવહ
વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, ડ્રીલીંગ મશીન વડે જમીનમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે. અને ત્યાર બાદ તેનો કાટમાળ ઉંચકીને અન્યત્રે ફેંકવામાં આવી રહ્યો છે. ભાજપ શહેર પ્રમુખ તથા અન્ય દ્વારા દબાણો દુર કરવા અંગે ઉચ્ચારવામાં આવેલી ચીમકી બાદ આ કાર્યવાહી થઇ હોવાની પ્રબળ લોકચર્ચા છે. લોકોનું તેમ પણ માનવું છે કે, ગમે તે કારણે, વિશ્વામિત્રી નદી પરના દબાણો સ્વયંભૂ દુર થાય તે તમામ માટે હિતાવહ છે.
આ પણ વાંચો -- VADODARA : તહેવારોને લઇને પોલીસનો સજ્જડ બંદોબસ્ત, 6500 થી વધુ જવાનોની તૈનાતી