VADODARA : પ્રધાનમંત્રીના હસ્તે શહેરના 353 આવાસો અને 12 દુકાનોનું ઈ-લોકાર્પણ
VADODARA : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM NARENDRA MODI) ના હસ્તે ગુજરાતને રૂ. ૮ હજાર કરોડથી વધુના અનેકવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત વડોદરા શહેરના ૩૫૩ પરિવારોનું પોતાના ઘરનું સપનું સાકાર થયું છે.
દંડક બાળકૃષ્ણ શુકલ અને સાંસદ ડો. હેમાંગભાઈ જોષીની ઉપસ્થિતિ
અમદાવાદ ખાતે આયોજીત મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગોત્રી ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂ. ૨૪.૪૧ કરોડના ખર્ચે નિર્માણ થયેલા ૩૫૩ આવાસો અને ૧૨ દુકાનોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. વડોદરાના ગોત્રી ટી.પી.-૬૦, એફ.પી. ૧૮૯ ખાતે આવાસોના લાભાર્થીઓના ગૃહ પ્રવેશનો કાર્યક્રમ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ અને સાંસદ ડો. હેમાંગભાઈ જોષીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
નવા ઘરમાં હંમેશા ખુશીઓ, સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી કામના કરી
ગોત્રી ખાતે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ પ્રથમ અમદાવાદ ખાતેના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને ત્યારબાદ મહાનુભાવોના હસ્તે આવાસોના લાભાર્થીઓને કબજા પાવતી એનાયત કરવામાં આવી હતી. મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુકલે અહીં વિધિ-વિધાનથી લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવીને નવા ઘરમાં હંમેશા ખુશીઓ, સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી કામના કરી હતી.
સૌ પરિવારોને શુભકામનાઓ પાઠવી ઉજ્જવળ ભવિષ્યની આશા સેવી
ગુજરાત સાથે વડોદરા માટે આજનો દિવસ મહત્વનો છે, તેમ કહી મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલે કહ્યું કે, આજે ગોત્રીના ગાયત્રીપુરા વિસ્તારમાં જ્યાં આપણે બહુમાળી ઈમારત જોઈ રહ્યા છીએ, ત્યાં પહેલા ઝૂંપડપટ્ટી હતી. આવાસ યોજના અંતર્ગત અહીંના લોકોને કાચા મકાન-ઝૂંપડામાંથી મુક્તિ મળી છે અને પાકું ઘર મળ્યું છે. આવાસ યોજનાના આ તમામ લાભાર્થીઓને ૧-૨ દિવસમાં જ કબજા પાવતી આપવામાં આવશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. તેમણે આવાસ પ્રાપ્ત કરનાર સૌ પરિવારોને શુભકામનાઓ પાઠવી ઉજ્જવળ ભવિષ્યની આશા સેવી છે.
અધિકારી-કર્મચારીઓ તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત
ગોત્રી ખાતે આયોજીત ગૃહ પ્રવેશ કાર્યક્રમમાં ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયા, ચૈતન્યભાઈ દેસાઈ, શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, કાઉન્સિલરઓ, વી. એમ. સી.ની એફોર્ડેબલ હાઉસીંગ શાખાના અધિકારી-કર્મચારીઓ તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો --VADODARA : NHAI દ્વારા વડાપ્રધાનના જન્મ દિન નિમિત્તે વૃક્ષારોપણ