VADODARA : ઉત્તરાયણ પૂર્વે 1 હજાર ચાઇનીઝ તુક્કલ જપ્ત કરતી SOG પોલીસ
VADODARA : ઉત્તરાયણ (UTTARAYAN - 2025) પૂર્વે ચાઇનીઝ દોરા અને તુક્કલનો વેપલો કરનારાઓ પર પોલીસની બાજ નજર છે. આ વાતની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા એસઓજી પોલીસ (VADODARA SOG POLICE) દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરીને એક હજાર ચાઇનીઝ તુક્કલ (PROHIBITED CHINESE LANTERN) સાથે બેની ધરપકડ કરી છે. અને બંને સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહીની તજવીજ શરૂ કરવામાં આવી છે.
લોકો ખરીદે તે પહેલા જ પ્રતિબંધીત દોરા અને તુક્કલને પકડી પાડવામાં આવે છે
ઉત્તરાયણ દરમિયાન અકસ્માતો ટાળવા માટે ચાઇનીઝ દોરી અને ગુબ્બારાઓ પર રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છતાંય બેફિકર બનીને તેવું વેચાણ કરી નફો કમાઇ લેવા માટેની તક વેપારીઓ છોડતા નથી. તો બીજી તરફ આ પ્રકરાના તત્વોનો ડામવા માટે પોલીસની વિવિધ બ્રાન્ચ પણ સતત વોચમાં રહે છે. અને મોટા ભાગના કિસ્સાઓમાં લોકો ખરીદે તે પહેલા જ પ્રતિબંધીત દોરા અને તુક્કલને પકડી પાડવામાં આવે છે.
એસઓજી પોલીસને બાતમી મળી હતી
ઉત્તરાયણ પર્વને હાલ એક મહિનાથી વધુ જેટલો સમય બાકી છે. ત્યારે વડોદરા SOG પોલીસે પ્રતિબંધિત સામગ્રીના વેચાણ તેમજ સંગ્રહ કરનારા સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આજે એસઓજી પોલીસને બાતમી મળી હતી કે,માંજલપુર ઇવા મોલ પાસેના રીક્ષા સ્ટેન્ડ નજીક જયુપીટર પર બે યુવકો પ્રતિબંધિત લેન્ટર્ન (તુક્કલ) નો જથ્થો લઈને ઉભા છે.
બે ની ધરપકડ, એક વોન્ટેડ જાહેર
જેના આધારે સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી હતી. જેમાં બાતમીથી મળતા આવતા બંને યુવકોને ઝડપી પાડીને તેઓ પાસેથી રૂ. 25 હજારની કિંમતના 1000 નંગ ગુબ્બારા, બે મોબાઈલ ફોન અને જયુપીટર મોપેડ કબ્જે લઈને કુલ રૂ. 90 હજારનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત કાર્યવાહીમાં કેયુર રતનસિંહ પઢીયાર અને આશિષ પંચાલ (બંને રહે. ગણેશનગર, ગાજરાવાડી પાણીનો ટાંકી પાસે,વડોદરા) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગુબ્બારાનો જથ્થો મોકલનાર અમદાવાદના વીપીન નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : હોટલની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ, અડધો ડઝન મહિલાઓ મળી આવી