Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પૂર બાદ શહેરમાં 15 હજારથી વધુ ખાડાઓ દુરસ્ત કરાયા

VADODARA : ભયાનક પૂરની અસરથી વડોદરા (VADODARA) ને મુક્ત કરવાના પ્રયાસો આયોજનબદ્ધ રીતે,વિવિધ ક્ષેત્રોમાં એકસાથે થયાં. જેમાં રસ્તાઓના સમારકામ અને વિવિધ ટેકનીકસ પ્રયોજીને ખાડા પૂરવાના કામોનો સમાવેશ થાય છે. પૂર બાદ શહેરમાં માર્ગો ઉપર પડેલા ૧૫૩૨૬ ખાડાઓને પેચવર્ક કરી દુરસ્ત...
vadodara   પૂર બાદ શહેરમાં 15 હજારથી વધુ ખાડાઓ દુરસ્ત કરાયા

VADODARA : ભયાનક પૂરની અસરથી વડોદરા (VADODARA) ને મુક્ત કરવાના પ્રયાસો આયોજનબદ્ધ રીતે,વિવિધ ક્ષેત્રોમાં એકસાથે થયાં. જેમાં રસ્તાઓના સમારકામ અને વિવિધ ટેકનીકસ પ્રયોજીને ખાડા પૂરવાના કામોનો સમાવેશ થાય છે. પૂર બાદ શહેરમાં માર્ગો ઉપર પડેલા ૧૫૩૨૬ ખાડાઓને પેચવર્ક કરી દુરસ્ત કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે, શહેરમાં મહાપાલિકા હસ્તક કુલ ૧૮૩૭ કિલોમીટરના માર્ગો છે. જેમાં ૧૮ મીટર કે તેનાથી વધુ પહોળાઈ ધરાવતા ૭૪૨ માર્ગો, તેનાથી ઓછી પહોળાઈ ધરાવતા ૧૦૯૫ રસ્તાઓ છે. ભારે વરસાદ અને તે બાદ આવેલા પૂરથી માર્ગોને નુકસાન થયું હતું.

Advertisement

રસ્તાઓને પૂર્વવત કરવા દિવસ અને રાત કરવામાં આવ્યું કામ

રસ્તાઓનું જરૂરી સમારકામ ઝડપથી કરવા દિવસ અને રાતની બે જુદી જુદી શિફ્ટમાં યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી અને રસ્તાઓ પૂર્વવત કરવામાં આવ્યા. પૂરના પાણી ઓસરી ગયા તે પછી તા.૩૦ ઓગસ્ટથી શરૂ કરવામાં આવેલી રસ્તાની દુરસ્તીની કામગીરી સતત ચાલુ રાખવા દરરોજ ૩૨ જેસીબી, ૪૦ ડંપર, ૧૯ નાના ડંપર (એફસી), ૬૦ જેટલા ટ્રેકટર અને ૩૪૦ જેટલા શ્રમિકોને કામે લગાડીને રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું.

Advertisement

પેવર બ્લોક, વેટ મિક્ષ અને હોટ મિક્ષ મટીરીયલ પાથરવા સહિત જરૂરી કામો કરવામાં આવ્યા

પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓના સંકલનથી ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી અને શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ, બાપોદ, સવાદ,વારસિયા રિંગ રોડ, ફતેપુરા, હરણી સહિતના વિસ્તારો,પશ્ચિમમાં ભાયલી, ગોરવા, ગોત્રી, વાસણા, તાંદલજા, બિલ, સેવાસી, ઉંડેરા સહિતના વિસ્તારો, ઉત્તરમાં દેણા, સમા, વેમાલી, નિઝામપુરા, પ્રતાપગંજ, છાણી અને દક્ષિણમાં માંજલપુર, મકરપુરા, તરસાલી, ધનિયાવી, વડદલા, વડસર અને કપુરાઇ સહિત લગભગ તમામ અસર પામેલા વિસ્તારોમાં રસ્તાઓને સુધારીને વાહન વ્યવહારને યોગ્ય એટલે કે મોટરેબલ કરવામાં આવ્યા છે.જેમાં પેવર બ્લોક, વેટ મિક્ષ અને હોટ મિક્ષ મટીરીયલ પાથરવા સહિત જરૂરી કામો કરવામાં આવ્યા છે.

Advertisement

રસ્તાઓના સમારકામની કામગીરીની એક ઝલક

આ રસ્તાઓને પૂર્વવત બનાવવા ૧૫૩૨૬ ખાડાઓને ૧૮૨૪૯ મેટ્રિક ટન સામગ્રીનો ઉપયોગ કરીને પૂરવામાં આવ્યા છે અને જરૂરિયાત મુજબ હોટ મિક્ષ, કોલ્ડ મિક્સ અને વેટ મિક્ષ એમ ત્રણેય પ્રકારના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પૈકી ૧૧૫૧૮ ખાડાઓ પૂરવા ૧૫૦૯૨ મેટ્રિક ટન હોટ મિક્ષ સામગ્રી અને ૩૭૬૪ ખાડાઓ પૂરવા ૩૧૩૦ મેટ્રિક ટન વેટ મિક્ષ સામગ્રી અને ૪૪ ખાડાઓને ૨૭ મેટ્રિક ટન કોલ્ડ મિક્ષ સામગ્રીનો ઉપયોગ કરીને પૂરવામાં આવ્યા છે.

પેચ વર્ક કરીને રસ્તાઓને વાહન વ્યવહાર યોગ્ય બનાવવામાં આવ્યા

બહુધા ચોમાસા દરમિયાન ખાડા પૂરવા માટે વેટ મિક્ષ સામગ્રી વાપરવામાં આવે છે. જો કે મજબૂતીની ખાતરી માટે વરસાદ અટકે ત્યારે હોટમિક્ષ સામગ્રીનો ઉપયોગ કરીને એ ખાડાઓ પર પેચ વર્ક કરીને રસ્તાઓને વાહન વ્યવહાર યોગ્ય બનાવવામાં આવ્યા અને વડોદરા મહાનગર પાલિકાના હોટ મિક્ષ પ્લાન્ટમાં થી જરૂરી સામગ્રી મેળવવામાં આવી છે.

૬૦ કિલોમીટર ના ૪૭ રસ્તા રહ્યા અકબંધ

વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં બનાવવામાં આવેલા ૬૦ કિલોમીટર લંબાઈના ૪૭ રસ્તા પૂરની પરિસ્થિતિમાં પણ લગભગ અકબંધ રહ્યા હતા. જ્યારે અન્ય રસ્તાઓ પર પડેલા ખાડાઓ પુરાવા મોટા પ્રમાણમાં હોટ મિક્ષ સામગ્રીની જરૂર પડી. જે કોર્પોરેશનના પોતાના પ્લાન્ટમાં બનાવવાની સાથે જરૂર પ્રમાણે ઇજરદારોના પ્લાન્ટમાંથી આ સામગ્રીનો જથ્થો મેળવીને કામ ચાલુ રાખવામાં આવ્યું હતું.

મુખ્ય રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ત્રણ દિવસમાં પૂરી કરવામાં આવી

રસ્તા પરના ખાડા ફક્ત વેટ મિક્ષ મટીરીયલથી પૂરવાથી કામ પૂરું થઈ જતું નથી. વરસાદ ફરી પડે ત્યારે આ મટીરીયલ હટી જાય છે. એટલે તાત્કાલિક ઉપાય તરીકે વેટ મિક્ષથી પૂરીને પછી હોટ મિક્ષ કામગીરીથી મોટા ખાડાઓની જગ્યાઓને ફિક્સ એટલે કે મજબૂત કરવામાં આવે છે. આ રીતે રસ્તા ખાડામુક્ત કરવામાં આવ્યા છે. મુખ્ય રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ત્રણ દિવસમાં પૂરી કરવામાં આવી અને તેની સાથે નવરાત્રી સમીપ હોવાથી ગરબા મેદાનોની આસપાસના રસ્તાઓને દુરસ્તીની આ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા. ઉપમાર્ગો એટલે કે બાય રોડના ખાડાઓનું સમારકામ એક અઠવાડિયામાં પૂરું કરવામાં આવ્યું હતું. મહાનગર પાલિકાએ રસ્તાઓના સમારકામ અને વાહન વ્યવહાર યોગ્ય કરવાની કામગીરીને અગ્રીમતા આપીને તમામ સાધન સામગ્રી અને માનવ બળનો વિનિયોગ કરીને શક્ય તેટલી ઝડપે કરી છે.

આ પણ વાંચો -- VADODARA : 39 વર્ષ બાદ દેશના વડાપ્રધાન વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસના મહેમાન બનશે

Tags :
Advertisement

.