VADODARA : ભારે વરસાદને લઇ આવતી કાલે શાળાઓમાં રજા, SDRF ની ટીમો સ્ટેન્ડબાય
VADODARA : વડોદરા (VADODARA) માં આજે ભારે વરસાદ પડી રહ્યો છે. આવતી કાલે પણ આ પ્રકારે વરસાદ પડવાની શક્યતાઓને ધ્યાને રાખીને જિલ્લા શિક્ષણા અધિકારી દ્વારા 25, જુલાઇ - 2024 ના રોજ શહેર-જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ શહેરામાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થતા તંત્ર દ્વારા એસડીઆરએફની બે ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વહેલી સવારથી વરસાદની જોરદાર બેટીંગ બપોર બાદ થોડીક શાંત થઇ હતી. જે આંશિક રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી શહેર પર નજર
આજ પહેલા વડોદરાથી મેઘરાજા રૂઠ્યા હોવાની વાતો વહેતી થઇ હતી. પંરતુ આ બધી વાતોનું ખંડન કરતા આજે સવારથી જ વડોદરા શહેર-જિલ્લામાં મેઘમહેરબાની થઇ હતી. મેઘરાજાની જોરદાર બેટીંગને પગલે બપોર સુધીમાં તો શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. જેને લઇને પાલિકાની એન્જિનીયરની ટીમો ફિલ્ડમાં ઉતારવામાં આવી હતી. તો બીજી તરફ પાલિકાના કમિશનર સહિતના પદાધિકારીઓએ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી શહેરભરની ગતિવિધીઓ પર નજર રાખી હતી.
એક દિવસની રજા જાહેર
આજે ભારે વરસાદ વચ્ચે શાળાઓ છોડવાનો કોઇ નિર્ણય નહી લેવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલીય જગ્યાઓ પર વિદ્યાર્થીઓની વાન ખોટકાતા સમયનો વેેડફાટ થયો હતો. ત્યારે આવતી કાલે પણ વરસાદની આવી જ બેટીંગ થવાની શક્યતાઓને ધ્યાને રાખીને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓમાં આવતી કાલે 25, જુલાઇ - 2024 ના રોજ રજા જાહેર કરી છે.
બે ટીમ સ્ટેન્ડ બાય
તો બીજી તરફ વડોદરામાં વરસાદની સ્થિતિને ધ્યાનેે રાખીને હાલમાં એસડીઆરએફની બે ટીમ સ્ટેન્ડ બાય છે. એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવા માટે જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો -- SURAT : બલેશ્વર ગામની ખાડીની આસપાસ રહેતા સંપર્ક વિહોણા બનેલા 60 લોકોનું રેસ્ક્યુ કરાયું