કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડરાયજીના દર્શન કર્યા
અહેવાલ--કૃષ્ણા રાઠોડ, નડિયાદ કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને (Nirmala Sitharaman) તેમના ગુજરાતના પ્રવાસ દરમિયાન આજ રોજ પવિત્ર યાત્રાધામ ડાકોર (Dakor)ની મુલાકાત લઈ ભગવાન રણછોડરાયજીના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. ભગવાન રણછોડરાયના ચરણોમાં પ્રાર્થના કરી કેન્દ્રીય...
અહેવાલ--કૃષ્ણા રાઠોડ, નડિયાદ
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને (Nirmala Sitharaman) તેમના ગુજરાતના પ્રવાસ દરમિયાન આજ રોજ પવિત્ર યાત્રાધામ ડાકોર (Dakor)ની મુલાકાત લઈ ભગવાન રણછોડરાયજીના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી.
ભગવાન રણછોડરાયના ચરણોમાં પ્રાર્થના કરી
કેન્દ્રીય મંત્રીએ ડાકોર મંદિર ખાતે ભગવાનશ્રી રણછોડરાયજીના દર્શન કરી ભારતની ચારે દિશામાં પ્રગતિ થાય અને એક ઉન્નત રાષ્ટ્ર બને તેવી મનોકામના વ્યકત કરી ભગવાન રણછોડરાયના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ વેળાએ મંદિરના મહારાજે ડાકોર મંદિરના પૌરાણિક માહત્મ્યથી મંત્રીશ્રીને વાકેફ કરી મંત્રીશ્રીનું ફૂલહાર દ્વારા સ્વાગત કર્યું હતું. આ સમયે મંદિરના ટ્રસ્ટીશ્રી ભરતભાઈએ મંત્રીને શ્રી લક્ષ્મી માતાજીની સાડી, ઠાકુરજીની છબી, પ્રસાદ, તેમજ પાનનું બીડું સન્માન સ્વરૂપે આપ્યુ હતુ.
ટેન્ટસીટીની બેઠક બાદ ડાકોર પહોંચ્યા
મંત્રીએ મંદિરમાં દર્શન બાદ અહી દર્શને આવેલા ભાવિક ભક્તો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ સમયે પ્રાંત અધિકારી શ્રી રિદ્ધિબેન શુક્લે ડાકોરની સ્મૃતિ સ્વરૂપે શ્રી રણછોડરાયની મૂર્તિ ભેટ સ્વરૂપે આપી હતી. ઉલ્લેખનિય છે કે, કેન્દ્રીય મંત્રીશ્રીના ચાર દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાનના પ્રથમ દિવસે તેઓએ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવા કેન્દ્ર (આઈ.એફ.એસ.સી) ના વિકાસ અને વૃધ્ધિ પર નાણાં મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવોની ટીમ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ તારીખ ૨૦ ઓગસ્ટ,૨૦૨૩ ના રોજ નર્મદા જિલ્લાના કેવડીયા ટેન્ટ સીટી-૧ ખાતે બે દિવસીય કેન્દ્રીય નાણાં વિભાગની ચિંતન શિબિરમાં ભાગ લીધો હતો. નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન તા. ૨૨ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ ચિંતન શિબિર પૂર્ણ કરી ટેન્ટસીટી -૧ ખાતેથી રાજપીપલા ખાતે આશરે ૬૦૦ વર્ષ જુના પ્રાચીન હરસિધ્ધિ માતાના દર્શને આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓએ ખેડા જિલ્લામાં આવેલા ડાકોરના શ્રી રણછોડ રાયજીના દર્શને પધાર્યા હતા.
Advertisement