રાજ્ય સરકાર નવી શિક્ષણ નીતિના શ્રેષ્ઠ અમલીકરણ માટે સતત પ્રયત્નશીલ છે : મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ અને ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ રાજકોટના રીબડા ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયેલી નવી શિક્ષણ નીતિ અંગેની શિક્ષણ વિચાર ગોષ્ઠિમાં ભાગ લીધો હતો.
મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આ પ્રસંગે ઉપસ્થિતોને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, માનવ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી શકે તે માટે અસ્તિત્વમાં આવેલી શિક્ષણ વ્યવસ્થા પ્રાચીન ભારતમાં ખૂબ પ્રચલિત હતી. હાલના વિકસિત દેશો પાસે શિક્ષણ સંબંધી કોઇ જ સુવિધા નહોતી, ત્યારે ભારતમાં હજારો ગુરુકુળ દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ અને કેળવણી અપાતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ હજારો વિદ્વાનોના પ્રતિભાવો લઈને નવી શિક્ષણ નીતિનું સર્જન કર્યું, જેનું અમલીકરણ આવનારા દિવસોમાં શિક્ષણ અને કેળવણીની દ્રષ્ટિએ સીમાચિહ્નરૂપ સાબિત થશે. રાજ્ય સરકાર નવી શિક્ષણ નીતિના શ્રેષ્ઠ અમલીકરણ માટે સતત પ્રયત્નશીલ છે.
પ્રાચીન સમયમાં ભારત ભૂમિ પર આર્યભટ્ટ, ભારદ્વાજ વગેરે ઋષિઓએ અનેક સંશોધનો કર્યા હતા. પશ્ચિમમાં પૃથ્વી ગોળ છે તે શોધવા માટે શોધકને દંડિત કરાતા ત્યારે આપણે ત્યાં ઋષિઓનું સન્માન અને પૂજન કરવામાં આવતું. નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે શિક્ષકોએ મુલ્યનિષ્ઠા કેળવવા માટે સજ્જ થવાનું છે. નવી શિક્ષણ નીતિ દ્વારા અણીશુધ્ધ પ્રમાણિકતા, શ્રીમદ્ ભગવદગીતાના આદર, અહંકાર વિનાનું વર્તન, કર્મ સિદ્ધાંત, કાર્યનિષ્ઠા વગેરે ગુણો શિક્ષણમાં ઉમેરાશે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાનિધ્યમાં આ શિક્ષણ નીતિની ચર્ચા થઈ રહી છે, તે આવકારદાયક છે, એમ મંત્રીએ ઉમેર્યું હતું.
નવી શિક્ષણ નીતિની ટાસ્ક ફોર્સ મેમ્બર તેમજ સાહિત્ય અકાદમીના રજિસ્ટ્રાર જયેન્દ્રસિંહ જાદવે તેમના ઉદબોધનમાં કોમન યુનિવર્સિટી એક્ટ પાસ કરીને ગુજરાતના ઉચ્ચ શિક્ષણમાં સકારાત્મક પરિવર્તન લાવવા બદલ મંત્રી તેમજ રાજ્ય સરકારને બિરદાવી હતી તેમજ NEP અને પ્રાચીન ગુરુકુલ શિક્ષા પદ્ધતિ - ભારતીય જ્ઞાન સંહિતાનો સમન્વય અંગે મુખ્ય વક્તવ્ય આપ્યું હતું.
એસ.જી.વી.પી. ડાયરેક્ટર જયદેવસિંહ સોનગ્રાએ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું. જયારે સંતશ્રી માધવપ્રિયદાસજીએ આશીર્વચન પાઠવ્યા હતા. દીપ પ્રાગટ્ય તેમજ મહાનુભાવોના સ્વાગતથી કાર્યક્રમની શરૂઆત થઇ હતી. સંતશ્રી માધવપ્રિયદાસજીએ મંત્રીનું ખેસ, પુષ્પગુચ્છ અને મૂર્તિ દ્વારા સ્વાગત કર્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં સંસ્થાના સાધુઓ, અગ્રણીઓ, ટ્રસ્ટીશ્રીઓ, શિક્ષણ જગતના અગ્રણીઓ, સ્વનિર્ભર શાળા સંચાલન મંડળના ભરતભાઈ ગાજીપરા અને શ્રી ડી.વી. મહેતા તેમજ અગ્રણી ચેતનભાઇ રામાણી, શાસનાધિકારી કિરીટસિંહ પરમાર, અન્ય અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો, નાગરિકો સામેલ થયા હતા. મંત્રીએ આ પ્રસંગે સંકુલમાં આવેલ પ્રાર્થના સ્થળે ભગવાનના દર્શન કર્યા હતા તેમજ કાર્યાલયમાં સંતો સાથે મુલાકાત કરી હતી. પ્રિન્સિપાલ જીજ્ઞેશ ઠક્કરે આભારદર્શન કર્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે