Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું જુનાગઢમાં નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી દુર્ઘટનાની જોઈ રહી છે રાહ?

જુનાગઢમાં મનપાની પ્રિ મોન્સુન કામગીરી ચોમાસામાં ગંભીર પરિસ્થિતિ સર્જાય તેવી દહેશત વિપક્ષે પ્રિ મોન્સુન જનરલ બોર્ડ માટે કરી માંગ શાસક પક્ષ નિયમ મુજબ જનરલ બોર્ડ બોલાવશે ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા વિપક્ષની માંગ ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થશે તેવો...
05:37 PM Jun 04, 2023 IST | Hardik Shah

જુનાગઢમાં મનપાની પ્રિ-મોન્સુન કામગીરી ચાલી રહી છે. ત્યારે શહેરમાં ચોમાસામાં ગંભીર પરિસ્થિતિ સર્જાય તેવી વિપક્ષે દહેશત વ્યક્ત કરી છે અને પ્રિ-મોન્સુન જનરલ બોર્ડ ચોમાસા પહેલાં જ બોલાવવા માટે માંગ કરી છે. જોકે, શાસક પક્ષ નિયમ મુજબ જ જનરલ બોર્ડ બોલાવશે, ત્યારે ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા વિપક્ષે માંગ કરી છે. સામે ચોમાસા પહેલાં જ કામગીરી પૂર્ણ થશે તેવો શાસકોનો દાવો છે.

જુનાગઢ શહેરમાં હાલ મનપા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી ચાલી રહી છે. સાથો સાથ શહેરમાં ભૂગર્ભ ગટર અને ગેસ લાઈનના કામો પણ ચાલુ છે. ત્યારે ભૂગર્ભ ગટરના કામોને લઈને રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરો દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગઈકાલે હાટકેશ હોસ્પિટલ નજીક ભૂગર્ભ ગટરના ખાડામાં કાર પટકાઈ ગઈ હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ કોન્ટ્રાકટર દ્વારા જો ત્યાં ચેતવણીના સાઈનબોર્ડ લગાવાયા હોય તો ઘટના ટાળી શકાય. ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા દેવાય તેવો ઘાટ આ કામગીરીમાં જોવા મળે છે. ગઈકાલે હાટકેશ હોસ્પિટલ પાસે ખાડામાં કાર પટકાઈ ત્યારે ત્યાં ચેતવણીના કોઈ સાઈન બોર્ડ નહોતા. જોકે, ત્યારબાદ ત્યાં ચેતવણીના સાઈન બોર્ડ મુકી દેવાયા છે. આમ જવાબદાર લોકો જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોય તે પ્રકારની કામગીરી ચાલી રહી છે.

શહેરમાં ભૂગર્ભ ગટરના કામોને લઈને ઠેર ઠેર રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે અને રસ્તા વન વે કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ક્યારેક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને લોકોને હાલાકી પડી રહી છે. શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી હજુ ચાલુ છે, ચોમાસું નજીક આવી રહ્યું છે રસ્તા પર કામ ચાલુ છે ત્યારે ચોમાસા પહેલાં કામ પૂરું થશે કે કેમ તે એક સવાલ ઉભો થયો છે. જુનાગઢ મનપામાં વિપક્ષે હાલની ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને ચોમાસામાં ગંભીર પરિસ્થિતિ સર્જાય અને કોઈ દુર્ઘટના બને તેવી દહેશત વ્યક્ત કરી છે અને કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવી માંગ કરી છે. મનપામાં કોંગ્રેસના કોર્પોરેટર લલીત પરસાણા એ મેયર ગીતાબેન પરમારને પત્ર પાઠવી પ્રિ-મોન્સુન કામગીરીની ચર્ચા કરવા જનરલ બોર્ડ ચોમાસા પહેલા બોલાવવા માંગ કરી હતી, પરંતુ જનરલ બોર્ડ તેના નિયમ અનુસાર જ બોલાવવામાં આવશે તેમ મેયર ગીતાબેન પરમારે જણાવ્યું હતું. સાથો સાથ મેયર ગીતાબેન પરમારે જણાવ્યું કે જે રીતે વિપક્ષને ચિંતા છે તે જ રીતે શાસકપક્ષને પણ ચિંતા છે અને શહેરમાં હાલ જે વિકાસના કામો ચાલી રહ્યા છે તે ચોમાસા પહેલાં પૂર્ણ કરવા સૂચના અપાઈ છે. રસ્તા પર પેચ વર્ક કરી દેવા અંગે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી દેવાઇ હોવાનું મેયર ગીતાબેન પરમારે જણાવ્યું હતું.

આ પણ વાંચો - ગીરગઢડા : ચેક ડેમનું નબળુ કામ થતાં BJP MLA અને ગ્રામજનો દ્વારા કરાઈ જનતા રેડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - સાગર ઠાકર

Tags :
disasterGeneral BoardMonsoonmunicipality in JunagadhPre-Monsoonpre-monsoon operations
Next Article