અંબાજીમાં આવનાર માઈ ભક્તોનાં દર્શન અંબાજી એસ.ટી ડેપોને ફળ્યા
અહેવાલ - શકિતસિંહ રાજપુત,અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી બસ ડેપો આવેલો છે. અંબાજી ખાતે આવેલો એસટી ડેપો ગુજરાતનો છેલ્લો એસટી ડેપો છે અહીંથી થોડાક કિલોમીટર દુર રાજસ્થાન રાજ્યની શરૂઆત થાય છે. અંબાજી એસટી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી જાણે નવીન શક્તિ સંચાર થયો છે, જેના કારણે નવી જોમ અને ઊર્જા સાથે તમામ કર્મચારીઓ દ્વારા એક પછી એક નવીન સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી રહેલ છે. જેના ભાગરૂપે સૌ પ્રથમ અંબાજી ડેપોનાં ઇતિહાસ માં સૌ પ્રથમવાર રક્ષા બંધનના એક જ દિવસમાં છવ્વીસ લાખ જેટલી આવક મેળવી એક જ દિવસમાં આટલી આવક મેળવનાર સૌ પ્રથમ ડેપો બન્યો હતો,ત્યારબાદમાં આંબાના દરબારમાં ભરાનાર ભાદરવી પૂનમના મહામેળામાં સતત રાતદિવસ દર્શનાર્થીઓની સેવામાં સેવાવૃત્ત રહીમાંના આશીર્વાદ જ મેળવ્યા અને શ્રેષ્ઠ કામગીરી કરી વિભાગ દ્વારા જ નહિ માન.જિલ્લા કલેકટર શ્રી દ્વારા પણ નોંધ લેવાઈ અને સન્માનિત કરાયા હતા.
આ સિવાય રાજ્ય સરકારના જાહેર કરેલ સફાઈ અભિયાનને પણ સતત જુદા જુદા કાર્યક્રમો કરીને સફળ બનાવી વોલ પેઇન્ટિંગ, નવીન બગીચાનું નિર્માણ, અલગ અલગ સંસ્થાઓનાં સહયોગ થકી સતત સફાઈનાં કામમાં પણ ટીમ અંબાજીએ ખભે થી ખભો મિલાવીને સફળ બનાવ્યું અને આજે ફરી એક વાત મહે સપ્ટેમ્બર - 2023નું પરિણામ આવતા પાલનપુર વિભાગના વિભાગીય નિયામક સાહેબ કિરીટભાઇ ચૌધરી સાહેબનાં સીધા માર્ગદર્શન અને વિભાગીય પરીવહન અધિકારી શ્રી વિનુભાઈ ચૌધરી સાહેબની સતત દિશા સૂચન અને વિભાગીય યાંત્રિક ઇજનેરની તમામ પ્રકારની સહાય થકી અંબાજી ડેપોએ એક નવીન અદભુત સિધ્ધિ મેળવી અને ડેપોની કોસ્ટ કવર કરી 49,00,000 (ઓગણપચાસ લાખ) જેટલો એટલે કે કી.મી દીઠ 5.14 પૈસા નફો મેળવી પાલનપુર વિભાગ જ નહિ નિગમમાં પણ એક નવીન યશ કલગીનો ઉમેરો કર્યો છે. જેના ભાગરૂપે ડેપોનાં ડેપો મેનેજર રઘુવીરસિંહ ચૌહાણ દ્વારા ટીમ અંબાજીના કર્મચારીઓને નિગમ મા રહેલ બેસ્ટ કર્મચારીઓની ટીમ ગણાવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ભગીરથ કાર્ય એક મજબૂત અને નિગમ માટે સમર્પિત ટીમ અને નિગમની બસમાં મુસાફરી કરી આ નિગમના અંબાજી ડેપોને રૂપિયા 49,00,000 લાખ રૂપિયા નફો કરાવવા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
અંબાજી ધામની વાત કરવામાં આવે તો આ ધામ ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. અંબાજી ખાતે આવતા માઈ ભક્તો માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસટી બસની સુવિધા વર્ષોથી છે. થોડાક મહિનાઓ બાદ અંબાજી એસટી ડેપોનું નવીન બિલ્ડિંગ બનનાર છે ત્યારે અંબાજી એસટી ડેપો દ્વારા રોજના અલગ અલગ ગામો, શહેરો સુધી 72 રૂટ ચલાવવામાં આવે છે.
આ પણ વાંચો - રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ફિક્સ પગારધારકોના વેતનમાં ૩૦ ટકાનો વધારો