Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહુવામાં 1050 વર્ષ જૂનું વિઘ્નહર પાર્શ્વનાથ જૈન મંદિર આજે પણ અડીખમ

આજે તા.18 મી એપ્રિલ એટલે વિશ્વ હેરિટેજ દિવસ. હેરિટેજ એટલે ધરોહર અથવા વારસો. વિશ્વ હેરિટેજ દિન આપણી સાંસ્કૃતિક વિરાસત અને વિવિધતાને જાળવવાની પ્રેરણા આપે છે. સુરત જિલ્લામાં આવેલી પ્રાચીન ધરોહરો આપણા ગૌરવશાળી ઈતિહાસની સ્મૃત્તિ જીવંત રાખી રહી છે. સુરતનો ચોકબજારનો...
મહુવામાં 1050 વર્ષ જૂનું વિઘ્નહર પાર્શ્વનાથ જૈન મંદિર આજે પણ અડીખમ

આજે તા.18 મી એપ્રિલ એટલે વિશ્વ હેરિટેજ દિવસ. હેરિટેજ એટલે ધરોહર અથવા વારસો. વિશ્વ હેરિટેજ દિન આપણી સાંસ્કૃતિક વિરાસત અને વિવિધતાને જાળવવાની પ્રેરણા આપે છે. સુરત જિલ્લામાં આવેલી પ્રાચીન ધરોહરો આપણા ગૌરવશાળી ઈતિહાસની સ્મૃત્તિ જીવંત રાખી રહી છે. સુરતનો ચોકબજારનો પ્રાચીન કિલ્લો, ગોપીતળાવ, મુગલસરાઈ, ડચ અને બ્રિટીશ સિમેટ્રી, ચિંતામણિ જૈન દેરાસર, કાંતારેશ્વર મહાદેવ મંદિર જેવા ઐતિહાસિક સ્થળો સુરતની આગવી હેરિટેજ ઓળખ બન્યા છે.

Advertisement

સુરત જિલ્લાના મહુવા નગર ખાતે મુગલ સલ્તનતના સમયનું 1050  વર્ષ જૂનું શ્રી વિઘ્નહર પાર્શ્વનાથ ભગવાનનું જૈનમંદિર આજે પણ અડીખમ ઉભું છે. 1050  વર્ષ જૂની અને 47  ઈંચની ઉંચાઈ ધરાવતી પાર્શ્વનાથ મૂર્તિ તેમજ અતિશય ક્ષેત્ર તરીકે ઓળખાતું અતિ પૌરાણિક જિનાલય દિગમ્બર જૈનોની અપ્રતિમ આસ્થાનું કેન્દ્ર છે. અહીં દેશ-વિદેશથી જૈનો અને જૈનેત્તર શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારે છે.

Advertisement


આ અતિશય ક્ષેત્ર મહુવા, બારડોલી, વાલોડ અને વ્યારા તાલુકા નજીક પૂર્ણા નદીના કિનારે બહુ જ રળીયામણા સ્થાન પર વસેલું છે. મુંબઈ નાસિક અને અમદાવાદથી લગભગ 250 કિ.મી, સુરતથી 45  કિ.મી, માંગીતુગીજી સિદ્ધક્ષેત્રથી 194  કિ.મી અને નવસારીથી 29  કિ.મી દૂર આવેલું છે.

પદ્માસનની સ્થિતિમાં બેસેલા પાર્શ્વનાથજીના સૌમ્ય અને દિગમ્બર સ્વરૂપની ખૂબ શ્રદ્ધાપૂર્વક પૂજાઅર્ચના થાય છે. ધરણેન્દ્ર ફેણવાળા ભગવાન સર્વજનના વિઘ્ન દૂર કરે છે એવી ભાવિકજનોમાં દ્રઢ આસ્થા છે. આજે વિઘ્નહર પાર્શ્વનાથ ભારતના ખૂણે-ખૂણે ખ્યાતિ પામ્યા છે. ખાસ કરીને શ્રદ્ધાળુઓ દરેક મહિનાની સુદ એકમ, દશમ અને પૂનમના દિવસે વિશેષ દર્શનાર્થે પધારે છે.

Advertisement

મંદિરના ટ્રસ્ટીશ્રી અતુલભાઈ મગનલાલ શાહે મંદિરનો ઈતિહાસ વર્ણવતા જણાવ્યું હતું કે, ભારતમાં દિગમ્બર જૈનોના જે સિદ્ધક્ષેત્ર તથા તીર્થક્ષેત્ર આવેલા છે, તે સર્વમાં સુરત જિલ્લાનું મહુવાનું અતિશય ક્ષેત્ર ખૂબ જ પ્રાચીન છે. મહુવા પ્રાચીનકાળમાં મધુપુરી નગરી તરીકે ઓળખાતું. શરૂઆતમાં મંદિરની ખ્યાતિ શ્રી 1008  ચંદ્રપ્રભુ દિગંમ્બર જૈન મંદિરના નામથી હતી. મુગલ સલ્તનતના શાસન આસપાસ 1050  વર્ષ પહેલા આ જિનાલયનો સંવત ૧૬૨૫ તથા સંવત 1827 માં જીર્ણોદ્ધાર થયો હતો. વર્ષો પહેલા અહીં જૈન વસ્તી હોવાના પ્રમાણ મળે છે. પાલિતાણા, ગિરનાર, તારંગા અને પાવાગઢ જેવા જૈન તીર્થ ક્ષેત્રો પર્વતો પર આવેલા છે, જ્યારે મહુવાનું અતિશય ક્ષેત્ર જમીનની સમતલ મેદાનમાં વસ્યું છે. તીર્થધામમાં જૈન ધર્મશાળા, ભોજનશાળા વિગેરેની વિશેષ અને સુંદર વ્યવસ્થા છે.

1050  વર્ષ પૌરાણિક પ્રતિમાનો ઈતિહાસ છે રસપ્રદ.
કહેવાય છે પાર્શ્વનાથજીની મૂર્તિ પૌરાણિક રેતીમાંથી બનેલી છે, જે મહારાષ્ટ્રના પશ્ચિમ ખાનદેશ જિલ્લાના સુલતાનાબાદ ગામના એક ખેડૂત પોતાના ખેતરમાં હળ હાંકી રહ્યા હતા ત્યારે જમીનમાંથી મળી આવી હતી. થોડા દિવસો એ ખેતરમાં જ મૂર્તિની પૂજાઅર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ મુર્તિને કોઈ સુરક્ષિત સ્થળે લઈ જવા માટે રથમાં રાખીને યોગ્ય સ્થળ, જિનાલયની તપાસ માટે યાત્રાસંઘ નીકળ્યો હતો. રસ્તામાં કેટલાક સ્થળે મુર્તિને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો પરંતુ રથ રોકાયો નહીં. છેવટે આ રથ સુરત જિલ્લાના મહુવા ગામમાં શ્રી ૧૦૦૮ ચંદ્રપ્રભુ દિગમ્બર જૈન મંદિર આગળ રોકાયો અને ભગવાનને સહેલાઈથી ઉતારી શકાયા હતા. ભગવાનની પંચકલ્યાણ વિધિથી પ્રતિષ્ઠા કરીને સુરક્ષિત ગર્ભગૃહમાં બિરાજમાન કરાયા. એમની જમણી બાજુ શ્રી ચન્દ્રપ્રભુ તથા ડાબી બાજુ શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિને સ્થાન આપવામાં આવ્યું છે એમ ટ્રસ્ટીશ્રી અતુલભાઈ જણાવે છે.

પ્રાચીનકાળમાં આ ક્ષેત્ર વિદ્યારસિકો માટે અભ્યાસ કેન્દ્ર રહ્યું હતું.
આ ક્ષેત્રની મહિમાનું વર્ણન કરતા બ્રહ્મજ્ઞાનસાગરજીએ સર્વતીર્થ વંદના નામની રચનામાં લખ્યું છે કે અતિશય ક્ષેત્ર પર મુનિઓના વિહાર થતા અને મુનિજન અહીં રોકાઈને જૈન ગ્રંથોનો અભ્યાસ કરતા હતા. જેનો ઉલ્લેખ આ પ્રકારે છે:- “મધુકર નવ પત્રિકા પત્ર શ્રાવક ધન વાસદ, મુનિવર કરત બિહાર મધુવિધિગ્રન્થ અભ્યાસહ, જિનવરધામ પવિત્ર ભૂમિગૃહમેં જિન પ્રાસાદ, નામનવનિધિસંપજે સકલ વિઘ્ન મજે સદા, બૃહજ્ઞાનસાગર વદતિ વિઘ્નહરોં વંદુ મુદ્રા”

અહીં બેસીને મુલસંઘ સરસ્વતીગચ્છકે ભટ્ટારક પ્રભાચંદ્રના શિષ્ય ભટ્ટારક વાદિચન્દ્રને ‘જ્ઞાનસુર્યોદય’ નાટકની રચના કરી હતી. જેના અંતિમ શ્લોકમાં વર્ણન છે કે ‘‘વસુ-વદ રસાલ્જક વર્ષો માધે સિતાષ્ટમી દિને શ્રી મન્મધુકરનગરે સિદ્ધોડયં બોધસંરભઃ’’ એટલે કે મધુ નગર(મહુવા)માં સવંત ૧૬૬૮માં આ ગ્રથ પૂર્ણ થયો હતો. આ પ્રકાર કારંજાના સેનગણાન્વયી લક્ષ્મીસેનના શિષ્ય બ્રહ્માહર્ષને પણ (મહુવા વિઘન હરે મહુધને કહીને) મહુવા પાર્શ્વનાથ ભગવાનનો ઉલ્લેખ કર્યો છે. આમ, પ્રાચીનકાળમાં આ ક્ષેત્ર વિદ્યારસિકો માટે અભ્યાસ કેન્દ્ર રહ્યું હતું

વર્લ્ડ હેરિટેજ ડે કેમ ઉજવાય છે?
વિશ્વભરમાં એવી ઘણી પ્રાચીન વિશ્વ ધરોહર(વર્લ્ડ હેરિટેજ સાઈટ)છે, જે સમયની સાથે જર્જરિત થઈ રહી છે. જેમના સુવર્ણ ઈતિહાસ અને બાંધકામને જાળવવા તેમજ અનન્ય મકાન શૈલી, ઈમારતો અને સ્મારકોની સુંદરતા, તેના પ્રાચીન અને ઐતિહાસિક વારસાથી નવી પેઢીને માહિતગાર કરવા માટે ‘વર્લ્ડ હેરિટેજ ડે’ ઉજવવામાં આવે છે. યુનેસ્કો દર વર્ષે લગભગ ૨૫ હેરિટેજ સાઇટ્સને ‘વર્લ્ડ હેરિટેજ’ની યાદીમાં સામેલ કરે છે, જેથી તે હેરિટેજને સુરક્ષિત રાખી શકાય.

આ પણ  વાંચો- સુરતમાં લસકાણા ખાડી બ્રિજમાં SUDAનો ભ્રષ્ટાચાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.