Surat: ફેસબુકમાં મહિલા સાથે વાત કરવી ભારે પડી! બે લોકો બન્યા હનીટ્રેપનો શિકાર
Surat: લોકો પાસેથી પૈસા પડાવવા માટે અત્યારે હનીટ્રેપ (Honeytrap) જેવી ઘટનાઓ બનતી હોય છે. ફરી એકવાર સુરત (Surat)માં પણ આવી જ ઘટના સામે આવી છે. મુંબઈના આધેડ દરજી અને અમદાવાદના યુવા દરજી સાથે સુરતના કામરેજમાં હનીટ્રેપ (Honeytrap)ની ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે ફેસબુક પર ફ્રેન્ડશીપ કરી આધેડ અને યુવા દરજીને એક જ એમ ઓથી લૂંટી લીધા હતા. નોંધનીય છે કે, અત્યારે પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહિત ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાઇ છે.
એક મહિલા અને ત્રણ પુરૂષોઓ ચલાવી લૂંટ
મળતી વિગતો પ્રમાણે ફ્રેન્ડશીપ થયા બાદ પોતાની નાદારી બતાવી આધેડ દરજીને મુંબઇથી કામરેજ અને યુવા દરજીને અમદાવાદથી કામરેજ અલગ અલગ સમયે પોતાના ઘરે બોલાવ્યો હતો. આ દરમિયાન મહિલા અને ત્રણ પુરુષોએ મુંબઇના આધેડ દરજીને માર મારીને 2 સોનાની ચેન, રોકડ રકમ તેમજ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરીને 2.15 લાખ લૂંટી લીધા હતા. આ સાથે જ્યારે અમદાવાદના યુવા દરજી પાસેથી 5,000 રોકડ અને એટીએમ કાર્ડ દ્વારા 35,000 ઉપાડી લૂંટી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
નોંધનીય છે કે, દરજીને સુરત (Surat) રેલવે સ્ટેશન સુધી મૂકી આવ્યા હતા. આરોપીઓએ બંને ભોગ બનનારને પોલીસ ફરિયાદ કરી તો ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પરંતું બંને પોતાની આપવીતી મિત્રોને જણાવતા કામરેજમાંપોલીસ ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, અત્યારે તો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે, આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. જેથી ઓનલાઈનની આ દૂનિયામાં ઘણું સાચવીને રહેવાની જરૂર છે. કારણ કે, ક્યારે તમે આવી ઘટનાનો શિકાર બની જશો તેની કોઈ બાંહેધરી નથી.