Surat: લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ફાયર જવાનો દ્વારા SRP જવાનોને કરાયા રેસ્ક્યુ
Surat: સુરતમાં ધોરમાર વરસાદ થયો હોવાની વિગતો સામે આવી છે. ભારે વરસાદના પગલે ઘણા વિસ્તારો પ્રભાવિત થયા હતા. મળતી વિગતો પ્રમાણે લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં ફાયર જવાનો દ્વારા SRP જવાનોને રેસ્ક્યુ કરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. નોંધનીય છે કે, મીઠી ખાડી અંતરિયાળ વિસ્તારમાં બંદોબસ્તમાં રહેલા જવાનો ફસાયા હતા. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અંદાજીત 10 જેટલા SRP જવાનો ફસાયા હતા, જે જવાનો નું રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કઢાયા છે. નોંધનીય છે કે, સતત પાંચમા દિવસે ખાડીપુરની સ્થિતિ યથાવત જોવા મળી રહીં છે.
ફાયર જવાનો દ્વારા SRP જવાનોને રેસ્ક્યુ કરાયા
ઉલ્લેખનીય છે કે, સુરત (Surat) ના ઓલપાડમાં ભારે વરસાદને પગલે કઠોદરા ગામ સંપર્ક વિહોણું થયું હોવાનું સામે આવ્યું છે. આ સાથે ગામમાં જવાના બંને માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા હતાં. મળતી વિગતો પ્રમાણે કીમ નદીની ભયજનક સપાટી 13 મીટર છે. હાલ કીમ નદી 12.75 મીટર પર વહી રહી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ છે. આ સાથે વરસાદ બંધ છતાં નદીનું લેવલ સતત વધી રહ્યું છે. જેના કારણે કઠોદરા ગામ સંપર્ક વિહોણું થયું છે.
સુરતથી ભરૂચને જોડતા સ્ટેટ હાઇવે નં 46 પર પાણી ભરાયા
ભારે વરસાદને પગલે સુરતથી ભરૂચને જોડતા સ્ટેટ હાઇવે નં 46 પર પાણી ભરાયા છે. સ્ટેટ હાઇવે પર કીમ નદીના પાણી ફરી વળતા વાહન ચાલકોને અત્યારે ભારે હાલાકી પડી રહીં છે. નોંધનીય છે કે, સતત વરસી રહેલા વરસાદથી કીમ નદી બે કાંઠે વહી રહી છે. કીમ નદીના ધસમસતા પ્રવાહથી ઉમરાછી ગામ પણ સંપર્ક વિહોણું થયું છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં વરસાદે વિરામ લીધો છતાં ખાડીપુરની સ્થિતિ યથાવત જોવા મળી છે.
મહિલાઓ, માસુમ બાળકો સહિત પુરુષોનું રેસ્ક્યુ
વરસાદની વાત કરવામાં આવે તો લિંબાયત, ડુંભાલ, પુણા -સારોલી રોડ, સીમાડા અને સનિયા હેમાદ સહિતના વિસ્તારોમાં ખાડીપૂરની સ્થિતિ જોવા મળી છે. જેમાં 9 તાલુકાના 87 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ સાથે સુરતના લીંબાયત વિસ્તારમાં ખાદીપુર ની સ્થિતિ યથાવત રહેતા લોકોને હાલાકી પડી રહીં હોય તેવા પણ સમાચાર સામે આવ્યા છે. આજે પણ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ બોટ દ્વારા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ઘરી છે. મળસ્કેના 5:00 વાગ્યાથી ફાયર વિભાગના જવાનો દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. મહિલાઓ, માસુમ બાળકો સહિત પુરુષોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
કીમ નદીનું વહેણ અત્યારે ડેન્જર લેવલ સપાટી પર
નોંધનીય છે કે, સુરતની કીમ નદીના પાણી અનેક ગામોમાં ફરી વળ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં માંગરોળ અને ઓલપાડ તાલુકાના ગામોમાં પણ પાણી ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે. કુવારદા ગામોની અનેક સોસાયટીમાં પાણી આવતા અનેક લોકો ફસાયા હોવાનું પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સોસાયટીમાં ઘુંટણસમાં પાણી ફરી વળતા હાલાકીઓ થઈ રહીં છે. મળતી વિગતો પ્રમાણે કીમ નદીના પાણી ફરી વળતા રોડ બંધ થયા છે. વિગતો એવી પણ સામે આવી રહીં છે કે, કીમ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે કીમ નદી ડેન્જર લેવલ સપાટી પર વહી રહી છે.