SURAT : ક્રાઈમ બ્રાન્ચની ટીમે જુગારધામ ઉપર છાપો મારી 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરત વેસુ વિસ્તારમાં આવેલા બિલ્ડીંગના એક ફ્લેટમાં ઓનલાઈન વેબસાઈટના માધ્યમથી ક્રિકેટ સહિત અલગ અલગ ઓનલાઈન ગેમ્સ પર સટ્ટો રમાડતા ત્રણ શખ્સોની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાર લાખથી વધુની મત્તાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી અન્ય પાંચ જેટલા લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા ત્રણ પૈકીના બે આરોપીઓ સોશિયલ મીડિયાના રીલ માસ્ટરો છે. જે આરોપીઓ દ્વારા અન્ય શખ્સો પાસેથી માસ્ટર આઇડી મેળવી ઓનલાઈન ક્રિકેટ સટ્ટા સહિતની ગેમ્સ પર જુગાર રમાડવામાં આવતો હતો.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે જુગારધામ ઉપર છાપો માર્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચના સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ટાઇલ્સ સ્ક્વેર બિલ્ડીંગના એક ફ્લેટમાં ઓનલાઈન વેબસાઈટની મદદથી કેટલાક શખ્સો ઓનલાઇન ક્રિકેટ સટ્ટો સહિત ગેમ્સ પર ઓનલાઇન જુગારધામ ચલાવી રહ્યા છે. જે ચોક્કસ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અહીં છાપો મારી ઓનલાઈન જુગારધામ ચલાવતા ત્રણ શખ્સોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. રોકડા રૂપિયા,મોંઘીડાટ મોબાઈલ સહિત 4 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ સ્થળ પરથી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ઝડપાયેલા આરોપીઓમાં ઉધના વિસ્તારમાં રહેતા ગજાનંદ ટેલર,ચીંનટુ ઉર્ફે ભાઈજી અને હીરલ ઉર્ફે હાર્દિક દેસાઈનો સમાવેશ થાય છે. જે ત્રણેય આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઈલમાં અલગ અલગ હોકી,ક્રિકેટ,કબડ્ડી સહિતની ઓનલાઈન ગેમ્સ મળી આવી હતી.
જે ઓનલાઈન ગેમ્સ પર અલગ અલગ લોકોને જુગાર રમાડવામાં આવતો હતો. જેનું આરોપીઓ કમિશન પણ મેળવતા હતા. આરોપીઓ દ્વારા વી.એમ.જીએસ.365.કોમ નામની એપ્લિકેશન મળી આવી હતી. જે એપ્લિકેશનની મદદથી આરોપીઓ ઓનલાઈન ગેમ પર જુગાર રમાડતા હતા. આરોપી ગજાનંદ ટેલર વિરુદ્ધ અગાઉ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાના કુલ સાત જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે હિરલ ઉર્ફે હાર્દિક જીગ્નેશભાઈ દેસાઈ વિરુદ્ધ પણ જુગારધારા હેઠળ અન્ય એક પોલીસ મથકમાં ગુનો નોંધાઇ ચુક્યો છે.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે, વીએમજીએસ 365.COM નામની જે વેબસાઈટ છે તેના પર ફૂટબોલ,ક્રિકેટ,હોકી જેવી ઓનલાઇન ગેમો આવેલી છે. જે ગેમ પર લોકોને રૂપિયા મુકાવડાવી ઓનલાઈન સટ્ટો રમાડવામાં આવે છે.જે બદલ આરોપીઓ કમિશન મેળવે છે.ચીંતું ઉર્ફે ભાઈજી અને ગજાનંદ ટેલરનો મુખ્ય ધંધો જ ઓનલાઈન ગેમ્સ પર સટ્ટો રમાડવાનો છે.જેના થકી જ ઓનલાઇન સોસીયલ મીડિયા સાઇટ પર બંને આરોપીઓ પોતાના ફોલોઅર્સ પણ વધારે છે.હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.
અહેવાલ - આનંદ પટણી
આ પણ વાંચો -- Kutch : ભડકાઉ ભાષણના કેસમાં મૌલાના સલમાન અઝહરીને 3 દિવસના રિમાન્ડ