Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેતપુરના 5 ગામોમાં પ્રદુષણ ફેલાવતા સાડી ધોલાઈઘાટ તોડી પાડવા મામલતદારને રજૂઆત

જેતપુર તાલુકાના મેવાસા, પ્રેમગઢ, લુણાગરા, લુણાગરી, જાંબુડી એમ 5 ગામોમાં બેરોકટોક નિયમોને નેવે ચડાવી ચાલતા સાડી ધોલાઈઘાટના પાણી આજુબાજુના ખેતરોના તળ બગાડી નાખ્યા હોવાથી ખેડૂતોને ખેતપાકોમાં વ્યાપક નુકશાન પહોંચી હોવાની કાગારોળ કરીને ખેડૂતો આજે મામલતદાર કચેરી અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ...
જેતપુરના 5 ગામોમાં પ્રદુષણ ફેલાવતા સાડી ધોલાઈઘાટ તોડી પાડવા મામલતદારને રજૂઆત

જેતપુર તાલુકાના મેવાસા, પ્રેમગઢ, લુણાગરા, લુણાગરી, જાંબુડી એમ 5 ગામોમાં બેરોકટોક નિયમોને નેવે ચડાવી ચાલતા સાડી ધોલાઈઘાટના પાણી આજુબાજુના ખેતરોના તળ બગાડી નાખ્યા હોવાથી ખેડૂતોને ખેતપાકોમાં વ્યાપક નુકશાન પહોંચી હોવાની કાગારોળ કરીને ખેડૂતો આજે મામલતદાર કચેરી અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીએ દોડી જઈને આવેદનો આપ્યા હતા.

Advertisement

મોટી સંખ્યામાં દોડી આવેલા ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા કે ઉપરોક્ત ગામોમાં વર્ષોથી સરકારના નિયમો નેવે ચડાવીને ભયંકર પ્રદુષણ યુક્ત પાણી નજીકની છાપરવાડી નદીમાં છોડી દેતા હોવાથી આ નદી પ્રદુષિત બની ગઈ છે. એટલુજ નહિ નદી નજીકના વાડી ખેતરોના કુવા, બોરના તળ પણ બગડી ગયા હોવાથી ખેતપાકોને પિયત કરી શકાતું નથી.

એક બાજુ કુદરત રુઠ્યો હોય તેમ વરસાદ ખેંચાયો છે અને બીજી બાજુ માલિકીનું પાણી છે પણ સાડી ધોલાઈઘાટોના સંચાલકોના પાપે પ્રદુષણથી વાડી-બોરના પાણી પણ બગડી ગયા હોવાથી હવે ખેતરમાં ઉભેલા પાકને પિયત કેમ કરવું ? તેવા સવાલો ઉઠ્યા છે.

Advertisement

ખેડૂતોએ કહ્યું છે કે તેઓ છાપરવાડી અને ભાદરમાંથી સિંચાઈનું પાણી મેળવે છે પણ પ્રદુષણ માફિયાઓના પાપે હવે આ બંને નદીના પાણી વાપરવા તેમજ ખેતપાકો માટે બિનઉપયોગી થઇ ગયા છે. એટલુજ નહિ ઢોર-ઢાંખરને જો આવું પ્રદુષિત પાણી પીવડાવામાં આવે તો બીમાર અને ક્યારેક તો ઢોર મૃત્યુ પામે તેવું જલદ એસીડયુક્ત પાણી ખુલ્લેઆમ છોડવામાં આવી રહ્યું છે. ખેડૂતોએ રોષભેર આક્ષેપ કર્યો હતો કે આ બાબતે અનેકવખત રજુઆતો કરાઈ હોવા છતાં તંત્ર જાણે પ્રદુષણ માફિયાઓ સાથે સાંઠગાંઠ ધરાવતું હોવાનું સાબિત થઇ રહ્યું છે. કારણ કે, ઘાટ તોડી પાડવાની કામ્ગીરના બીજા જ દિવસે ફરી ઘાટ ધમધમવા લાગે છે.

અમારી જમીનો બંજર બની ગઈ : ખેડૂતોનો વસવસો

Advertisement

જેતપુરના મામલતદાર અને પાણી પ્રદુષણ નિયંત્રણ બોર્ડને આજે અપાયેલા આવેદનોમાં ખેડૂતોનો આક્ષેપ છે કે સાડી ધોલાઈ ઘાટ સંચાલકો તેમના ઘાટના પાણી નજીકના નદી-નાળામાં બેફામ પણે છોડતા હોવાથી તેઓની વાડી વિસ્તારના તળ બગડી ગયા છે અને એક તબક્કે જમીનની હાલત બંજર થઇ ગઈ છે. કોઈ પણ ખેતપાક ન ઉગે તેવી હાલત થઇ ગઈ છે.

પ્રદુષણ ફેલાવતા તત્વો સામે પગલાં ભરાવા જ જોઈએ : જેતપુર ડા. એસો.

બીજીબાજુ જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશનના સુત્રોએ જણાવ્યું હતું કે, તેઓના એસોસીયેશનમાં સામેલ એક પણ ઉદ્યોગપતિ દ્વારા હવે પ્રદુષણ ફેલાવાતું નથી. પ્રદુષણ ફેલાવાનો જ્યારે પણ મુદ્દો ઉપસ્થિત થાય છે ત્યારે પ્રદુષણ ફેલાવનાર કારખાનેદારો એસોસીયેશનમાં હોતા નથી અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં અમુક સાડી ધોલાઈ ઘાટ સંચાલકો દ્વારા પ્રદુષણ ફેલાવાતું હોવાનું સમયાંતરે ફરિયાદો મળે છે. આવી પ્રવુત્તિ કરતા કોઈ પણ સામે પગલાં ભરાવા જોઈએ તેવો ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિયેશનના કાર્યવાહકોએ સુર વ્યક્ત કર્યો હતો.

પાણી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તો મુક, બધીર હોવાનો ખેડૂતોનો આક્ષેપ

ઉપરોક્ત ગામડાઓમાંથી જેતપુર દોડી આવેલા ખેડૂતોએ કહ્યું કે, પોતાના ગામડાઓમાં પ્રદુષિત પાણીએ ખેતીની જમીનની પથારી ફેરવી દીધી હોવાની અનેક ફરિયાદો પછી પણ પ્રદુષણ નીયંત્રણ બોર્ડ તો માત્ર્ર મૂક અને બધીરની ભૂમિકા ભજવે છે. કારણકે ખેડૂતો ફરિયાદ કરે છે છતાં કોઈ દિવસ અસરકારક પગલાં ભર્યા નથી અને ભરે તો માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી બતાવે છે.

તો.. અમારી ગામોમાંથી કરવી પડશે હિજરત : ખેડૂતોનો વસવસો

જેતપુર આવેદન આપતી વેળાએ ખેડૂતોએ મામલતદાર અને પ્રદુષણ નીયંત્રણ બોર્ડને જણાવ્યું હતું કે, જો સાડી ધોલાઈ ઘાટ સંચાલકો દ્વારા આવી રીતે બેફામપણે ભયંકર પાણી પ્રદુષણ ફેલાવવાનું ચાલુ જ રાખશે તો તેઓને ગામમાંથી હિજરત કરવી પડશે. ત્યારે હવે ઉચ્ચ તંત્ર આ બાબતે શું પગલા લેશે ? તે રામ જાણે !

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.