માત્ર 8 હજાર રૂપિયા ઉધાર લઈને કરી હતી શરૂઆત, આજે 3 હજાર કરોડનું બનાવ્યુ સામ્રાજ્ય, જુઓ તસવીરો
આજે નમકીનમાં એક નામ ઘરે ઘરે જાણીતું છે અને તે છે ગોપાલ નમકીન. હવે આ નામ ફરી ચર્ચામાં આવ્યું છે તેની સફળતાને લઈને. આ નમકીનના માલિકનું નામ 1000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા અમીરોની યાદીમાં આવ્યું છે. શૂન્યમાંથી સાડા બારસો કરોડ સુધીની સફર મારફત ગોપાલ નમકીન ગુજરાતની એક ખૂબ મોટી બ્રાન્ડ બની છે, પણ તેના વિશે લોકોને ખ્યાલ જ નથી. અહીં તમને જણાવીશું ગોપાલ નમકીનના વિઝનરી માલિક બિપિનભાઈ હદવાણીની સક્સેસ સ્ટોરી.
બિપિનભાઈ હદવાણીનું મૂળ વતન જામકંડોરણાનું ભાદરા ગામ. પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ પણ ત્યાં પ્રાપ્ત કર્યો. ત્યાંની એક નાનકડી દુકાનમાં પિતાજી વિઠ્ઠલભાઈ ફરસાણ બનાવે અને ત્યાં ગામમાં જ વેચે. એ તેમનો જૂનો વ્યવસાય.
બધા જ ભાઈઓને આ વ્યવસાય વારસામાં મળ્યો અને બધા જ ફરસાણ બનાવવાના કારીગર. બારમાં ધોરણમાં ત્રણ વિષયમાં નપાસ અને પછી આગળ ન ભણાયું.
1990માં બિપિનભાઈ એકલા રાજકોટ આવ્યા. ફોઇના દીકરા જોડે પાર્ટનરશિપમાં ‘ગોકુલ’ બ્રાન્ડ નેમથી ફરસાણનું કામ શરૂ કર્યું. ચારેક વર્ષ કામ ચલાવ્યું અને બ્રાન્ડ નેમ સહિત એ બિઝનેસ એમને આપી દીધો.
1994માં ‘ગોપાલ’ બ્રાન્ડ નેમથી અલગ બિઝનેસ શરૂ કર્યો. કામના ફરીથી શ્રીગણેશ થયા. સૌથી મોટી વાત એ કે બિઝનેસની શરૂઆત કોઈપણ રૂપિયાના રોકાણ વિના કરવામાં આવી. ઉધારમાં લોટ, તેલ અને બાકીના તેજાના-મસાલા લઈ આવે અને જાતે જ બનાવવાનું.
જાતે જ પેકેજિંગ કરવાનું અને પછી ફેરિયાઓને વેચવા માટે આપી દેવામાં આવે. વળી, તેમાંથી જે પૈસા મળે તેમાંથી ફરી પાછું બનાવવાનું અને એ સાયકલ ચાલતી થઈ. જે ઘરમાં રહેવાનું હતું તે જ ઘરમાં ફરસાણ બનાવવાનું થતું. આવી રીતે ચાર વર્ષ સુધી ચલાવ્યું.
ત્યારબાદ, હરિપર પાળના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફેક્ટરી સ્થાપી. ઓક્ટ્રોયના ખર્ચના લીધે ખર્ચ ઘણો બધો વધી ગયો. ડેવલપ ન થઈ શકવાના કારણે તે વેચીને ફરી સિટીમાં આવવું પડ્યું. વળી, બીજી જગ્યામાં સિટીમાં જ સાત વર્ષ કામ ચલાવ્યું. ધીરે-ધીરે વિકાસ થતો ગયો.
પણ આ વિકાસ થવાનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ મશીનરી ખરીદવાનો બદલે જાતે જ R&D કરીને બનાવી તે હતું. આ મશીનરી જાતે બનાવવાનો ફાયદો એ કે તે બજારભાવની સરખામણીમાં 80થી 90 ટકા જેટલી સસ્તી પડે. તેમણે ક્વૉલિટી જાળવી રાખી અને તેમના પિતાજીની વાતને તેઓ વળગી રહ્યા.
આપણે જે ઘરે ખાઈએ તે જ ગ્રાહકને ખવરાવવું– પિતાજીના આ મંત્ર સાથે બિપીનભાઈ વળગી રહ્યા. સસ્તું રૉ-મટિરિયલ લઈને પડતર કોસ્ટિંગ નીચું લાવવાના ક્યારેય પ્રયત્ન નથી કર્યા. પડતર કોસ્ટ નીચી લાવવા માટે અમે ઓટોમેશનનો સહારો લીધો.જૂની જગ્યા તો નીકળી ગઈ. એટલે વડવાજડીમાં બે વર્ષ ચલાવ્યું. ત્યાં જગ્યાની શોર્ટેજ ઊભી થઈ. એટલે 2010માં મેટોડા ફેક્ટરી લીધી. ત્યાં બાંધકામ ઓલરેડી થયેલું હતું. તેમાં ઘણો ફાયદો થયો અને પ્રોડક્શન તરત જ શરૂ થઈ ગયું. પ્રગતિનો ગ્રાફ રોકેટ ગતિએ આગળ વધ્યો.
2007થી 2012 સુધીમાં અઢી કરોડથી અઢીસો કરોડ સુધી કંપની પહોંચી. દર વર્ષે અઢીસો કરોડનો ગ્રોથ થયો અને બારસો કરોડ સુધી કંપની પહોંચી. બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરીને જ્યાં ખર્ચ દૂર કરી શકાય ત્યાં દૂર કરીને તેનો બેનિફિટ કસ્ટમરને પાસ ઓન કરતા જવો, તે કંપનીનું ધ્યેય રહ્યું.
નમકીનની બ્રાંડ તરીકે ગોપાલ આજે ગુજરાત અને દેશનાં અન્ય આઠ રાજ્યમાં જાણીતી બ્રાંડ તરીકે સ્થાપિત થઇ ચુકી છે. આજે આ બ્રાન્ડની વેલ્યુ ત્રણ હજાર કરોડથી પણ વધારે છે. તેમના પત્ની દક્ષાબેનનું નામ ગુજરાતની સૌથી ધનિક મહિલાઓમાં ત્રીજા ક્રમે આવે છે.
પરિવારના અન્ય સભ્યોમાં મોટા ભાઈ પ્રફુલભાઈ પણ કંપની સાથે લાંબા સમયથી જોડાયેલા છે. છેલ્લાં બે વર્ષથી બિપીનભાઈનો પુત્ર રાજ પણ ઘણી જવાબદારીઓ નિભાવી રહ્યો છે.
હાલ નાગપુરમાં 34 એકરની જગ્યામાં ગોપાલ નમકીનનો એક ખૂબ મોટો પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે. લગભગ બે હજારથી વધુ લોકોને રોજગાર મળી રહ્યો છે. બિપીનભાઈ દેશમાં દર 500 કિલોમીટરે ગોપાલની એક ફેક્ટરી બનાવવા ઈચ્છે છે. આ ઉપરાંત દિલ્હી, કોલકાતા અને બેંગલુરુ આસપાસ મોટા પ્લાન્ટ બનાવવાની યોજના છે. આ સમગ્ર પ્રોજેક્ટ 10 વર્ષમાં પૂર્ણ કરવાનો પ્લાન છે અને તેમાં અંદાજે રૂપિયા 1000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે.
વેફર માટેનો એક પ્લાન્ટ અરવલ્લીના મોડાસામાં બની રહ્યો છે, જે એક મહિનામાં કાર્યરત થઇ જશે. અહીં અમે 35000 ટનનું ગુજરાતનું સૌથી મોટું કોલ્ડસ્ટોરેજ બનાવી રહ્યા છીએ. અત્યારે કંપનીનું ટર્નઓવર રૂપિયા 1000 કરોડથી વધુ છે અને આવતા પાંચ-સાત વર્ષમાં એને વધારીને રૂ. 5000 કરોડ પર પહોંચાડવા બિપીનભાઈ અને તેમની ટીમ આગળ વધી રહી છે.
આપણ વાંચો - આ કરોડપતિ ગુજરાતીની અનોખી ગૌસેવા, કરોડોના બંગલામાં રાખે છે વાછરડીઓ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ