RTI એક્ટિવિસ્ટ આશિષ કંઝારિયા વિરૂદ્ધ ચોકાવનારા ખુલાસા, છેલ્લા 9 વર્ષથી પુત્રના અભ્યાસની ફી ભરી નથી
અમદાવાદ શહેરના મણિનગરની સ્કૂલના ટ્રસ્ટી પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે યૂટ્યૂબ ચેનલ 'પોલખોલ'ના એડિટલ આશિષ કંઝારિયાની ધરપકડ કરી હતી, જે હાલ પોલીસ રિમાન્ડ પર છે. આશિષ કંઝારિયા સ્કૂલ પાસેથી ટ્રસ્ટના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવતો હતો. આશિષે પેપર મિલના માલિક પાસેથી બંગલાના ડાઉન પેમેન્ટ માટે રૂપિયા પડાવ્યાનો ખુલાસો થયો છે.
તમને જણાવી દઈએ કે, આશિષની પત્ની સરકારી શિક્ષિકા છે અને તેનો પુત્ર બોપલની શિવ આશિષ સ્કૂલમાં અભ્યાસ કરે છે. 10 વર્ષ પહેલા RTE હેઠળ શિવ આશિષ સ્કૂલમાં એડમિશન મેળવ્યું હતું. આશિષે છેલ્લા 9 વર્ષથી પુત્રના સ્કૂલની ફી ન ભરી હોવાનું પણ સામે આવ્યુ છે. તે સિવાય પોલીસે આરોપીના પત્નીના બેન્ક ખાતાની માહિતી માગી છે.
આશિષ સ્કૂલ પાસેથી રૂપિયા પડાવી ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા કરાવતો
પોલીસની પૂછપરછમાં વધુ જાણવા મળ્યું છે કે, આશિષ સ્કૂલ પાસેથી રૂપિયા પડાવી ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા કરાવતો હતો. તેણે પેપર મિલના માલિક પાસેથી બંગલાના ડાઉન પેમેન્ટ માટે રૂપિયા પડાવ્યા હતા. પોલીસ દ્વારા હાલમાં કલેક્ટર, ડીઇઓ, ચેરિટી કમિશનર પાસે માહિતી મંગાવી છે.
આનંદ નિકેતન સ્કૂલમાં એક વાલી પાસેથી બે લાખ રૂપિયા પડાવ્યા
આ પહેલા, આશિષ કંઝારિયાએ આનંદ નિકેતન સ્કૂલમાં એક વાલી પાસેથી બે લાખ રૂપિયા લઈને એડમિશન કરાવ્યું હતું. જેની જાણ થતાં સ્કૂલના ટ્રસ્ટીએ તેને આ પ્રકારે એડમિશન કરાવવાની ના પાડી હતી. ત્યારે તેણે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને થોડા થોડા કરીને 6 લાખ રૂપિયા પડાવ્યા હતાં. આ ઉપરાંત સ્કૂલના ટ્રસ્ટીના ભાઈની ઓફિસ પર પણ આઈટીની રેડ પડાવવાની ધમકીઓ આપીને બે લાખ રૂપિયા પડાવ્યા હતાં.
ઉદ્દગમ સ્કૂલ ઑફ ચિલ્ડ્રન્સના ટ્રસ્ટીએ ખંડણીની ફરિયાદ નોંધાવી
એવામાં અમદાવાદના થલતેજ સ્થિત ઉદ્દગમ સ્કૂલ ઑફ ચિલ્ડ્રન્સના ટ્રસ્ટી મનન ચોક્સીએ આશિષ કંઝારિયા વિરુદ્ધ વધુ એક ખંડણીની ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે- વર્ષ 2019માં આશિષ કંઝારિયાએ RTE હેઠળ એડમિશન કરાવવા દબાણ કર્યું હતું અને એડમિશન નહીં આપે તો 6 લાખની માગ કરીને ધમકી આપી હતી. એટલું જ નહીં ઉદગમ સ્કૂલ વિરૂદ્ધ RTI કરીને ખોટા પુરાવા એકઠાના આધારે પરેશાન કરતો હતો.