જ્ઞાન સહાયક માટે આઘાતજનક સમાચાર, આવા સહાયકોને તત્કાલ છુટા કરવા માટે આદેશ
ગાંધીનગર : જ્ઞાન સહાયકો મામલે ગુજરાત સરકારની નીતિ લાંબા સમયથી ચર્ચામાં રહી છે. જો કે આ તમામ વિવાદો વચ્ચે રાજ્ય સરકાર દ્વારા વધારે એક વિવાદિત આદેશ કરવામાં આવ્યો છે. આ પરિપત્ર વાયરલ થતા અનેક તર્ક વિતર્ક અને ચર્ચાઓ વહેતી થઇ છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકો અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકના કરાર રિન્યુ કરવા બાબતે પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં જેટલી શિક્ષકની ઘટ હોય તેટલા જ જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવા અને મંજૂર મહેકમ અનુસાર જ જ્ઞાન સહાયક રાખવા માટે જણાવાયું છે. બદલીઓ બાદ જો શિક્ષકની જગ્યા ભરાઇ ગઇ હોય તો તે જગ્યા પરથી જ્ઞાન સહાયકનો કરાર રિન્યુ ન કરવા માટે પરિપત્રમાં જણાવાયું છે. જગ્યા ભરાઇ ગઇ હોય તો જ્ઞાન સહાયકને છુટા કરી દેવા માટે જણાવવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં ઉલ્લેખ છે કે, પ્રાથમિક શાળાઓમાં કાર્યરત જ્ઞાન સહાયકોની કરારની અવધિ 31-07-2024 ના રોજ પૂર્ણ થઇ રહી છે. જેથી જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવા. જો કે કરાર રિન્યુ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવા સુચના આપવામાં આવી છે.
- 31-07-2024 ની સ્થિતિએ મંજૂર મહેકમ હોય તેટલા જ શિક્ષકો રાખવા. જો શિક્ષકની જગ્યા ખાલી ન હોય તો તેવા કિસ્સામાં જ્ઞાન સહાયકને છુટા કરી દેવા.
- 31-07-2024 ની સ્થિતિએ મહેકમ મંજૂર થયા બાદ જે શાળાઓમાં શિક્ષકની જગ્યા ખાલી હોય તો જ જ્ઞાન સહાયકની નિમણૂંક અથવા કરાર રિન્યુ કરવો.
- 31-07-2024 ની સ્થિતિએ મહેકમ મંજૂર થયા બાદ 11-05-2023 ના ઠરાવની જોગવાઇ અનુસાર ક્રમાનુસાર વધ-ઘટ બદલી કેમ્પ, જિલ્લાની આંતરિક બદલી કેમ્પ, જિલ્લા ફેર બદલી કેમ્પ બાદ શાળામાં શિક્ષકની નિમણૂક થઇ ગઇ હોય તો તેમના સ્થાને રહેલા જ્ઞાન સહાયકને છુટા કરવા.
- કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સરકારી પ્રાથમિક શાળામાં ખાલી રહેતી જગ્યા પર જ જ્ઞાન સહાયકની નિમણૂંક કરવી.