ખેતી માટેનું સરકારી સબસીડીવાળુ ખાતર ઉદ્યોગોને સપ્લાય કરવાનું કૌભાંડ
અહેવાલઃ આનંદ પટણી, સુરત
સુરતના સચિન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ જીયા ટેક્સ નામની કંપનીમાંથી ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતું સબસીડી વાળું નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. ખેતી માટે આપવામાં આવતું સબસીડી વાળું ખાતર ઉદ્યોગોને સપ્લાય કરતા ઈસમો સામે હવે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પાંચ આરોપીઓને PBM એક્ટ હેઠળ રાજ્યની અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા છે.
જીયા ટેક્સના ગોડાઉનમાંથી ખાતરની 39 બોરી મળી આવી
સુરતમાં સચિન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ જીયા ટેક્સ નામની કંપનીમાં હિમાંશુ ભગતવાલા કેમિકલનો વેપાર કરતા હતા અને ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે હિમાંશુ ભગતવાલાએ ખેતીમાં ઉપયોગમાં લેવાતા સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતા સબસીડી વાળા નીમકોટેડ યુરિયા ખાતરનો જથ્થો મુકી રાખ્યો હતો. જીયા ટેક્સના ગોડાઉનમાંથી ખાતરની 39 બોરી મળી આવી હતી. આ ઉપરાંત 541 નંગ જેટલી ખાલી બોરી પણ મળી આવી હતી. આ બાબતે ખેતી નિયામક વિતરણની કચેરીના અધિકારી દ્વારા પોલીસને એક ફરિયાદ આપવામાં આવી હતી અને ત્યારબાદ હિમાંશુ ભગતવાલાની ધરપકડ કરવામાં આવી હતી.
હિમાંશુ ભગતવાલા ખાતરનો ઉપયોગ તે પોતાની ફેક્ટરીમાં કરતો હતો
સબસીડી વાળું યુરિયા ખાતર કે જે ખેડૂતોને આપવામાં આવે છે તે આરોપી હિમાંશુ ભગતવાલા ક્યાંથી લાવ્યો અને કેટલા સમયથી આ ખાતરનો ઉપયોગ તે પોતાની ફેક્ટરીમાં કરતો હતો. તે તમામ બાબતોને લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પડદા પાછળ સંડાવાયેલા ઈસમોને પકડવાની તજવીજ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્યારે બાબતે પોલીસને માહિતી મળી હતી કે, ઉમેશ અનાજવાલા કે જે ટ્રાન્સપોર્ટનું કામ કરે છે અને તેની ટ્રક સુરતના હજીરા ખાતે આવેલ ક્રિભકો કંપનીમાંથી નિમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ભરીને અમદાવાદ જિલ્લાની સહકારી મંડળીમાં આ ખાતર સપ્લાય કરવાનું કામ કરતી હતી. તેથી આ આરોપી હિમાંશુ ભગતવાલાય ટ્રાન્સપોર્ટના માલિક ઉમેશ અનાજવાલા સાથે મળી પોતાના આર્થિક લાભ માટે ખેત વપરાશમાં ઉપયોગમાં લેવામાં આવતું નિયુકોટેડ ખાતર ઇન્ડસ્ટ્રી વપરાશમાં વેચાણ કરવાનું એક પ્લાનિંગ ઊભું કર્યું હતું.
સહકારી મંડળીમાં લઈ જવામાં આવતું સબસીડી વાળું નીમકોટેડ યુરિયા ખાતર આરોપી હિમાંશુ ભગતવાલાના ગોડાઉનમાં
સબસીડી વાળા નીમ કોટેડ ખાતરની કાળા બજારી કરવાના હેતુથી જ્યારે ખાતર હજીરા કંપનીમાંથી અમદાવાદમાં આવેલ બારેજા સેવા સહકારી મંડળી ખાતે લઈ જવામાં આવતું હતું. ત્યારે સહકારી મંડળીના સેક્રેટરી સંદીપ દેસાઈ અને બિલ ક્લાર્ક વિક્રમ રાણા તેમજ ગોડાઉન કીપર યાકુબ દિવાનનો સંપર્ક બંને આરોપી દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સહકારી મંડળીમાં લઈ જવામાં આવતું સબસીડી વાળું નીમકોટેડ યુરિયા ખાતર આરોપી હિમાંશુ ભગતવાલાના સચિન ખાતે આવેલા ગોડાઉનમાં મૂકી દીધું હતું અને ત્યારબાદ અન્ય આરોપીઓએ એટલે કે સંદીપ દેસાઈ, વિક્રમ રાણા અને યાકુબ શાહે સાથે મળી આ ખાતર સહકારી મંડળીના રેકોર્ડ પર દર્શાવ્યું હતું અને આરોપીઓએ પોતાનું આર્થિક લાભ લેવા માટે સબસીડી વાળા ખાતરને બારોબાર જ સભ્ય વગેરે કરી ગુનો આચાર્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાંચે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાંચે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓની ધરપકડ બાદ તમામ આરોપીઓને સામે આવશ્યક ચીજ વસ્તુઓના કાળા બજાર થતા અટકાવવા બાબતેના અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા માટે કલેકટર પાસે મંજૂરી માગવામાં આવી હતી અને કલેકટરની મંજૂરી મળ્યા બાદ તમામ આરોપીઓને પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટ હેઠળ રાજકોટ, પોરબંદર, નડિયાદ, જામનગર અને મહેસાણાની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.