SABARKANTHA : વડાલી તાલુકામાં એકજ દિવસમાં ત્રણ ખેતરોમાં આગ લાગતા ઘઉંના પાકને નુકશાન
SABARKANTHA જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીમમાં ઘઉંના પાક તૈયાર થઈ ચુકયો છે. ત્યારે વડાલી તાલુકાના ત્રણ ગામોમાં રવિવારે ખેતરોમાંથી પસાર થઈ રહેલ વીજ લાઈનમાં ભારે પવનને કારણે તણખા ઝરતા ત્રણ ખેતર માલિકોના અંદાજે ત્રણ હેકટરથી વધુ જમીનમાં પાકીને તૈયાર થયેલ ઘઉંના પાક બળીને ખાખ થઈ ગયો છે. જેના લીધે આ ખેડુતોની હાલત કફોડી બની છે.
વીજ તણખાથી ખેતરમાં આગ લાગી
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રવિવારે આખો દિવસ સમગ્ર SABARKANTHA જિલ્લામાં ભારે પવન ચાલુ રહયો હતો દરમ્યાન વડાલી તાલુકાના ભંડવાલ, રામપુર વાસણા અને હાથરવા ગામે એકજ દિવસમાં ત્રણ જગ્યાએ ખેતરોમાં ઘઉંના ઉભા પાકમાં વીજ તણખાથી આગ લાગતાં દોડધામ મચી હતી જોકે લોકોએ આગ બુજવવા માટે ટ્રેકટરોમાં પાણી લઈ જઈ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઘઉંનું ઘાસ સુકાઈ ગયુ હોવાને કારણે જોતજોતામાં પાક બળીને ખાખ થઈ ગયો હતો.
ખેડૂતોએ પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો
SABARKANTHA જિલ્લાના વડાલી તાલુકાના ભંડવાલ, રામપુર વાસણા અને હાથરવા મળી ત્રણ ગામોમાં ખેડુતોએ પોતાના ખેતરોમાં ઘઉનું વાવેતર કરેલ હતું. જ્યારે ઘઉં તૈયાર થઈ ગયા હતા અને લેવાની તૈયારી હતી એવામાં ભંડવાલ ગામના જીતેશભાઈ રમેશભાઈના ખેતરમાં ઘઉંના ઊભા પાકમાં આગ લાગી હતી. આ વાતની જાણ ખેડૂત અને ગામ લોકોને થતા લોકો ખેતરમાં દોડી આવ્યા હતાં અને ડોલમાં પાણી લાવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો જેમાં અડધા ખેતરના ઘઉ બળીને ખાખ થઈ ગયા હતા.
જ્યારે રામપુર વાસણા ગામના વિનુભાઈ સગરના ખેતરમા વાવેતર કરેલ ઘઉંના ઊભા પાકમાં વીજ તારને લઈ શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના અનુમાનને લઈ ખેતરમાં વાવેતર કરેલ ઘઉંનો પાક ભડ ભડ સળગી ઉઠયો હ.તો ત્યારે ગામ લોકોની મદદથી અને વડાલી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા વડાલી ફાયર ફાઈટર દ્વારા ખેતરમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી તેમજ ટ્રેકટર વડે ખેડાણ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. જેમાં ખેડૂતને મોટા પ્રમાણમાં નુક્સાન થયું હતું. હાથરવા ગામના સુરેશભાઈના ખેતરમાંથી કુવાઓની હેવી વીજ લાઈન પસાર થાય છે જે વીજ લાઈનના તાર ભેગા થતા ખેતરમા તણખા પડયા હતા તે ખેતરમાં ઘઉંનો ઉભો પાક બળી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે સાબરકાંઠા જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી જે વીજ લાઈનો પસાર થાય છે. ત્યાં ગણી વખત વીજ વાયરો લુઝ થઈ જવાને કારણે ખાસ કરીને ઉનાળામાં આગના બનાવ બને છે ત્યારે વીજ કંપનીએ સર્વે કરી જે ખેડુતોને નુકશાન થયુ છે તેમને વળતર ચુકવવુ જોઈએ.
અહેવાલ - યશ ઉપાધ્યાય
આ પણ વાંચો : HIMATNAGAR : નકલ કરી ગુટખા મસાલાનું વેચાણ કરતા બે વિરૂધ્ધ ફરીયાદ