Panchmahal: કમોસમી વરસાદથી ઈંટો પણ માટીમાં મળી
અહેવાલ: નામદેવ પાટીલ, પંચમહાલ
કમોસમી વરસાદથી ખેડૂતોને પાક કે ઘાસ ચારાને નુકશાન થયું છે. અને સાથે સાથે સ્વપ્નનું ઘર બનાવવા જાત મહેનત કરી બનાવવામાં આવતી ઈંટો પણ માટીમાં મળી ગઈ છે. કાચી ઈંટો ઉપર કમોસમી વરસાદ પડતાં જ ખેડૂતો માં દોડધામ મચી ગઇ હતી. મળ્યું એટલું પ્લાસ્ટિક લાવી ઈંટોને ઢાંકવામાં આવી હતી.
ખેડૂતોને આર્થિક ભારણ સહન કરવાની સ્થિતિ
કમોસમી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ઈંટો આખરે ઓગળી ગઈ છે. જેથી ખેડૂતોને મોટું આર્થિક ભારણ સહન કરવાની સ્થિતિ ઉભી થઇ છે. ખેડૂતો ઈંટોના નુકશાન અંગે પણ સરકાર સરવે કરી વળતર આપે એવી અપેક્ષા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
આર્થિક ક્ષમતા મુજબ સ્વપ્નનું ઘર બનાવે છે
વ્યક્તિ ગરીબ હોય કે ધનવાન પરંતુ પોતાના જીવનકાળ દરમિયાન પોતાના સ્વપ્નનું એક ઘર એટલે આશિયાનો બનાવવાની ખેવના જરૂર રાખતો હોય છે. આ ખેવના પુર્ણ કરવા માટે વ્યક્તિ પોતાની આર્થિક ક્ષમતા મુજબ સ્વપ્નનું ઘર બનાવે છે.
ખેતરમાં જ મકાન બનાવવા ઈંટો બનાવતા હોય છે
આ સંજોગોમાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ મધ્યમ વર્ગીય અને જાત મહેનત ઉપર નિર્ભર ખેડૂત અને શ્રમજીવી પરિવારો વર્ષોથી પોતાના ખેતરમાં જ મકાન બનાવવા ઈંટો બનાવતા હોય છે.બજાર માંથી મોંઘી ઈંટ ખરીદવી પરવડતીના હોવાથી શ્રમજીવી પરિવારો પોતાના ખેતરમાંથી લાકડા મેળવવા હોય છે અને ઇંટ બનાવી મકાન બનાવે છે.
તમામ મહેનત પાણીમાં ભળી
દિવાળી વેકેશનમાં ઘરના પરિવારના તમામ સભ્યો દર વર્ષે થોડી થોડી ઇંટો બનાવી એકઠી કરી રાખે છે. અને તમામ જરૂરી સામાન એકત્રિત થયા બાદ મકાન બનાવતા હોય છે. આવા જ સ્વપ્ન હેઠળ આ વર્ષે પણ ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરીયાતમંદ ખેડૂતોએ મકાન બનાવવા માટે ઈંટો બનાવી હતી. જેને માવઠાથી મોટેપાયે નુકશાન થયું છે. અને તમામ મહેનત પાણીમાં ભળી ગઈ છે.
આ પણ વાંચો - GONDAL: માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદની આગાહી પૂર્ણ થતા જણસી આવક શરૂ