Dahod: 1980માં કરી હતી હત્યા, 44 વર્ષે દાહોદ પેરોલ ફર્લોની ટીમના હાથે ઝડપાયો હત્યારો
Dahod: હાલ લોકસભાની ચૂંટણી સંદર્ભે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સાથે કુખ્યાત ગુનેગારો અને ભૂતકાળમાં ગુનાઈત ઇતિહાસ ધરાવતા ઇસમો સામે પોલીસ નજર રાખી રહી છે. તેમજ Dahod જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જીલ્લો છે. બંને રાજ્યોની પોલીસ દાહોદ પોલીસ સાથે સંકલનમાં રહી ચૂંટણી સબંધિત કામગીરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વોન્ટેડ આરોપીઓની યાદી પણ ત્રણેય રાજ્યોની પોલીસે અરસ પરસ સોંપી છે.
રાજસ્થાનના કોટા જિલ્લાના કૈથોન પોલીસ હદમાં બની હતી વારદાત
રાજસ્થાનના કોટા જિલ્લામાં 1980ની સાલમાં હત્યાના ગુનામાં ફરાર બદીયા માવી ઉર્ફે મામાભીલ દાહોદ (Dahod)ના ગૂંદીખેડા ગામના રહેવાસીનું નામ પણ આવતા પોલીસે બાતમીના આધારે આરોપી પોતાન ગામ આવવાનો હોવાની માહિતી મળતા જ વોચ ગોઠવી ઝડપી પડ્યો હતો. અત્યારે 44 વર્ષે હત્યાનો આરોપી દાહોદ પોલીસના હાથે ઝડપાયો હતો. આરોપીની ધરપકડ કરી પોલીસે અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
1980 માં મધ્ય પ્રદેશમાં થઈ હતી એક હત્યા
મળતી વિગતો પ્રમાણે રાજસ્થાનના કોટા જિલ્લાના કૈથોન પોલીસ મથકની હદમાં વર્ષ 1980 માં મજૂરી કામ અર્થે રહેતા દાહોદ જિલ્લાના તેમજ મધ્યપ્રદેશના શ્રમિકો પૈકી મધ્યપ્રદેશના એક શ્રમિકની પૈસાની લેવડ દેવડ મામલે હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ બીજા દિવસે મૃતદેહ ઝાડીઓમાંથી મળી આવતા એક ઈસમની શકના આધારે ધરપકડ થઈ હતી. જેમાં તેની સંડોવણી બહાર આવતા અન્ય પાંચ લોકોના નામ પણ સામે આવ્યા હતા જેથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી.
પોલીસે સખ્તાઈથી કાર્યવાહી કરતા સત્ય સામે આવ્યું
નોધનીય છે કે, પોલીસને જાણ થતાની સાથે જ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેમાં 44 વર્ષથી ફરાર દાહોદના ગૂંદીખેડા ગામનો બદીયા માવી ઉર્ફે મામાભીલની માહિતી દાહોદ પેરોલ ફર્લો સ્કવોડને મળતા પોલીસ તેની વિગતો મેળવવામાં સક્રિય બની હતી તે દરમિયાન બદીયા માવી પોતાના ગામ ગૂંદીખેડા આવવાનો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી લઈ પૂછપરછ કરતાં શરૂઆતમાં તે પોતાનું નામ કલસિંગ હોવાનું જણાવતો હતો. જોકે, પોલીસે સખ્તાઈથી પૂછપરછ કરતા અને દસ્તાવેજોની ચકાસણી કરતાં તે પોતે જ બદીયા માવી હોવાનું બહાર આવ્યું હતું. અત્યારે પોલીસે તેને ઝડપી લઈ રાજસ્થાન પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી છે.