ટ્રાન્સફોરમ પર કામ કરી રહેલા PGVCL ના લાઇનમેનને શોર્ટ લાગતા ભડથું થઇ ગયો, પરિવારે મચાવ્યો હોબાળો
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
ગોંડલની સુરેશ્રવર ચોકડી પાસે ખેતરમાં ટ્રાન્સફોરમ રીપેરીંગ કરી રહેલા આસી.લાઇનમેનને વિજળીનો જોરદાર કરંટ લાગતા તેનું કરુણ મોત નિપજયુ હતું. સાથે રહેલા અન્ય લાઇનમેનને પણ કરંટ લાગતા સામાન્ય ઇજા પંહોચી હતી. બનાવના પગલે હોસ્પિટલ દોડી ગયેલા પરિવારજનોએ અધિકારીઓની બેદરકારીથી મૃતકનો ભોગ લેવાયાનો આક્ષેપ કરી મૃતદેહ નહી સ્વિકારતા હોબાળો મચી ગયો હતો. બાદમાં અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. બીજી બાજુ ફરજ પર હાજર તબીબે પીએમ કરવાની ના કહી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવા તજવીજ કરતા ફરીવાર વાતાવરણ ગરમ બન્યુ હતું. દોડી આવેલા આગેવાનોએ તબીબને આડેહાથ લેતા અંતે પીએમ થયું હતું.
પ્રાપ્ત વિગત મુજબ સહજાનંદ નગરમા રહેતા અને PGVCL ગ્રામ્યમાં આસી.લાઇનમેનની ફરજ બજાવતા વિજયભાઈ દેવજીભાઈ દેરવાણી ઉ.45 તથા અન્ય લાઇનમેન રવિભાઈ મહેતા સવારે સાડા અગીયાર વાગ્યે સુરેશ્રવર ચોકડી પાસે કડવાભાઇ રૈયાણીના ખેતરમાં આવેલા ટ્રાન્સફોરમમાં રીપેરીંગ કરી રહ્યા હતા, ત્યારે કરંટ લાગતા વિજયભાઈનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે રવિભાઈને સામાન્ય ઇજા પહોંચી હતી. વિજયભાઈના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાતા વિજયભાઈના ભાઇ અરુણભાઇ સહિત પરિવાર હોસ્પિટલ દોડી ગયો હતો અને PGVCL ના અધિકારીઓ પર બધાએ ભેગા થઈ અમારા ભાઇને મારી નાખ્યો છે તેવા આક્ષેપ સાથે જ્યા સુધી જવાબદારો પર પગલા નહીં ભરાય ત્યા સુધી મૃતદેહ નહીં સ્વીકારાય તેવું કહેતા વાતાવરણ ગરમ બન્યુ હતું. દરમિયાન PGVCL ના કાર્યપાલક ઇજનેર ગોહેલ, એસ સી.હીરાણી, વી.જી.મારકણા, ધડુક સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. અને પરિવાર સાથે સમજાવટ થી વાત કરતા આખરે મૃતદેહ સ્વિકારાયો હતો અલબત્ત પોલીસ મા તંત્ર ની બેદરકારી અંગે પરિવારે રજુઆત કરી હતી.
એકબાજુ બપોર ના બાર વાગ્યાથી ઉગ્ર બનેલો મામલો છેક પાંચ વાગ્યે શાંત પડ્યો હતો ત્યા હોસ્પિટલ ના તબીબ ડો.પ્રેમ દ્વારા મૃતદેહ ને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવા તજવીજ કરાતા કોઈ શંકાસ્પદ મૃત્યુ ના હોવા છતા ફોરેન્સિક નો આગ્રહ રખાતો હોય મામલો ફરી બીચકયો હતો દરમિયાન આગેવાનો રાજેન્દ્રસિંહ જાડેજા તથા દિનેશભાઈ માધડે તબીબ નો ઉધડો લેતા અંતે મૃતદેહ નુ પીએમ ગોંડલ સિવિલ હોસ્પિટલ મા થયુ હતુ.મૃતક વિજયભાઈ ને સંતાન મા બે દિકરા અને એક દિકરી હોવાનુ જાણવા મળેલ હતુ.બનાવ અંગે એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - રાજ્યમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત, આગામી સપ્તાહથી વધશે ઠંડીનું જોર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે