Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જૂનાગઢ યાર્ડમાં કમોસમી વરસાદ વચ્ચે કેરીની આવક વધી, ભાવ રૂ. 400 થી રૂ. 800 પ્રતિ બોક્સ

હાલ કેરીની સિઝન ચાલી રહી છે અને જૂનાગઢ યાર્ડમાં કેરીની આવકમાં વધારો થઈ રહ્યો છે. યાર્ડમાં છેલ્લા એક અઠવાડીયાથી સરેરાશ દરરોજ 12 થી 15 હજાર બોક્સની આવક થઈ રહી છે અને 400 થી 800 રૂપિયા પ્રતિ બોક્સના ભાવે કેરી વેચાઈ...
જૂનાગઢ યાર્ડમાં કમોસમી વરસાદ વચ્ચે કેરીની આવક વધી  ભાવ રૂ  400 થી રૂ  800 પ્રતિ બોક્સ

હાલ કેરીની સિઝન ચાલી રહી છે અને જૂનાગઢ યાર્ડમાં કેરીની આવકમાં વધારો થઈ રહ્યો છે. યાર્ડમાં છેલ્લા એક અઠવાડીયાથી સરેરાશ દરરોજ 12 થી 15 હજાર બોક્સની આવક થઈ રહી છે અને 400 થી 800 રૂપિયા પ્રતિ બોક્સના ભાવે કેરી વેચાઈ રહી છે. વેપારીઓનું માનવું છે કે, હજુ આગામી એક અઠવાડીયામાં આવક બમણી થશે અને ભાવ પણ જળવાઈ રહેશે. જોકે, ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે કેરીની ગુણવત્તા પર અસર પડી છે તેમ છતાં કેરીનું બજાર ધમધમી રહ્યું છે.

Advertisement

જૂનાગઢ શાકભાજી અને ફળફળાદી સબ યાર્ડમાં ચારે તરફ કેરીના બોક્સ નજરે પડે છે. યાર્ડમાં દરરોજ અંદાજે 15 હજાર કેરીના બોક્સની આવક થઈ રહી છે અને 400 થી 800 રૂપિયા સુધીના ભાવે હરાજી થાય છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે કેરી પર અસર થવા પામી છે. ખાસ કરીને કેરીનું ખરણ થતાં તેના ભાવો મળતાં નથી. ખરણવાળી કેરીના માંડ કરીને 100 થી 200 રૂપિયા મળે છે, કેરીને ગરમીની જરૂર હોય છે પરંતુ કમોસમી વરસાદને કારણે ઠંડક બની રહે છે વળી કેરી પર વરસાદ પડે છે આમ આવી કેરી જોઈએ તેવી પાકતી નથી તેથી આવી કેરીના ભાવ પર અસર પડે છે અને તેથી જ કેરીની આવક તો થઈ રહી છે પરંતુ ભાવ નીચા જતાં રહે છે. જે કેરીના ભાવ આજે 400 થી 800 રૂપિયા ચાલી રહ્યા છે તે જ કેરી જો કમોસમી વરસાદ ન થયો હોય તો તેના ભાવ 600 થી 1 હજાર સુધીના મળે, તેમ છતાં જે રીતે કેરીનો ઉતારો થયો છે. તેના પ્રમાણમાં ખેડૂતોને સંતોષકારક ભાવ મળી રહ્યા છે.

Advertisement

છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે અને હવે વરસાદ ન પડે તેવી સૌને આશા છે ત્યારે ગરમી જળવાઈ રહેશે તો હજુ પણ આંબા પર જે કેરીઓ છે તેના પુરતાં ભાવ મળશે તેવી વેપારીઓને આશા છે. હાલ 15 હજાર બોક્સની આવક છે, તે આવક આગામી દિવસોમાં બમણી થવાની પણ સંભાવના છે કારણ કે દર વર્ષે 15 મે પછીનો કેરીનો તબક્કો ચરમસીમાએ હોય છે અને પુષ્કળ પ્રમાણમાં કેરીની આવક થતી હોય છે. હાલ જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની સાથે વલસાડી અને રત્નાગીરી હાફુસ કેરીની આવક પણ થઈ રહી છે. સ્વાદના શોખીનો કેરીની વિવિધ જાતોનો સ્વાદ માણતા હોય છે અને તેનું સારૂં એવું વેચાણ પણ થતું હોય છે. હજુ આગામી દિવસોમાં દેશી કેરીની વિવિધ જાતો, હાફુસ ઉપરાંત લાલબાગ, લંગડો, દૂધપેંડો જેવી વિવિધ જાતોની કેરી પણ બજારમાં જોવા મળશે અને એકંદરે ભલે ભાવ ઓછા હોય પરંતુ આગામી દિવસોમાં થોડી સારી અને વધુ પ્રમાણમાં કેરી બજારમાં ઉપલબ્ધ થશે તેવી આશા સેવાઈ રહી છે.

Advertisement

આ પણ વાંચો  - ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી, અમદાવાદમાં આવતીકાલથી યલો એલર્ટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.