Junagadh News : જટાશંકર મહાદેવ મંદિરમાં શ્રાવણી શિવરાત્રીની ઉજવણી, મધ્યરાત્રીએ મહાદેવની કરાઈ વિશેષ પુજા અર્ચના
ગિરનારની ગોદમાં આવેલા જટાશંકર મહાદેવના મંદિરે શ્રાવણ માસની ચતુર્દશી કે જે શિવરાત્રી કહેવાય છે તેને લઈને મધ્યરાત્રીએ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી, મહાદેવજીની ચોખા, કમળ અને બીલીપત્રથી વિશેષ પૂજા બાદ મહાઆરતી કરવામાં આવી હતી, સમગ્ર વર્ષ દરમિયાન માત્ર એક જ દિવસે આ પ્રકારની પૂજા અર્ચના કરવામાં આવે છે સાથે આ પ્રકારની પૂજા રાજ્યમાં એકમાત્ર જટાશંકર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવે છે.
મહેશાન ના પરો દેવો, મહિમ્ન ના પરા સ્તુતિ, અઘોરા ના પરો મંત્રો, નાસ્તિ તત્વમ ગુરુ પરમ...
એટલે કે ભગવાન મહેશ મહાદેવ થી મોટા કોઈ દેવ નથી, મહિમ્ન થી શ્રેષ્ઠ કોઈ સ્તુતિ નથી, અઘોરથી શ્રેષ્ઠ કોઈ મંત્ર નથી, ગુરુ થી પરમ કોઈ તત્વ નથી...
કોઈપણ મહિનાની કૃષ્ણપક્ષની ચતુર્દશી એ શિવરાત્રી કહેવાય છે તેમાં પણ પવિત્ર શ્રાવણ માસની ચતુર્દશીનું વિશેષ મહત્વ છે કારણ કે શ્રાવણ માસ મહાદેવજીનો પ્રિય માસ છે અને શ્રાવણ માસની શિવરાત્રીને ગર્ભરાત્રી પણ કહેવામાં આવે છે, જે રાત્રીનું જાગરણ અને દેવ પૂજન અર્ચન અનેરૂ ફળ આપનાર છે ત્યારે જૂનાગઢમાં ગિરનારની ગોદમાં આવેલ ગિરનારના ગુપ્ત દ્વાર સમાન જટાશંકર મહાદેવ મંદિર ખાતે વેદોક્ત, શાસ્ત્રોક્ત અને પુરાણોક્ત રીતે શ્રાવણી શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર શ્રાવણ માસ દરમિયાન કરેલા શ્રાવણી કર્મને સંચિત રૂપે મહાદેવને સમર્પિત કરવાના ભાવ સાથે અહીં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે જે સમગ્ર રાજ્યમાં એકમાત્ર જટાશંકર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવે છે, આ વિશેષ પૂજામાં શ્રીસૂક્તના સ્તવનના સંપુટ સાથે શિવ મહારુદ્રાભિષેકના પાઠ કરવામાં આવે છે, ચોખા, કમળના ફૂલ અને બીલીપત્ર થી મહાદેવજીનો શ્રૃગાર કરવામાં આવે છે અને ભાતભાતની મીઠાઈ સાથે ભોગ લગાવવામાં આવે છે, આ દિવસે રાત્રી જાગરણ કરવામાં આવે છે, મહાદેવજીનો અભિષેક અને કમળથી પૂજન અર્ચન કરવામાં આવે છે બાદમાં મહાઆરતી કરવામાં આવે છે જેમાં પ્રથમ ધૂપ આરતી અને બાદમાં દીપ આરતી કરવામાં આવે છે, ઢોલ શરણાઈના સૂર, વિશેષ શૃંગાર, વેદોક્ત મંત્રોચ્ચાર અને વૈદિક પૂજનનો એક અલભ્ય સંગમ અહીં જોવા મળે છે, મધ્યરાત્રીએ મહાઆરતી સમયે હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર ગિરનાર ગુંજી ઉઠે છે.
જટાસંકર મહાદેવ મંદિર ગંગેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે અહીં કુદરતી રીતે શિંવલીંગ પરથી પાણી વહે છે, મંદિરના મહંત પૂર્ણાનંદજી મહારાજ દ્વારા તેમની પરંપરા અનુસાર આ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે, શ્રાવણી શિવરાત્રીની આ પ્રકારની પૂજા ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં પણ કરવામાં આવે છે, ગુજરાતમાં એકમાત્ર જૂનાગઢમાં જટાશંકર મહાદેવ મંદિર ખાતે આ પ્રકારની પૂજા કરવામાં આવે છે, આ પૂજા એક પ્રકારે શિવ અને શક્તિના મિલન સમી પૂજા છે.
મધ્યરાત્રીએ મહાઆરતી બાદ પણ મંદિરમાં ભાવિકો દ્વારા જાગરણ કરીને જપ ધ્યાન કરવામાં આવે છે અને બીજા દિવસે વહેલી સવારે ફરી મહાદેવજીના અભિષેક સાથે શ્રાવણી શિવરાત્રીનું સમાપન થાય છે. ગિરનાર ક્ષેત્ર આમ પણ અગમનિગમ થી ભરપુર છે, જ્યાં કણ કણમાં આધ્યાત્મ રહેલું છે તેવા ગિરનારની ગોદમાં ગાઢ જંગલની મધ્યમાં હર હર મહાદેવના નાદ સાથે શિવરાત્રીનો લ્હાવો લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે અને ભગવાન મહાદેવની વિશેષ પૂજા કરીને ધન્યતા અનુભવે છે.
આ પણ વાંચો : સાગર ઠક્કર, જુનાગઢ
આ પણ વાંચો : Junagadh માં સર્વ પિતૃ અમાસ નીમીત્તે દામોદર કુંડ પર ભાવિકોની ભીડ, મોટી સંખ્યામાં ભાવિકોએ સ્નાન કરી પિતૃતર્પણ કર્યું