Surat : ગત વર્ષની સરખામણીએ રોગચાળાના આંકડામાં વધારો, જુઓ આંકડા
સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળામાં સતત વધારો જોવા મળી રહ્યો છે સુરત શહેરમાં ગત વર્ષીની સરખામણીએ આ વર્ષે રોગચાળાના આંકડામાં 15% જેટલો વધારો જોવા મળ્યો છે વરસાદી રોગચાળાને કારણે સુરત શહેરમાં અત્યાર સુધી 16 વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા છે. રોગચાળાને ડામવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ કામગીરી કરી રહી છે પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે.
અત્યાર સુધીમાં 16ના મોત
હાલમાં સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી શહેરમાં સીઝનનો 33 ઇંચ વરસાદ પડ્યો છે. સતત વરસેલા વરસાદમાં કારણે શહેરમાં રોગચાળાની સ્થિતિ વણસી છે. શહેરમાં સતત રોગચાળાના આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે. આ વખતે રોગચાળાના કેસો વધ્યા છે ઉપરાંત મૃત્યુ આંક પણ આ વખતે વધતો જોવા મળ્યો છે. હાલ થયેલા રોગચાળાને કારણે સુરત શહેરમાં 16 વ્યક્તિઓના મૃત્યુ નોધાયા છે.
શું છે આંકડા?
સુરત શહેરમાં વકરેલા રોગચાળાના અંક પર નજર કરીએ તો સુરત સિવિલ ખાતે ડેન્ગ્યુના 18, હેપેટાઈટીસના 76 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના 35, વાઇરલ ફીવર 24 કેસ નોંધાયા છે, આ ઉપરાંત ગેસ્ટ્રો 92, મલેરિયાના 79 કેસ, કોલેરાના 1, કમળાના 5 કેસ નોંધાયા છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે વરસાદી રોગ શાળાના કેસમાં 15% જેટલો વધારો જોવા મળી રહ્યો છે સતત વધતા કેસોને લઈ તંત્ર દ્વારા નક્કર કામગીરીની હવે જરૂરિયાત વાર્તા રહી છે.
મનપાની સર્વે કામગીરી
સતત વધતા રોગચાળાના કેસોને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં સર્વે કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે છેલ્લા દસ દિવસમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ઘરે ઘરે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. ઝાડા-ઉલ્ટીના કેસો મુખ્યત્વે દુષિત પાણી અથવા દુષિત ખોરાક ખાવાથી થતા હોય છે. જેથી એને જલ્દીથી જલ્દી શોધી શકાય અને તુરંત સારવાર આપી શકાય તે હેતુથી 10 દિવસમાં સમગ્ર સુરત શહેરનો આરોગ્ય કર્મચારી દ્વારા સર્વે કરી આવરી લેવાય અને વધુમાં વધુ ઝાડા-ઉલ્ટી, કમળા, તાવના કેસો શોધીને સ્થળ પર સારવાર આપી શકાય તથા વધુ સારવાર અર્થે તેઓને તાત્કાલિક રીફર કરી શકાય તે ઉદ્દેશ્યથી ઘરે ઘરે જઈ સદર કેસો બાબતે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં 525 ANM, 300 PHW અને 1050 આશા દ્વારા છેલ્લા 06 દિવસમાં 8,17,895 ઘરોનો સર્વે કરી 29,97,192 વસ્તી આવરી લેવામાં આવી છે.
કેટલા લોકોને સારવાર મળી?
જેમાં 372 જેટલા છુટા છવાયા સામાન્ય ઝાડાના તથા 1305 જેટલા તાવના દર્દીઓ મળી આવેલ છે. જે પૈકી સ્લમ તેમજ સ્લમ લાઈક વિસ્તારમાં 527 જેટલા દર્દીઓ રિફર કરી નજીકના શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં 10 મોબાઈલ મેડીકલ ટીમ ધ્વારા સ્લમ તેમજ સ્લમ લાઈક વિસ્તારમાં સર્વેલન્સ, ઓ.પી.ડી., રેફરલ, ફોલોઅપ તેમજ પ્રચાર પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવે છે.
શું થઈ કામગીરી?
સુરત મનપા દ્વારા તા.26/07/2023 થી તા.31/07/2023 દરમ્યાન કરવામાં આવેલ ઇન્ટ્રાડોમેસ્ટિક સર્વેની ઝુંબેશ અંતર્ગત 3,38,689 ઘરો સર્વે કરી 8,51,600 મચ્છરોનાં ઉત્પતિ સ્થાનો તપાસવામાં આવેલ તે પૈકી કુલ 6,514 મચ્છરોના બ્રિડીંગ મળી આવેલ જેનો નાશ કરવામાં આવેલ છે. 13,721 લોહીના નમુના લીધેલ અને રેપીડ ટેસ્ટની કામગીરી કરવામાં આવેલ છે. સુરત મનપા દ્વારા રોગચાળાને નાથવા માટે જે કામગીરી કરવામાં આવી રહી છે એ કામગીરી છતાં પણ રોગચાળાના આંકડા સતત વધી રહ્યા છે. આ રોગચાળાને નાચવા માટે સુરત મહાનગરપાલિકાએ હવે નક્કર કામગીરી કરવી જરૂરી બને છે.
અહેવાલ : આનંદ પટ્ટણી
આ પણ વાંચો : રાજકોટમાં ગુજરાત ATSનું સફળ ઓપરેશન, અલકાયદાના 3 આતંકી ઝડપાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.