Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઘોઘંબામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામની મહિલાઓ ભર ઉનાળે પાણી માટે કરી રહી છે રઝળપાટ

ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કાંટાવેડા અને ગોયા સુંડલ ગામના ટેકરા ફળિયું સહિતના વિસ્તારમાં ભર ઉનાળે મહિલાઓને પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. ફળિયામાં આવેલા હેન્ડ પંપમાં પણ ભારે મહેનત બાદ પાણી આવતું હોય છે જે પણ દુષિત હોય...
04:44 PM May 13, 2023 IST | Dhruv Parmar

ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કાંટાવેડા અને ગોયા સુંડલ ગામના ટેકરા ફળિયું સહિતના વિસ્તારમાં ભર ઉનાળે મહિલાઓને પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. ફળિયામાં આવેલા હેન્ડ પંપમાં પણ ભારે મહેનત બાદ પાણી આવતું હોય છે જે પણ દુષિત હોય છે.

મહત્વનું છે કે, અહીં મૂકવામાં આવેલા નળ શોભાના ગાંઠીયા બન્યા છે અને એક વર્ષ વિતવા છતાં પીવાના પાણીનું ટીપું પણ નળના માધ્યમથી મળ્યું નથી. વળી નળના જોડાણો પણ હાલ તૂટી જમીન દોસ્ત બની ગયા છે અહીંની મહિલાઓને કપડાં ધોવા અને પશુઓને પીવાના પાણી માટે ફરજિયાત કોતર સુધી લાંબા થવું પડી રહ્યું છે. આમ પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે મહિલાઓને આખો દિવસ પૂર્ણ થઈ જાય છે અને જેની અસર પોતાના ઘરકામ ઉપર પડી રહી છે.

ઘોઘંબા તાલુકાના કાંટાવેડા ગામમાં મીની વોટર વર્કસ યોજના હેઠળ બોર કરી પાણીની સુવિધા ઘરે ઘરે નળ થકી ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. જેમાં છેલ્લા એક વર્ષથી પાણી આવી રહ્યું નથી. જ્યારે અહીં મૂકવામાં આવેલા હેન્ડ પંપ પણ યોગ્ય રીતે કાર્યરત નહીં હોવાથી મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

એવી જ રીતે ગોયાસુંડલ ગામના ટેકરા ફળિયામાં નલ સેજલ યોજના હેઠળ એક વર્ષ અગાઉ ઘેર ઘેર નળ ના જોડાણ આપવામાં આવ્યા હતા પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ જોડાણો માં પાતળી પાઇપ હોવાથી ગત ચોમાસા ના વરસાદ દરમિયાન ધોવાણ થઈ પાઇપો તૂટી જવા સાથે નળના જોડાણ પણ જમીન દોસ્ત થઈ ગયા છે.

જેથી હાલ અહીં પાણીની ખૂબ જ સમસ્યા ઊભી થઈ છે. હાલ મહિલાઓ નજીકમાં આવેલા એક હેન્ડ પંપમાંથી પીવાનું પાણી મેળવી રહી છે. આ હેન્ડ પંપ પણ યોગ્ય રીતે નહીં ચાલતો હોવા ઉપરાંત પાણીનું સ્તર નીચે ગયું હોવાથી ખૂબ જ મહેનત બાદ હેન્ડપમ્પ માંથી પાણી બહાર આવી રહ્યું છે જેને લઇ મહિલાઓને પાણી ભરવા માટે રીતસર કતારમાં ઊભું રહેવું પડી રહ્યું પડે છે.

આ ઉપરાંત પશુઓના પીવા માટે તેમજ કપડાં ધોવા માટે કોતરના પાણીનો ઉપયોગ કરવો પડે છે. આ કોતર પણ રહેણાંક વિસ્તારથી દૂર આવેલું હોવાથી રીતસર ભર ઉનાળે પાણી માટે રજળપાટ કરવાની સ્થિતિ ઊભી થઈ છે. જેથી સરકાર દ્વારા માતબર ખર્ચે નાખવામાં આવેલી નલ સેજલ યોજના હેઠળ વહેલી તકે પાણી પૂરું પાડવામાં આવે એવી સ્થાનિક મહિલાઓ માગણી કરી રહી છે.

અહેવાલ : નામદેવ પાટીલ

આ પણ વાંચો : વધુ એક ઠગનું કારસ્તાન, UGVCL ના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી કરી લખોની છેતરપિંડી

Tags :
GhoghambagovernmentGujaratSummerwater issue
Next Article