Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેતપુરમાં તંત્રએ ગરીબનો 'આશરો' છીનવ્યો, દીકરીનું 'વેવિશાળ' ખુલ્લી જગ્યામાં આટોપાયું !

દિકરા કે દીકરીનું સગપણ કરવાની વાતો શરૂ થાય એટલે બંને પક્ષના વડીલો પહેલા ખાનદાન, આવક અને પછી ઘર-ખોરડા ઘરના છે કે નહીં તેની તપાસ કરતાં હોય છે. અને આવી તપાસ કાઇ એક બે દિવસમાં ન થાય, મહિનાઓ અગાઉ માવતરો આ...
જેતપુરમાં તંત્રએ ગરીબનો  આશરો  છીનવ્યો  દીકરીનું  વેવિશાળ  ખુલ્લી જગ્યામાં આટોપાયું

દિકરા કે દીકરીનું સગપણ કરવાની વાતો શરૂ થાય એટલે બંને પક્ષના વડીલો પહેલા ખાનદાન, આવક અને પછી ઘર-ખોરડા ઘરના છે કે નહીં તેની તપાસ કરતાં હોય છે. અને આવી તપાસ કાઇ એક બે દિવસમાં ન થાય, મહિનાઓ અગાઉ માવતરો આ માટે કસરત કરતાં હોય છે. હવે વિચારો કે મુરતિયો યુવતીના ઘરે જઈને મકાન સહિતનું સારું ઠેકાણું જોઈને આવ્યો હોય અને સગાઈ-લગ્ન નક્કી થયા પછી બંને પક્ષોમાં હરખ સમાતો ન હોય તે સ્વાભાવિક છે. પણ આગાઉ નક્કી થઈ ગયેલા સંબંધની સામાજિક રસમો આગળ વધે એટલે લગ્નજીવનનું પ્રથમ પગથિયું એવી જલ કે સગાઈ કરવા મુરતિયો મંગેતરના ઘરે આવે અને સાસરિયાઓનું ઘર 'પડીને પાદર' થયેલું જોવા મળે ત્યારે ભળભલાંના કાળજાં કંપી જાય તેમાં કોઈ શંકા નકારી શકાતી નથી. આવી જ કરૂણ હાલત જેતપુર નગર પાલિકાએ એક ગરીબ પરિવારની કરી હોવાની ઘટના બનતા જાણકારોના પણ રૂંવાડા ઊભા થઈ ગયા છે. શ્રીમતોના તોસ્તાન ગેરકાયદેસર બાંધકામો સામે લાજ કાઢતા તંત્રએ ગરીબો ઉપર શું વિતાવી છે ? તે આ એક કિસ્સો કહી જાય છે.

Advertisement

એક ગરીબની આત્મકથા જેવી આ ઘટના જોઈએ તો જેતપુરના જૂનાગઢ રોડ પર બીએપીએસ મંદિરની પાછળ રહેતા શ્રમિકોના મકાનોનું નગરપાલિકાએ અઠવાડિયા પૂર્વે ડીમોલેશન કરી નાખ્યું હતું. તે શ્રમિકો હજુ ત્યાં ખુલ્લા જ વસવાટ કરવા મજબુર બન્યા છે. ત્યાં આજે એક પરીવારની દીકરીની સગાઈ ખુલ્લા મેદાનમાં કરવા માટે માં-બાપને મજબૂરી સહવી પડતાં ઘર વિહોણી બનેલી  દીકરીના આંસુએ ઉપસ્થિત સૌની આંખો ભીની કરી નાખી હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે કરોડો-અરબો રૂપિયાના ખર્ચે આધુનિક ડોમમાં લગ્ન, સગાઈ જેવા પ્રસંગો યોજાય તેવું તો આપણે ઘણું જોયું અને સાંભળ્યું હશે. પરંતુ ખુલ્લા મેદાનમાં આજે 40 થી 42 ડિગ્રી તાપમાનમાં સગાઈ જેવા સુખદ પ્રસંગ કરવા માટે એક શ્રમિક પરીવાર મજબુર બન્યો તે પ્રસંગ અંગેના જાણકારોના દિલ પણ દ્રવી ઉઠયા હતા. શહેરના જૂનાગઢ રોડ પર તાજેતરમાં બીએપીએસ મંદિર બનતા ત્યાં પાછળ પચાસ વર્ષથી કાચા મકાનો બનાવીને રહેતા  કેટલાક શ્રમિક પરિવારોનો આશિયાનો છીનવાઈ ગયો છે. મંદિરના કેટલાક હરિભક્તોએ શ્રમિકોએ ગાડા માર્ગ પર દબાણ કર્યાની અરજીના અનુસંધાને નગરપાલિકાએ શ્રમિકોના મકાનોનું ડીમોલેશન કરી નાખ્યું છે.

Advertisement

ડીમોલેશનના દિવસે જ એક પરીવારની દીકરીની સગાઈ હતી તે પરીવાર ઘર વગર સગાઈ કેમ કરવી તેવા વિચારે સગાઈ મુલત્વી રાખી હતી. પરંતુ ડીમોલેશનને અઠવાડિયું થઈ જવા છતાં રહેવાની કોઈ સગવડતા ન થતા મોટાભાગના પરીવારો પડી ગયેલા મકાનોની બાજુમાં જ ખુલ્લા મેદાનમાં ઘર વખરી સાથે રહેવા મજબુર બન્યા છે. જેમાંથી કિશનભાઈ વાઘેલાની દીકરી સુમનની સગાઈ ડીમોલેશનના દિવસે મુલત્વી રાખેલ તે આજે બંને પક્ષોના પરિવારજનોના રડમસ ચહેરાઓ વચ્ચે ખુલ્લા મેદાનમાં 40 થી 42 ડિગ્રી તાપમાનમાં વચ્ચે યોજાઈ હતી.

Advertisement

સુમને જણાવેલું કે, મારી સગાઈ બાદ લગ્ન થઈ જશે એટલે મને તો પતિના ઘરે ઘર મળી જશે પરંતુ મારા પરીવાર તેમજ અન્ય લોકોનું શું ? મારા સાસરિયાં પક્ષ પણ સારા કહેવાય કે અમારી પરિસ્થિતિ જોઈને ખુલ્લા મેદાનમાં સગાઈ કરવા માટે તૈયાર થઈ ગયાં. મારી સગાઈ તૂટી ગઈ હોત તો નગરપાલિકા શું મારી સગાઈ કરાવી આપત ? હું શ્રમિક પરીવારની છું તો શું જેતપુરની દીકરી નથી. ખુલ્લા મેદાનમાં સગાઈ થવાથી મારા પરીવારની નહીં પણ સમગ્ર જેતપુરની ઈજ્જત ગઈ હોવાનું હૃદય દ્રાવક વાત કરી હતી. ઘરનું ઘર આપવાના સરકારના અનેક વાયદા વચનો બાદ પણ દબાણના નામે માત્ર ગરીબોના જ આશિયાના છીનવાય છે પણ  માલેતુજાર અને રાજકીય લોકોના દબાણ આજની તારીખે પણ જેતપુરમાં અનેક જગ્યાએ અટ્ટહાસ્ય કરે છે ! આવા દબાણો હટાવવા તંત્રનો પન્નો કેમ ટૂંકો પડે છે તેવો બુદ્ધિજીવી લોકોનો સવાલ તપાસ માંગી લે તેવો છે.

આ પણ વાંચો – જમીનનું ધોવાણ રોકવા ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે મેન્ગ્રેુવ રોપાના વાવેતરનો શુભારંભ 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - હરેશ ભાલીયા

Tags :
Advertisement

.