Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દાંતા તાલુકામાં ગ્રામજનોએ જાતે જ ફાળો એકઠો કરીને નદી પર પુલ બનાવી દીધો

અહેવાલ--શક્તિસિંહ રાજપુત,અંબાજી વિશ્વમાં ગુજરાતની વાત આવે એટલે વિકાસની વાત પહેલા આવે જ્યારે જ્યારે ભારત દેશમાં ગુજરાતની વાત થાય ત્યારે સૌ પ્રથમ વિકાસ શબ્દ પ્રથમ નીકળે છે, પરંતુ આ શબ્દો માત્ર ને માત્ર શહેરો સુધી સીમિત હોય તેવું લાગી રહ્યું છે...
દાંતા તાલુકામાં ગ્રામજનોએ જાતે જ ફાળો એકઠો કરીને નદી પર પુલ બનાવી દીધો
અહેવાલ--શક્તિસિંહ રાજપુત,અંબાજી
વિશ્વમાં ગુજરાતની વાત આવે એટલે વિકાસની વાત પહેલા આવે જ્યારે જ્યારે ભારત દેશમાં ગુજરાતની વાત થાય ત્યારે સૌ પ્રથમ વિકાસ શબ્દ પ્રથમ નીકળે છે, પરંતુ આ શબ્દો માત્ર ને માત્ર શહેરો સુધી સીમિત હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે અને આ તાલુકો પહાડી અંતરિયાળ અને પછાત તાલુકા તરીકે ઓળખ ધરાવે છે ત્યારે દાંતા તાલુકાના પહાડોની વચ્ચે આવેલા બોરડીયાલા ગામના લોકો ચોમાસાની ઋતુમાં પોતાના ગામ પાસે આવેલી કીડી મકોડી નદીમાં પાણીનો વધારે પ્રવાહ આવતા એક તરફથી બીજી તરફ જવા માટે ભારે તકલીફો નો સામનો કરી રહ્યા હતા. આઝાદી બાદ પણ આ વિસ્તારના લોકો જીવના જોખમે નદી પાર કરીને એક તરફથી બીજી તરફ જઈ રહ્યા હતા શાળાના બાળકો પણ રોજ ભણવા માટે શાળાએ જીવના જોખમે નદી પાર કરીને ભણવા જતા હતા ત્યારે તાજેતરમાં નદીમાં પાણી વધુ આવતા ગ્રામજનોએ ટ્રેક્ટર અને તાર દ્વારા નદી પાર કરી હતી. ત્યારબાદ ગ્રામજનો ફરીથી સરકારમાં રજૂઆત કરતા સરકારે તેમની વાતને ગંભીર ન લેતા બોરડીયાલા ગામના મંડારાવાસના ગ્રામજનોએ જાતે જ ફાળો એકઠો કરીને કીડી મકોડી નદી ઉપર પુલ બાંધ્યો છે. આ પુલ બનાવવામાં શાળામાં ભણતા બાળકો અને તેમના પરિવારજનો જોડાયા હતા અને નદી પર પુલ બાંધ્યો હતો. આમ સરકાર માટે આ ઘટના શરમજનક બની ગઈ છે. એક તરફ ડિજિટલ ગુજરાત અને શાળાના બાળકો ભણે તે માટે શાળાથી ઘર સુધી રસ્તાઓની વાત થઈ રહી છે ત્યારે એક નાનકડો પુલ પણ આઝાદી બાદ પણ આ વિસ્તારમાં બની શક્યો નથી.
નદી પર પુલ બનાવવાની રજૂઆતો કરી કરીને થાકી ગયા હતા
ગુજરાતનો સૌથી પછાત તાલુકો દાંતા તાલુકો છે.દાંતા તાલુકાના પહાડી અંતરિયાળ વિસ્તારમાં આવેલા બોરડીયાલા ગામના મંડારવાસ માં રહેતા લોકોએ આઝાદી બાદથી પોતાના વિસ્તારથી બોરડીઆલા ગામ જવા માટે કીડી મકોડી નદી પર પુલ બનાવવાની રજૂઆતો કરી કરીને થાકી ગયા હતા.આ ગ્રામજનોએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં નદીમાં પાણી વધારે આવવાથી નદી પાર કરવામાં ભારે તકલીફ પડતી હતી અને અમારા બાળકો જે શાળામાં ભણે છે તે શાળામાં ન જઈ શકતા શાળામાં બાળકોની ગેરહાજરી પડતી હતી ત્યારે અમે આ બાબતે અવારનવાર રજૂઆત કરતા આવ્યા છીએ પણ બહેરું તંત્ર અમારી વાત ન સાંભળતા અમે અમારા વિસ્તારના આસપાસના લોકો દ્વારા ફાળો એકઠો કરીને નદી ઉપર જાતે જ પુલ બનાવેલ છે. મંડાર વાસના લોકો અને અહીં ભણતા સો જેટલા બાળકો આ પુલ બનાવવામાં સહભાગી થયા હતા.
ગ્રામજનોએ ફાળો એકઠો કરીને નદી પર પુલ બનાવ્યો
થોડા દિવસ પહેલા આ નદીમાં ભારે પાણી આવતા ગ્રામજનો નદીના બંને તરફ ટ્રેક્ટર ઊભા રાખીને વચ્ચે તાર દ્વારા નદી પાર કરી હતી ત્યારબાદ પણ તંત્ર દ્વારા આ ગરીબ લોકોને કોઈ પણ સહાય કરવામાં આવી ન હતી અને નદી પર પૂલ પણ બનાવવામાં મદદ ન કરતા ગ્રામજનોએ ફાળો એકઠો કરીને નદી પર પુલ બનાવ્યો હતો. આ નદીમાંથી પસાર થતાં ક્યારેક તણાઈ જવાની બીક લાગતી હોય છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે પુલ ન બનવાથી અમારા ગામના 4 લોકો બીમાર પડ્યા હતા અને તેમને સારવાર ન મળતા તેમના મોત પણ થયા હતા ત્યારબાદ અમે બધા ગ્રામજનો એકઠા થઈને પુલ બનાવેલ છે. અમારા વિસ્તારના 100 જેટલા બાળકોને ભણવું છે એટલે આ બાળકો પણ હાથમાં પથ્થર લઈને નદી પર પુલ બનાવવામાં અમને ઘણી મદદ કરી રહ્યા છે.
સરકાર અમારી વાતો સાંભળતી નથી
ગામના બુંબડીયા જોગાભાઈ જોરાભાઈએ જણાવ્યું કે આઝાદી બાદથી આ સમસ્યા યથાવત છે અને હું જન્મ્યો ત્યારથી પણ કીડી મકોડી નદી પર પુલ બનાવવા માટે રજૂઆત કરી કરીને થાકી ગયા છીએ પણ સરકાર અમારી વાતો સાંભળતી નથી એટલે અમે જાતે જ ફાળો એકઠો કરીને પુલ બનાવેલ છે.
અમારો અભ્યાસ બગડે છે
જ્યારે ગમાર ચેતનભાઇ પ્રવીણભાઈ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે નદીમાં ભારે પાણી હોવાથી અમે શાળાએ જઈ શકતા નથી અને આ કારણે શાળામાં અમારી ગેરહાજરી પડે છે અને આ કારણે અમારો અભ્યાસ બગડે છે એટલે આજે અમે પથ્થરો લઈને નદી પર પુલ બનાવવામાં અમે અમારા પરિવારને મદદ કરી છે અને મેં પણ મારા ગલ્લામાંથી રૂપિયા આપી મારા પરિવારજનોને પુલ બનાવવા માટે આપેલ છે. મારે પણ મોટા થઈને અધિકારી બનવું છે અને મારે ભણવું છે.
Advertisement
Tags :
Advertisement

.