Morbi: મોરબીમાં 10 ની ચલણી નોટોની ભારે અછત, 10ના સિક્કા લેવા કેમ લોકો તૈયાર નથી?
Morbi: ગુજરાતના અનેક વિસ્તારો એવા છે, જ્યા 10 ના સિક્કાઓ ચલાતા નથી. એનો મતલબ કે, લોકો 10 ના સિક્કા લેતા અચકાય છે. આવું જ મોરબીમાં થઈ રહ્યું છે. મોરબીમાં વેપારીઓની અનોખી સમસ્યા સામે આવી છે. જેમાં રૂપિયા 10 ની નોટની અછત સામે આવી છે. જ્યારે બીજી બાજુ મોરબીમાં રૂપિયા 10 ના સિક્કા મોટાભાગના વેપારીઓ,ગ્રાહકો કે કોઈ પણ વ્યક્તિઓ સ્વીકારતા નથી જેને લઇને પણ 10 ની નોટની સમસ્યામાં વધારો થયો છે.
મોરબીમાં રૂપિયા દસની નવી નોટની ભારે અછત
વેપારીઓના જણાવ્યા અનુસાર વાત કરવામાં આવે તો, મોરબી (Morbi)માં રૂપિયા દસની નવી નોટની ભારે અછત જોવા મળી રહી છે, જે બાબતે જિલ્લા કલેકટરને પણ રજુઆત કરવામાં આવી હતી અને જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને આદેશ કરવામાં આવતા મોરબીની સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં 50 લાખની નવી નોટ આવી છે. પરંતુ નવી નોટો આવતાની સાથે જ ભજનોમાં, ડાયરામાં તેમજ પ્રસંગોમાં ઉડાડવા માટે તેમજ આંગડિયા પેઢીઓમાં સંગ્રહ થાય જાય છે જેને પગલે આ નોટો બજારમાં ફરતી નથી અને અછત સર્જાય છે.
કેમ 10ના સિક્કા પણ કોઈ સ્વીકારતું નથી?
દસની નોટના વિકલ્પ તરીકે દસના સિક્કા માર્કેટમાં વાપરી શકાય છે પરંતુ દસના સિક્કા કોઈ ‘અજાણ્યા’ કારણોસર મોરબીમાં કોઈ સ્વીકારતું નથી અને 10ના સિક્કા પણ કોઈ સ્વીકારતું ન હોવાના કારણે સંગ્રહ થઈ ચૂક્યા છે. જેથી મોરબીની બેંકોમાં 75 લાખના દશના સિક્કા બિન ઉપયોગી હાલતમાં પડ્યા છે. જો 10ના સિક્કા સ્વીકારવા બાબતે કલેકટર જાહેરનામું બહાર પાડે તો પણ 10 રૂપિયાના ચલણની અછતમાં રાહત મળે તેમ છે.
10 ના સિક્કા બાબતે વહીવટી તંત્ર જાહેરનામું બહાર પાડશે
મળતી વિગતો પ્રમાણે કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વેપારીઓની રજૂઆતને પગલે 10 ની 50 લાખ રૂપિયાની નોટો બેંકમાં આવી ગઈ છે અને હજુ 30 લાખની નોટો આવશે. તેમજ 10ના સિક્કા સ્વીકારવા બાબતે પણ વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી લોકોને અપીલ કરવામાં આવશે. નોંધનીય છે કે, અત્યારે લોકો 10 ના સિક્કાની આપલે કરતા અચકાય છે. જેથી રાજ્યના અનેક વિસ્તારોમાં આવી સમસ્યા આવી રહીં છે. જો કે, તેનું કારણ હજી સુધી સામે આવ્યું નથી કે, આવું શા માટે થઈ રહ્યું છે?