Good Samaritan : માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં મદદરૂપ થનારનું સન્માન
- Good Samaritan-છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને બચાવનાર ૪૩ ગુડ સમરિટનને કુલ રૂ. 2 લાખનું રોકડ ઇનામ-પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
- માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં મદદરૂપ થનારને રૂ. 5000 રોકડ પુરસ્કાર આપતી યોજના એટલે “ગુડ સમરિટન પુરસ્કાર યોજના”
- જીવ બચાવનાર ગુડ સમરિટનની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કે પૂછપરછ કરવામાં આવતી નથી
- વર્ષના અંતે શ્રેષ્ઠ ૧૦ ગુડ સમરિટનને રાષ્ટ્રીય સ્તરે રૂ. એક લાખનું રોકડ પુરસ્કાર
Good Samaritan-માર્ગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓને મદદ કરવા, તેમનું જીવન બચાવવા તેમજ અન્યને પ્રેરણા આપવા માટે નાગરિકોને સન્માનિત કરતી યોજના એટલે ‘ગુડ સમરિટન પુરસ્કાર’ યોજના. આ યોજના અંતર્ગત માર્ગ અક્સ્માતમાં ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં મદદરૂપ બનનારને રૂ. 5000 રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ જિલ્લાઓમાં ગુડ સમરિટનની ઉમદા કામગીરી કરતા કુલ 43 નાગરિકોને રૂ. 2 લાખના રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
40 ટકા મૃત્યુ માત્ર સમયસર સારવાર ન મળવાના કારણે
દેશમાં દર વર્ષે મોટી સંખ્યામાં માર્ગ અકસ્માતો થાય છે, જેમાં અનેક લોકો પોતાનું જીવન ગુમાવે છે. છેલ્લા ૧૦ વર્ષમાં અંદાજે 15 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતોના ભોગ બન્યા છે. પોલીસ અને હોસ્પિટલ ખાતે પૂછપરછ તેમજ કાનૂની પ્રક્રિયાઓનો ભયના કારણે દેશના અંદાજિત 75 ટકા લોકો રસ્તા પર અકસ્માત પીડિતને મદદ કરવાની હિંમત કરતા નથી. ભારતના કાનૂન આયોગના અહેવાલ મુજબ 40 ટકા મૃત્યુ માત્ર સમયસર સારવાર ન મળવાના કારણે થયા છે. જો માર્ગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને સમયસર હોસ્પિટલ લઈ જવાય, તો અનેક લોકોના જીવ બચાવી શકાય છે.
માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા–કેર સેન્ટરમાં પહોંચાડનાર વ્યક્તિને ‘ગુડ સમરિટન’ Good Samaritan તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ગોલ્ડન અવર એટલે કે માર્ગ અકસ્માત પછીનો પહેલો એક કલાક કે જેમાં તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવે તો ઘાયલ વ્યક્તિનું મૃત્યુ મહદઅંશે ટાળી શકાય છે.
ફેટલ અકસ્માત-Fatal accident
માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર દરમિયાન મોટી સર્જરી કરવી પડે, મગજની ઈજાઓ હોય, ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે, કરોડરજ્જુમાં ગંભીર ઈજા કે સલામત સારવાર દરમિયાન મૃત્યુ જેવી કોઈપણ પરિસ્થિતિ ઉભી થાય તેને ફેટલ અકસ્માત Fatal accident કહેવામાં આવે છે. જે માટે હોસ્પિટલ દ્વારા તે અંગેનું જીવલેણ અકસ્માતનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ-MoRTH વિભાગ દ્વારા ગુડ સમરિટન-Good Samaritanને ઇનામ આપવાની યોજના વર્ષ ૨૦૨૧થી અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત જયારે એક કરતાં વધુ ગુડ સમરિટન કોઈ એક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનો જીવ બચાવે તો રૂ. 5000 ની રકમ સમાન રીતે તેઓની વચ્ચે વહેંચવામાં આવે છે. જયારે એક કરતા વધારે ગુડ સમરિટન-Good Samaritan માર્ગ અકસ્માતમાં એક કરતા વધારે લોકોના જીવ બચાવે તો એક વ્યક્તિના જીવ બચાવવા માટે રૂ. 5000 રોકડ ઇનામ આપવામાં આવે છે, પરંતુ તે માર્ગ અકસ્માતમાં એક ગુડ સમરિટનને વધુમાં વધુ રૂ. 5000 રોકડ ઇનામ આપવામાં આવે છે. એક ગુડ સમરિટન-Good Samaritanને એક વર્ષમાં મહત્તમ પાંચ વખત આ યોજનાનો લાભ મળી શકે છે. વર્ષના અંતે શ્રેષ્ઠ ૧૦ ગુડ સમરિટનને રાષ્ટ્રીય સ્તરે રૂ. એક લાખનું પુરસ્કાર આપવામાં આવે છે. વધુમાં દરેક ગુડ સમરિટનને જિલ્લા સ્તરે કલેકટરશ્રીના હસ્તે ‘ગુડ સમરિટન’ Good Samaritan પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.
"મોટર વાહન અધિનિયમ-૨૦૧૯ મુજબ ગુડ સમરિટનને કાયદાકીય સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. આ કાયદા હેઠળ, ગુડ સમરિટન વિરુદ્ધ કોઈ ફોજદારી કાર્યવાહી થઈ શકતી નથી તેમજ પોલીસ અધિકારી અથવા હોસ્પિટલ દ્વારા કોઈપણ જાતની પૂછપરછ માટે રોકી શકાતા નથી. ગુડ સમરિટન દ્વારા સ્વૈચ્છિક રીતે આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ માત્ર આ યોજના હેઠળની એવોર્ડ માટેની પ્રક્રિયા માટે જ કરવામાં આવે છે.
ગુડ સમરિટનના પુરસ્કાર માટેની પસંદગી પ્રક્રિયા
ગુડ સમરિટન-Good Samaritan જયારે માર્ગ અકસ્માતમાં પીડિતોને મદદ કરે તો તેની જાણ પોલીસ અથવા ડોક્ટરને કરવાની રહે છે. ડોક્ટર પાસેથી વિગતોની ખરાઈ કર્યા પછી પોલીસ સત્તાવાર લેટરપેડ પર ગુડ સમરિટનનું નામ, મોબાઈલ નંબર, સરનામું, અકસ્માતનું સ્થળ, તારીખ, ઘટનાનો સમય અને કેવી રીતે ગોલ્ડન અવરમાં ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદરૂપ બની માનવજીવન બચાવ્યું તેના સંપૂર્ણ વર્ણનનો ઉલ્લેખ કરીને જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિને નિયત કરેલા નમૂનામાં મોકલી આપે છે. જિલ્લા સ્તરે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને મૂલ્યાંકન સમિતિ માસિક ધોરણે ગુડ સમરિટન દરખાસ્તોની સમીક્ષા કરીને અકસ્માતના ગોલ્ડન અવરમાં મદદકર્તાઓની યાદી બનાવે છે. આ ગુડ સમરિટનને રૂ. ૫,૦૦૦ રોકડ ઇનામ તથા સન્માનપત્ર આપી અભિવાદનની કામગીરી કરવામાં આવે છે.
આપણી આસપાસ બનેલા માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને તુરંત મદદ કરી આપણો માનવધર્મ નિભાવવા ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગાંધીનગર દ્વારા સૌ નાગરિકોને આહ્વાન કરાયું છે.
આ પણ વાંચો- VADODARA : પર્યાવરણ રક્ષણના ઉદ્દેશ્ય સાથેના વૈદિક હોળી અભિયાનને 7 વર્ષ પૂર્ણ