GODHRA : સિંચાઈ માટે બનાવવામાં આવેલ કેનાલ શોભાના ગાંઠિયા સમાન બની
ગોધરાના ( GODHRA ) બોડીદ્રા ગામમાં સિંચાઈ સુવિદ્યા માટે બનાવવામાં આવેલી કેનાલ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. ઓરવાડા અને બોડીદ્રા તળાવ મારફતે આપવામાં કેનાલ મારફતે આપતું પાણી પણ બંધ કરાયું છે. જેથી સ્થાનિકોની સિંચાઈ સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે ઉગ્ર માંગ ઉઠી છે. અહીંના ખેડૂતો પોતાની મહામૂલી જમીન સિંચાઈ સુવિધા મળે તો હરિયાળી બને એવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ સિંચાઈ સુવિધા માટે બનાવવામાં આવેલી કેનાલનું હાલ અસ્તિત્વ પણ કેટલાક સ્થળે ખોવાઈ ગયું હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે.
બોડીદ્રા અંદાજીત દશ હજારની વસ્તી ધરાવતું ગામ
ગોધરા ( GODHRA ) તાલુકાના બોડીદ્રા અંદાજીત દશ હજારની વસ્તી ધરાવતું ગામ છે. અહીં આવેલી પાંચસો હેકટર કરતાં વધુ જમીનમાં ખેડૂતો ચોમાસા સિવાયની અન્ય બે ઋતુમાં ખેતી કરી ઘરે બેઠા સારી આવક રળી શકે એવા શુભ આશય સાથે અહીં અંદાજીત ૪૦ વર્ષ પૂર્વે ઓરવાડા સિંચાઈ તળાવ આધારિત કેનાલનું નિર્માણ કરાયું હતું. દરમિયાન થોડા વર્ષો સુધી અહીં સિંચાઈ માટે પાણી મળતાં ખેડુતોમાં ખૂબ જ ખુશી વ્યાપી હતી અને કાયમી ધોરણે પાણી મળી રહેવાની આશાઓ બંધાઈ હતી. પરંતુ હાલની સ્થિતિ એ તો આ સંપૂર્ણ પણે દિવાસ્વપ્ન બની હોય એવું જોવા મળી રહી છે. હાલ સમગ્ર કેનાલ દુર્દશામાં ફેરવાઈ ગઈ છે અને ઓરવાડા ગામના તળાવમાં પાણીનો જથ્થો હોવા છતાં ગોધરા ( GODHRA ) તાલુકાના બોડીદ્રા ગામના ખેડૂતોને છેલ્લા ૩૫ ઉપરાંતથી સિંચાઈ માટે કેનાલ મારફતે આપવામાં આવતું પાણી બંધ થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.
માતબર ખર્ચે તૈયાર કરાયેલી કેનાલની હાલત હાલ બદતર
ઓરવાડા સિંચાઈ તળાવ માંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટે માતબર ખર્ચે તૈયાર કરાયેલી કેનાલની હાલત પણ હાલ બદતર બની જમીનમાં ભળી ગઈ હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બીજી તરફ અહીં કુવાના જળસ્તર પણ નીચે જવાથી ખેડૂતોને કુવા મારફતે સિંચાઈ નહીંવત પ્રમાણમાં થઈ શકે છે અન્યથા માત્ર ચોમાસા ની ખેતી ઉપર નિર્ભર રહેવું પડે છે. ચોમાસા બાદના સમયમાં સ્થાનિકો પેટિયું રળવા બહારગામ મજૂરી કામે જવા મજબુર બને છે દરમિયાન મહા મુલા ખેતરો પણ વેરાન બની જાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ અહીં સમગ્ર વિસ્તારમાં સિંચાઈ પાણી મળતું હતું ત્યારે હરિયાળું વાતાવરણ હતું ત્રણ સીઝન માં વાવેતર થતું હતું પરંતુ ઓરવાડા તળાવ માંથી સિંચાઈ પાણી મળતું બંધ થતાં હવે ઉનાળા અને શિયાળા માં ખેતી થઈ શકતી નથી.
બોડીદ્રા ગામમાં આવેલા તળાવમાંથી પણ ત્રણ ફળિયામાં કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હતું. જે પણ બંધ કરી દેવાયું છે એમ ખેડૂત અગ્રણી અમરસિંહ પટેલે જણાવ્યું હતું. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે હાલ તો ખેડૂતો સરકાર પાસે કેનાલની મરામત કરી સિંચાઈ સુવિધા ઉપલબ્ધ બનાવે એવી માંગણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરકાર કરોડો રૂપિયા ખર્ચી સિંચાઈ તળાવો ભરવા પાઇપલાઇન કરી રહી છે જયારે અગાઉ સિંચાઈ માટે બનાવવામાં આવેલી યોજના જાણે ખાડે ગઈ હોય એવું લાગી રહ્યું છે.
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
આ પણ વાંચો : KOTESHWAR MAHADEV : નવહતી મેળામા હજારોની સંખ્યામાં આદીવાસી સમાજે અસ્થી વિસર્જન કર્યું