રાજ્યની હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ, લેબોરેટરી તથા રેડિયોલોજીના પ્રશ્નોના ઉકેલ માટે GAHNA ની રચના કરાઇ
ગુજરાત એસોસીએશન ઓફ હોસ્પિટલ્સ, નર્સિંગ હોમ્સ તેમજ એલાઇડ હેલ્થ કેર સર્વિસીસ (GAHNA) ની રચના કરવામાં આવી છે. સંસ્થાના ચેરમેન ડોક્ટર ભરત ગઢવીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં મેડિકલ ક્ષેત્રમાં આવેલા ફેરફારોને ધ્યાનમાં રાખી, રાજ્યના દર્દીઓને સારી સારવાર પૂરી પાડવાના ધ્યેય સાથે, હોસ્પિટલ્સ, નર્સિંગ હોમ્સ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરોના ઉદભવતા પ્રશ્નોના ઉકેલ તેમજ માર્ગદર્શન માટે તમામ જિલ્લાઓના સંગઠનોને એક છત હેઠળ લાવી અને રાજ્ય કક્ષાના એક સંગઠન "ગુજરાત એસોસિએશન ઓફ હોસ્પિટલ્સ, નર્સિંગ હોમ્સ અને એલાઇડ હેલ્થ કેર સર્વિસીસ" (GAHNA) ની રચના કરવામાં આવી છે.
GAHNA ના ચેરમેન ડોક્ટર ભરત ગઢવી એ વધુમાં જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં હેલ્થ કેર સર્વિસીસ સેક્ટર ઝડપથી ઉભરી રહ્યું છે. રાજ્યમાં લોકોને આરોગ્ય ક્ષેત્રે સેવાઓ પૂરી પાડવામાં પ્રાઇવેટ સેક્ટરનો લગભગ ૮૫ - ૯૦ ટકા ફાળો છે. હેલ્થ કેર ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી ઘણા ફેરફારો આવી રહ્યા છે. મુખ્યત્વે આરોગ્ય વિમામાં તથા સરકાર દ્વારા સંચાલિત યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તથા કર્મચારીઓ માટેની યોજના જેવી કે સી.જી.એચ.એસ., ઇ.એસ.આઇ. તથા ઇ.સી.એચ.એસ. વગેરે યોજનાઓનો વ્યાપ પણ ખૂબ વધ્યો છે.
આજથી દસ વર્ષ પહેલાં લોકો આરોગ્ય માટે સ્વખર્ચે સેવાઓ મેળવતા હતા. હવે તે જ સેવાઓ ઇન્સ્યોરન્સ (આરોગ્ય વિમો) તેમજ સરકારી યોજનાઓ દ્વારા મેળવવા લાગ્યા છે. તો બીજી તરફ હોસ્પિટલ, નર્સિંગ હોમ્સ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરોનો મૂડી ખર્ચ (capex) પણ ખૂબ જ વધી ગયેલ છે. આ ઉપરાંત આ તમામ ફેસીલીટીનો જાળવણી ખર્ચ (Operational Expenses) પણ દર વર્ષે વધી રહ્યો છે. હેલ્થ કેર ફુગાવો પ્રતિ વર્ષ ૬ થી ૮ ટકા જેટલો રહ્યો છે.
GAHNA માં ગુજરાતના 33 જિલ્લાઓ તેમજ પાંચ મુખ્ય શહેરોના પ્રતિનિધિઓ રાજ્યના ઝોનલ કાઉન્સીલના સભ્યો બનશે. રાજ્યના જિલ્લાઓને કુલ ૬ ઝોનમાં વેચવામાં આવ્યા છે જેથી નાનામાં નાના જિલ્લામાં આવેલ હોસ્પિટલ્સ, નર્સિંગ હોમ્સ અને નિદાન કેન્દ્રના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય.
"ગુજરાત એસોસીએશન ઓફ હોસ્પિટલ્સ, નર્સિંગ હોમ્સ એન્ડ એલાઇડ હેલ્થ કેર સર્વિસીસ" (GAHNA) મોર્ડન મેડીસીન પ્રણાલી અંગે પ્રોટોકોલ્સ જળવાય તે બાબતે સભ્યોને માર્ગદર્શન આપશે.
નીચેના મુદ્દાઓ પાર GAHNA આવનાર સમયમાં ધ્યાન કેન્દ્રિત કરશે
- (૧) રાજ્યના ખાનગી દવાખાનાઓ માં એન્ટિબાયોટીક્સના વપરાશ માટેના પ્રોટોકોલ્સની માહિતી પૂરી પાડવી તેમજ માર્ગદર્શન આપવું. રિઝર્વ એન્ટીબાયોટિક્સ અંગેની રૂપરેખા ઘડવી.
- (૨) આરોગ્ય વિમા કંપનીઓ દ્વારા દર્દીઓ તેમજ હોસ્પિટલો ને લગતા પ્રશ્નોની યોગ્ય રજૂઆત કરવી.
- (૩) હોસ્પિટલોને લગતા હાલના કાયદાઓ તથા આવનારા કાયદાઓ જેમકે CEA વગેરે માટે પ્રતિનીધીત્વ કરવું.
- (૪) હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ, પેથોલોજી લેબોરેટરી, રેડિઓલોજી સેન્ટર, IVF સેન્ટરો માટે "કોડ ઓફ એથીક્સ" (Code of ethics) ઘડવો.
- (૫) હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ અને ડાયગ્નોસ્ટીક સેન્ટરો માટે મૂડી ખર્ચમાં તેમ જાળવણી ખર્ચમાં ઘટાડો થાય તેના માટે જે તે વિભાગમાં યોગ્ય રજૂઆત કરવી.
- (૬) હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ અને ડાયગ્નોસ્ટીક સેન્ટરોને સ્કીલ્ડ સ્ટાફ સતત મળી રહે તેના માટે સરકારના જે તે વિભાગ સાથે સંકલન કરવું તેમજ તેને લગતી રજૂઆત કરવી.
- (૭) પેરા મેડીકલ સ્ટાફ મળી રહે તે માટેનું માળખું ઊભું કરવા સરકાર સાથે સંકલન કરવું.
- (૮) નાના શહેરોના પેરા મેડીકલ સ્ટાફને મોટા શહેરોની હોસ્પિટલોમાં તાલિમ મળે તે માટેનું માળખું ગોઠવવું.
- (૯) પ્રધાનમંત્રી આરોગ્ય યોજનામાં સામેલ હોસ્પિટલો આર્થિક દ્રષ્ટિએ નભી શકે અને દર્દીઓને સારી સારવાર પૂરી પાડી શકે તે માટેના પગલાં ભરવા માટે સરકારને રજૂઆત કરવી.
- ગુજરાત એસોસીએશન ઓફ હોસ્પિટલ્સ, નર્સિંગ હોમ્સ તેમજ એલાઇડ હેલ્થ કેર સર્વિસીસ, રાજ્યના તબીબોના સંગઠન ઇન્ડીયન મેડીકલ એસોસીએશન (IMA) ના સભ્યો સાથે મળીને મોર્ડન મેડીસીન (એલોપેથી) ના ઓબ્જેકટીવ્સને આગળ વધારવાની પ્રવૃત્તિઓ હાથ ધરશે.
અહેવાલ - સંજય જોષી
આ પણ વાંચો : VADODARA : PCB ની ટીમે પ્રોહીબીશનની બે રેડમાં રૂ. 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો