ભરૂચના યુવકને વિદેશમાં મોકલવા અને ત્યાંની યુવતી સાથે લગ્ન કરાવવાની લાલચે છેતરપિંડી
અહેવાલ - દિનેશ મકવાણા
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પાડોશી સંબંધે છેતરપિંડીનો ખેલ ઉભો કર્યો હોવાનો ભાંડો ફૂટ્યો છે. જેમાં દહેજની એક કંપનીના લેબર કોન્ટ્રાક્ટરને યુ.કે.ની ફ્રોડ યુવતીનો ફોટો મોબાઇલમાં બતાવી યુ.કે મોકલવાની સાથે નીકાહ કરાવી આપવાની લાલચે ભોગ બનનાર પાસેથી પોણા 9 લાખ પડાવી લેતા આખરે બી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે.
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં મોહંમદ ફૈઝલ મોહંમદ ઐયુબ શેખે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે અમારા ઘરની આગળની ગલીમાં રહેતા શહેનાઝ અઝીઝુરહેમાન ગુલામ અકબર કાઝી તથા તેની દિકરી નોહરીન અઝીઝુરહેમાન ગુલામ અકબર કાઝી રહેતા હતા અને અન્ય લોકો સાથે ઝઘડો તકરાર કરતા તેઓએ ઘર છોડી મલેકવાડ ખાતે રહેવા જતા રહ્યા હતા અને તેમની સાથે પારિવારિક સંબંધો ચાલુ થયા હતા.
ગત તારીખ 17/08/2020 ના રોજ બંને માં - દીકરી ફરિયાદીના ઘરે આવ્યા હતા અને બંને માં - દીકરીએ ફરિયાદીની માતા ખાલિદાબાનુની હાજરીમાં ફરિયાદી દિકરાને જણાવેલ કે તારે યુ.કે જવું હોય તો અમારી પાસે એક રસ્તો છે જેથી ફરિયાદીએ પૂછેલ કે યુ.કે કેવી રીતે મોકલશો..? તેમ કહેતા તેઓએ ફરિયાદીને કહેલ કે અમારા ઓળખીતા અસ્લમભાઇ યુ.કે ખાતે રહે છે અને તેમની છોકરી ફરોબાનું છે અને તેઓ યુ.કે ખાતે પી.આર ધરાવે છે જેથી તેની સાથે લગ્ન કરાવી ફરિયાદીને યુ.કે મોકલી આપીશું અને યુ.કે ખાતે જવા માટે વિઝાનો 10 થી 15 લાખનો ખર્ચો થાય તેમ કહી બંને માં - દીકરી જતા રહ્યા હતા અને 3 દિવસ બાદ બંને માં - દીકરી પુનઃ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ફરિયાદીને જણાવ્યું હતું કે યુ.કે જવા માટે શું વિચાર્યું?
જેથી ફરિયાદીએ કહેલ કે ખરેખર મને યુ.કેના વિઝા અપાવી દેશો તેમ કહેતા તેઓએ ફરિયાદીને કહેલ અમારા ઉપર વિશ્વાસ રાખો વિઝા માટેના ખર્ચના રૂપિયા આપશો એટલે તમને ચોક્કસ યુ.કે મોકલી આપીશું અને ફરિયાદી પાસેથી ફરિયાદીના મહત્વના દસ્તાવેજ આધારકાર્ડ પાનકાર્ડ ઇલેક્શન કાર્ડ લાઈટ બિલ લિવિંગ સર્ટિફિકેટ જન્મના દાખલાની નકલ તથા 1 લાખ રોકડા મેળવવા શહેનાઝએ પોતાના મોબાઈલમાં એક રૂપસુંદરી છોકરીનો ફોટો બતાવી કહેલ કે આ ફરોબાનુંનો ફોટો છે અને તારે એની સાથે નીકાહ કરવાના છે તેમ કહેતા જ ફરિયાદીએ નીકાહ કરવાની હા પાડી રૂપિયા એકત્ર કરવામાં જોતરાઈ ગયા હતા અને છેલ્લા 3 વર્ષમાં ઓનલાઇન બેંક મારફતે google પે ફોન પે તથા paytm મારફતે તથા રોકડા મળી અંદાજે 8 લાખ 87 હજાર 900 ભેજા બાજોને આપ્યા હતા
ભોગ બનનાર ફરિયાદીને મોડે મોડે જાણ થઈ હતી કે યુ.કેમાં આવી કોઈ યુવતી નથી અને આ માં - દીકરી છેતરપિંડી કરવાથી ટેવાયેલી હોય અને અગાઉ પણ ભરૂચના મોટા બજાર ખાતે રહેતી અન્ય એક યુવતીને પણ આફ્રિકા કોંગો ખાતે મોકલવાના બહાને 26,000 પડાવી લીધા હોવાનું સામે આવતા ફરિયાદી છેતરાયા હોવાનું ફલિત થતા પોણા 9 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે
કહેવાય છે ને કે યુ.કે જવાના સપનામાં અનેક લોકો છેતરતા હોય છે બસ આવો જ એક ખેલ પાડોશીએ પાડી દીધો છે જેમાં માં - દીકરીએ એક ફરોબાનું નામની બોગસ યુવતીનો ફોટો બતાવી ફરિયાદીને યુ.કે મોકલી તેના લગ્ન કરાવવાની લાલચ આપી સાથે બોગસ ફરોબાનુના પિતા તરીકે ભેજાબાજ મહિલાએ પોતાના જ પતિને બોગસ યુવતીના પિતા તરીકે ઉભા કરી ફરિયાદી સાથે ફોન પણ વાત કરાવી તેના બેન્ક એકાઉન્ટમાં પણ રૂપિયા મોકલ્યા હોવાનો ભાંડો ફૂટતા આખરે માં - દીકરી સાથે બોગસ પિતા તરીકે ઉભા કરેલા ભેજાબાજ સામે પણ ફરિયાદ નોંધાઈ ગઈ છે.
આ પણ વાંચો - પંચમહાલ : ગોધરા ખાતેથી જિલ્લા પોલીસ દ્વારા વિશાળ રેલી કાઢી મેરી માટી મેરા દેશ અભિયાનની શરૂઆત કરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ