રાજ્યના આ જિલ્લાના ખેડૂતો રહે ઍલર્ટ, પાકને નુકસાન થવાની ભીતિ
ગુજરાત રાજ્યમાં આજથી ત્રણ દિવસ ફરી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 5, 6 અને 7 એપ્રિલે કમોસમી વરસાદ ખાબકી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે....
10:21 AM Apr 05, 2023 IST
|
Hiren Dave
ગુજરાત રાજ્યમાં આજથી ત્રણ દિવસ ફરી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 5, 6 અને 7 એપ્રિલે કમોસમી વરસાદ ખાબકી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. તેમજ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, દિવ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસવાની શક્યતા છે. 6 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં વરસાદની શક્યતા છે. જો કે ત્રણ દિવસ બાદ ગરમી વધી શકે છે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
રાજકોટ ગ્રામ્યમાં ગોંડલમાં માવઠુ
હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે ગઈ કાલે સાંજે કચ્છ , રાજકોટ ગ્રામ્યના ગોંડલ, યાત્રાધામ વીરપુર સહિત દેવચડી, બાંદ્રા, કંટોલીયા, ગોંડલ, શિવરાજગઢમાં વરસાદ પડ્યો હતો અને ગોંડલમાં વરસાદ થતા યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં ગરકાવ થઈ હતી . યાર્ડમાં રહેલો ઘઉં, ચણા, ડુંગળી સહિતનો માલ પલળી ગયો છે.
કમોસમી વરસાદ થતાં પાકને નુકસાન થવાની ભીતિ
તો આ તરફ બોટાદ જિલ્લામાં ભારે પવન અને કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને સાંજના સમયે અચાનક ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ઉનાળા પહેલા જ બોટાદમાં ચોમાસા જેવો માહોલ છવાયો ગયો હતો. તો બીજી તરફ કમોસમી વરસાદ થતાં પાકને નુકસાન થવાની ભીતિ છે.
કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત અહીં વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, વધુ એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેના કારણે 5 અને 6 એપ્રિલના ઉતર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં માવઠુ થવાની શક્યતા છે. એટલે એવું કહી શકાય કે ફરી ગુજરાત માટે ભારે દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ દરમિયાન મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, દ્વારકા, સુરત, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોની માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. વરસાદની અને વાતાવરણમાં આવી રહેલા પલટાની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે.
Next Article