Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

KUTCH : આશાપુરા ધામમાં વિકાસનો ધમધમાટ, ખાટલા ભવાની મંદિર અને ચાચરા કુંડનું કરાયું અદ્યતન નવીનીકરણ

અહેવાલ - કૌશિક છાયા, ક્ચ્છ ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ‘માતાના મઢ’ ખાતે આવેલ આશાપુરા ધામમાં વિકાસ કાર્યોનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજ્ય સરકારે સમગ્ર આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે રૂ. 32.71 કરોડનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો છે...
kutch   આશાપુરા ધામમાં વિકાસનો ધમધમાટ  ખાટલા ભવાની મંદિર અને ચાચરા કુંડનું કરાયું અદ્યતન નવીનીકરણ

અહેવાલ - કૌશિક છાયા, ક્ચ્છ

Advertisement

ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ‘માતાના મઢ’ ખાતે આવેલ આશાપુરા ધામમાં વિકાસ કાર્યોનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજ્ય સરકારે સમગ્ર આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે રૂ. 32.71 કરોડનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો છે કે જેના હેઠળ આશાપુરા મંદિર યાત્રાધામ પરિસર ખાતે આવેલ ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડનું અદ્યતન નવીનીકરણ કરી દેવામાં આવ્યું છે. મુખ્ય મંદિર સહિત સમગ્ર માસ્ટર પ્લાનનું કામ એપ્રિલ-2024માં પૂર્ણ થઈ જશે.

રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી) દ્વારા ગત ઑગસ્ટ-2022થી કચ્છ જિલ્લામાં લખપત તાલુકાના માતાનો મઢ ગામે આવેલ આશાપુરા માતા મંદિર પરિસરના વિકાસ માટેના માસ્ટર પ્લાન હેઠળ વિકાસ કાર્ય શરુ કરવામાં આવ્યા હતાં અને હાલ સમગ્ર આશાપુરા ધામ ખાતે આ માસ્ટર પ્લાન હેઠળ રીડેવલપમેન્ટ તથા રિનોવેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

Advertisement

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં આવેલ યાત્રાધામોને ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહી છે અને આ જ કડીમાં ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ જ્યાં આસ્થા ધરાવે છે, તેવા માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા મંદિર તથા આસપાસના આસ્થા સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

આ નવરાત્રિમા જોવા મળશે નવીનીકૃત ખાટલા ભવાની મંદિર અને ચાચરા કુંડ

માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા માતા મંદિરમાં આમ તો બારે માસ શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આશાપુરા માતાના દર્શનાર્થે આવે છે. બોર્ડના સચિવ શ્રી આર.આર.રાવલે જણાવ્યું કે આ નવરાત્રિએ આશાપુરા માતા સંકુલમાં આવનાર માઈભક્તો માટે નવીનીકૃત કરાયેલ ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડ નવલું નજરાણું બનશે. માસ્ટર પ્લાન હેઠળ આ બંને સ્થળોના વિકાસના કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.

ડુંગર પર આવેલ ખાટલા ભવાની મંદિરે પહોંચવું બન્યું સરળ

આશાપુરા માતા યાત્રાધામ સંકુલ ખાતે આવેલ ખાટલા ભવાની મંદિર પર્વતની ટોચ પર આવે છે કે જ્યાં પહોંચવા પગથિયા (ધાબા સાથે) તથા મોટરેબલ રસ્તો હતો. પર્વતની ટોચે મંદિર પાસે અવિકસિત મોટો વિસ્તાર આવેલો હતો કે જ્યાંથી સંપૂર્ણ ‘માતાનો મઢ’ ગામ જોઈ શકાય છે. માસ્ટર પ્લાન હેઠળ ખાટલા મંદિર ભવાની મંદિરે જવા માટેના પગથિયાનું રીનોવેશન, મંદિરમાં પથ્થરનું ક્લેડિંગ, પર્વત પર યાત્રિકો માટે પરિસરનો વિકાસ કરવામાં આવ્યો છે કે જેમાં વૉક-વે, બાળ ક્રીડાંગણ, ગઝીબોનું રીપેરીંગ, વાહનો થકી આવતાં યાત્રાળુઓ માટે રૅમ્પ-એપ્રોચ, પ્લાન્ટેશન, પાર્કિંગ અને શૌચાલય બ્લૉક, હંગામી સ્ટૉલ માટે શેડ-ઓટલા, મુખ્ય પ્રવેશ દ્વાર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

જર્જરિત ચાચરા કુંડનો કરાયો જીર્ણોદ્ધાર

માતાનો મઢ ગામમાં પૌરાણિક ચાચરા કુંડ આવેલ છે કે જેમાં બારેમાસ પાણી રહે છે. કુંડની આસપાસ (પરિસરની) વિશાળ જગ્યા આવેલ છે. ચાચરા કુંડ ખૂબ જ જર્જરીત હાલતમાં હતો તથા પરિસરમાં અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી. માસ્ટર પ્લાન હેઠળ ચાચરા કુંડનો અદ્યતન લાઇટિંગ સાથે જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. ચાચરા કુંડ પરિસરમાં વૉક-વે, બાળ ક્રીડાંગણ, બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અહીં આવતાં પ્રવાસીઓ જાતે ભોજન બનાવી અને જમી શકે; તે માટે કિચન-ડાઇનિંગ સુવિધા ઊભી કરાઈ છે. આ ઉપરાંત એમ્ફી થિયેટર પ્રકારની બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશન, શૌચાલય બ્લૉક તથા મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારનું રિપૅરિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.

આશાપુરા માતા મંદિર અને રૂપરાય તળાવ ખાતે વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ

જીપીવાયવીબી દ્વારા હવે માતાનો મઢ ખાતે આવેલ રૂપરાય તળાવ તથા આશાપુરા માતા મંદિર ખાતે વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે. રૂપરાય તળાવ ખાતે વિકાસ કાર્યો અંદાજે 40 ટકા પૂર્ણ થઈ ગયા છે. શ્રી આશાપુરા માતાજી મંદિરમાં પ્લાન મુજબ સંપૂર્ણ ડીમોલિશન પૂર્ણ કરી યાત્રિકોને અગવડતા ન પડે; તે માટે પીસીસી કામગીરી પ્રગતિ હેઠળ છે તથા બાકીની કામગીરી નવરાત્રી બાદ શરૂ કરવાનું આયોજન છે.

આ પણ વાંચો -- અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન, 17 વર્ષના યુવકની બે કિડનીનું દાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.